પૃષ્ઠ:Angadvishti.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

રામ- સાબાશ કહે શ્રી રામ, અંગદ પંચાયન પૂરો; વીરાધિવીર દૃઢ ધીર, પૂર સામદ શુભ શૂરો; બુદ્ધિનિધાન બત્રીશ, બાબત બોતેરી બૂઝે; સોળકળા સંપૂર્ણ, શાસ્ત્રગત સઘળી સૂઝે; ડાહપણ તત્ત્વ ત્રિલોકનું, ક્રોડવાર શું કહું કથી; સકળ સૈન્ય મેં નિરખ્યું, નર બીજો નિર્ભય નથી. ૪૦

અં - માહારાજ રાજઅધિરાજ, તનુ તનુ સેવક તારો; વાંક ગુન્હો તકસીર, ક્ષમા કરોજી મારો; એક કરું છું અર્જ, રીસ ન કરો તો બોલું; કિંકરનો કિંકર કહેણ, પ્રીત પટંતર ખોલું; કોને સોંપો છો મોરચા, શૂર સામદ ગુણ સૃષ્ટિએ; ક્યમ મુજને સોંપ્યું કાસદું, જે વાત વિખણો વિષ્ટિએ. ૪૧

દુહો. રામ - પદ્મ અઢાર પ્લવંગમાં, બહુ રીછ બોતેર ક્રોડ; વિષ્ટિ કામ સુત વાલિ વિણ, જડે ન બીજી જોડ. ૪૨

સવૈયો. અંગદ - હુકમ હોય હજુરી કેરો, સોષી નાખું બાધો સાયર; હુકમ હોય હજુરી કેરો, મહા કામ કરવા છું માયર; હુકમ હોય હજુરી કેરો, જુદ્ધે જોર કરું ત્યાં જાહર; કાસદ કામ સોંપ્યું ક્યમ મુજને, છેક મુને કેમ કીધો કાયર. ૪૩

દુહો. રામ - કાયર તુંજને ક્યમ કહું, સાયર સૂર સરદાર; જાહર છો મહા જોદ્ધમાં અપરંપાર અપાર. ૪૪

સવૈયો. અં - અંગદ કહે આજ્ઞા દો મુજને, જોરે જુદ્ધ કરું ત્યાં ઝાઝું; હાથી ભાથી સાથી એના, દેખી દિલ મારામાં દાઝું; મંત્ર રામનો મુખ છે મારે, ભડતાં ભૂપતથી નહિ ભાજું; નીચ કામ કાસદનું કરવા, લંકામાં જાતાં હું લાજું. ૪૫

દુહો. રામ - કાસદ કામ એ તો નહિ, એ મોટમ પદ મેર; લંકપત શું છત દાખવે, તેહ સવાયો શેર. ૪૬