પૃષ્ઠ:Angadvishti.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

અંગદ-સાંભળજો મુજ માત, વાતમાં એહ વધાઇ; લક્ષ્મણ સહિત શ્રીરામ, પધાર્યા ભૂપત ભાઇ; વાનર પદ્મ અઢાર, બોતેર કોટીક સાંધી; મળ્યો વિભીષણ ભ્રાત, પાજ સમુદ્રે બાંધી; મેં વિવિધ પ્રકાર વિષ્ટિ કરી, ટેવ એહની ટેડિયો; સીતા પ્રત્યે અંગદ કહે, ગઢ લંક વાનરે વીંટિયો.

સીતા-સીતા કહે સુણ વીર, ધીર થઇ ધીરજ ધરજો; જોરાવર જન એહ, કામ ઘણું પાકું કરજો; લલોપતો નહીં લાગ, શોભે નહીં શૂરા સાથે; મંદ્ર ચળ શો મેર, ઉપાડે છે એક હાથે; કુંભકર્ણ કહેવાય છે કારમો, દેખે તેટલું ખાય છે; એવું જાણી ઈંહાં આવજો, રામ તો મોટા રાય છે.

અંગદ-કહો તો મેરુ સહિત, ઉદયાચળ હું ઉપાડું; કહો તો લંક પર લંક, અધિક અવનિમાં ગાડું; કહો તો બાણું ક્રોડ, જોધને બાંધી જાઉં; કહો તો ઈંદ્રજિત કુંભકર્ણ, દૈત્ય સર્વેને સાઉં; મા કહો તો લંકને લૂટિયે, વસુધા વિપરીત નાંખિયે; પણ હુકમ નથી હજુરનો, માટે સર્વે સાંખિયે.

સીતા-છાંનો રે ભડ ભ્રાત, વાત શી કરવી ઝાઝી; કરો કહ્યું તે કામ, રામ જે વાતે રાજી; કરતા હો જે કાલ, આજ સવેળા સાધો; દેખશે કો એક દુષ્ટ, વાયુ વેગે વાધો; જ્યાં આગન્યા માગી અંગદે, જોધ જાવા લાગ્યો જવે; રાક્ષસીએ બુમ પાડી ઘણી, જોધ તરવરી રહ્યા તવે.

કવિ-માર માર કરતા મૂઢ, ધીર ધસમસતા ધાયા; અંગદકેરાં ચરણ, પૂછ શત્રુએ સહાયા; સહસ્ર લાખ કરોડ, હઠીલે હોડે હકાર્યા; તીડાન તીડનો રાફ, વાનરપર વેદ વકાર્યા; ત્રાસ પડ્યો ત્રહો વિધતણો, દાવાદળ બહૂ દેશમાં; દાખું લોકે દશકંધને, લંગૂર આવ્યો એક દેશમાં.