પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫૧

બ્રહ્મનું વર્ણન ૐ તત્ સત્ એમ ત્રણ રીતે થયેલું છે, અને એ વડે પૂર્વે બ્રહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા.૨૩.

તેથી બ્રહ્મવાદીઓની યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ હંમેશાં ૐનું ઉચ્ચારણ કરીને વિધિવત્ થાય છે. ૨૪.

વળી, 'તત્' એમ ઉચ્ચાર કરી ફલની આશા રાખ્યા વિના મોક્ષેચ્છુ યજ્ઞ, તપ અને દાનરૂપી વિવિધ ક્રિયાઓ કરે છે. ૨૫.

સત્ય તેમ જ કલ્યાણના અર્થમાં સત્ શબ્દનો પ્રયોગ થાય છે. અને હે પાર્થ! શુભ કર્મોમાં પણ સત્ શબ્દ વપરાય છે. ૨૬.

યજ્ઞ, તપ અને દાનને વિશે દ્‍ઢતાએ પણ સત્ કહેવાય છે. તેમને અર્હે જ કર્મ છે એવો સંક્લ્પ એ પણ સત્ કહેવાય છે. ૨૭.

નોંધઃ ઉપલા ત્રણ શ્લોકોનો ભાવાર્થ એ થયો કે પ્રત્યેક કર્મ ઈશ્વરાર્પણ કરીને જ કરવું, કેમ કે ૐ એ જ સત્ છે, સત્ય છે. તેને અર્પેલું જ ઊગે.

૧૬૫