પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે ભરતશ્રેષ્ઠ! જે ફળના ઉદ્દેશથી ને વળી દંભથી થાય છે તે યજ્ઞને રાજસી જાણ.૧૨.

જેમાં વિધિ નથી, અન્નની ઉત્પત્તિ અને સંતર્પણ નથી, મંત્ર નથી, ત્યાગ નથી, શ્રધ્ધા નથી તે યજ્ઞ તામસ યજ્ઞ કહેવાય છે.૧૩.

દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરીક તપ કહેવાય છે.૧૪.

દુઃખ ન દે એવું, સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથનો અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. ૧૫.

મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવનાશુધ્ધિ એ માનસિક તપ કહેવાય છે. ૧૬.

સમભાવી પુરુષો જ્યારે ફલેચ્છાનો ત્યાગ કરીને પરમ શ્રધ્ધાપૂર્વક આ ત્રણ પ્રકારનું તપ કરે છે, ત્યારે તેને ડાહ્યા લોકો સાત્ત્વિક તપ કહે છે. ૧૭.

૧૬૩