પૃષ્ઠ:Anashakti Yog.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાલ્પનિક આદર્શ આકૃતિઓની આવશ્યકતા છે તેમ જ ધર્મ વ્યવહારને અંગે છે. તેહી આ શ્લોકનો અર્થ આમ જ બેસાડાયઃ જેની અહંતા ખાખ થઇ ગઇ છે, ને જેની બુધ્ધિમાં લેશ પણ મેલ નથી તે ભલે આખા જગતને હણે એમ કહીએ. પણ જેનામાં અહંતા નથી તેને શરીર જ નથી.જેની બુધ્ધિ વિશુધ્ધ છે તે ત્રિકાળદર્શી છે. એવો પુરુષ તો કેવળ એક ભગવાન છે. તે કરતો છ્તો અકર્તા છે; હણતો છતો અહિંસક છે. તેથી મનુષ્ય પાસે તો એક ન હણવાનો અને શિષ્ટાચારશાસ્ત્ર પાળવાનો જ માર્ગ છે. કર્મની પ્રેરણામાં ત્રણ તત્વો રહેલાં છેઃ જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા. તેમ જ કર્મનાં અંગ પણ ત્રણ પ્રકારનાં હોય છેઃ ઇન્દ્રિયો, ક્રિયા અને કર્તા.૧૮.

નોંધઃ આમાં વિચાર અને આચારનું સમીકરણ છે. પ્રથમ મનુષ્ય શું (જ્ઞેય) તેની રીત (જ્ઞાન)ને જાણે છે - પરિજ્ઞાતા બને છે. એ કર્મપ્રેરણાના પ્રકાર પછી તે ઇન્દ્રિયો (કરણ) વડે ક્રિયાનો કરનાર બને છે. આ કર્મસંગ્રહ. જ્ઞાન, કર્મ અને કર્તા ગુણભેદ પ્રમાણે ત્રણ પ્રકારના છે. તે ગુણ-ગણનામાં જેવા વર્ણવાયા છે તેવા સાંભળ.૧૯.

૧૭૧