ગામની બહાર એક નાની વાડી હતી. વાડીમાં બેઠા ઘાટનો એક બંગલો હતો.
બંગલાના દરવાજાની કમાન પર અક્ષરો કોતરેલા હતા : “કારભારી-નિવાસ”.
સુજાનગઢ ત્રીજા વર્ગનું રજવાડું હતું. દેવનારાયણસિંહ મરહૂમ દરબારના દશ વર્ષ સુધી કારભારી હતા, ને મરહૂમના મૃત્યુ પછી સરકાર તરફથી નિમાયેલા એડ્મિનિસ્ટ્રટર હતા. મરહૂમ દરબારનો કુમાર હજુ ઘોડિયામાં હતો.
બંગલાને દરવાજે એક બુઢ્ઢો ચાઉસ બેઠો હતો, તે ધીમેથી ઊભો થયો. એણે શિવરાજની સામે આંખો પર છાજલી કરીને જોયું; એટલું જ કહ્યું : “આ ગયે, ભાઈ ? શુકર ખુદાકી !”
બંગલાની પરસાળ પર એક બીજો ડોસો ઊભો હતો. એણે શિવરાજને શરીરથી રેલવેના એન્જિનની કોલસીની કણીઓ ઝટકારી નાખી. શિવરાજને એ એક બાજુના ઓરડામાં લઈ ગયો.
દેવનારાયણસિંહે લાંબો ડગલો ઉતારી ટૂંકો ગરમ કોટ પહેર્યો; સાફો ઉતારી નાખીને એક ઊંચી, ગુચ્છાદાર કાળી ટોપી ઓઢી લીધી; અને પોતાના છેલ્લાં ત્રીશ વર્ષના સાથી જેવા જીવતા મોટા મેજ પર પિત્તળના લૅમ્પની જ્યોત સતેજ કરી. એમની આંખો નીચે જે પુસ્તક હતું તેની અંદર જગતની જુદી જુદી અદાલતોમાં ચાલેલા સંખ્યાબંધ વિચિત્ર મુકદ્દમાની કથાઓ હતી. પગ ઉપર પગ ચડાવીને સહેજ ઢળતી પીઠે એમણે પુસ્તક વાંચવા માંડ્યું. પોણા ભાગનાં પાનાં વાંચેલી બાજુએ નીકળી ગયાં હતાં તે છતાં પુસ્તક જાણે હજી એ જ કલાકે પાર્સલમાંથી નવુંનકોર કાઢ્યું હશે તેવું લાગે. દેવનારાયણસિંહના હાથ એ પુસ્તકને, સુંવાળા સસલાને પકડનાર કોઈ સાધુની અદાથી ઝાલી રહ્યા હતા.
આખા બંગલામાં અન્ય કોઈ માનવી નહોતું; છતાં અંદરની શાંતિ એ કોણ જાણે કેમ પણ નિર્જનતાની ઉદાસ શાંતિ નહોતી. કોઈક ભર્યું કુટુંબ જાણે સૂતું હતું એવો ત્યાં ભાસ હતો. હમણાં જ જાણે કોઈક બહાર બેસવા ગયેલાં ઘરવાસીઓ કિલકિલાટ કરતાં આવી પહોંચશે !
છતાં ખરી વાત તો એ જ હતી કે ઘર નિર્જન હતું. એ નિર્જનતાની કથા પણ કાંઈ લાંબી નથી. કથા આમ હતી :
દેવનારાયણસિંહે પોતાના નોકરી-પત્રકમાં ‘પુરબિયા રજપૂત’ એવી જાત લખાવી હતી. જુવાન ઉંમરે એ કાઠિયાવાડમાં એક મદ્રાસી ડેપ્યુટી પોલિટિકલ એજન્ટની સાથે ઘરના નોકર તરીકે આવ્યો હતો. ડેપ્યુટી સાહેબ ઘરભંગ હતા — ને એકાકી હતા. દેવનારાયણ જ એમનો જીવન-વિશ્રામ હતો. દેવનારાયણના હાથની બનાવેલી સિવાય કોઈ પણ બીજી ચા ડેપ્યુટી પીતા નહોતા. દેવનારાયણે ડેપ્યુટીને હિંદી શીખવ્યું. ને ડેપ્યુટીએ આ જુવાન પુરબિયાને પોતાના અંગ્રેજી જ્ઞાનની ગુરુદક્ષિણા આપી.
“દેવનારાયણ” મદ્રાસી ડેપ્યુટી એકાન્ત ભણવા બેસતી વેળા કહેતા : “હું વિલાયતમાં વસી આવ્યો છતાં જૂના જમાનાનો માણસ જ રહી ગયો છું; એટલે હું જે કંઈ કરું તે મશ્કરી ન માનતો.” એમ બોલીને એ દેવનારાયણને પગે શિર નમાવતા, ને બોલતા કે “आचार्य देवो भव !”
એક જ વર્ષને અંતે સાહેબે દેવનારાયણને કાઠિયાવાડની જુદી જુદી ઑફિસોમાં તાલીમ લેવા બહાર કાઢ્યો. પાંચેક વર્ષ રહ્યા તે દરમિયાન એને ‘લોઅર-હાયર’ ખાતાની પરીક્ષાઓ પોતે શ્રમ લઈને પસાર કરાવી, પોતાનો શિરસ્તેદાર બનાવ્યો. ને પછી એક દિવસ સાહેબે એના માટે એક નાના તાલુકા પર સરકારી કામદાર તરીકે નિમણૂક મેળવી