સુધીના મેદાન પર ઘૂમાઘૂમ કરી રહેલા કુદરતનાં સત્ત્વોની પાછળ દોટ કાઢવાનું અજવાળીને પણ દિલ થતું હતું. એણે અનાયાસે અંતરપ્રેરિત દોટ કઢી ખરી, પરંતુ એના ડબામા ને પેડુમાં દુખાવો થવા લાગ્યો.
એકાદ ગાઉ ચાલ્યા પછી એને વધુ કષ્ટ ક્ળાવા લાગ્યું, પ્રથમ્ તો એ ભય પામી આ પેટમાં જીવ છે તેનું શું થશે ? એનો સળવળાટ કેમ બંધ જણાય છે ? અને નુકશાન થશે તો ?
તો શું ખોટું છે ? મૂએલું બાળક આવશે તો મારે છુટકારો થૈ જશે. જીવતા જીવન લઈ હું કયા જગતમાં રહી શકીશ ? માં શું કહેશે ? બાપ શાનો ચૂપ રહેશે ? મા પોતે જ જીવતા જીવને ટૂંપી નાખવા કહેશે તો ? તે કરતાં તો એ જગત પર ઉતર્યાં પહેલાં જ મરી જાય એ વધુ સારું. એ જીવતું હશે તો પછી મારો જીવ નહીં ચાલે, એના હાથપગ ઊછળતા જોયા પછી, એની ‘ઊંઆં-ઊંઆં’ વાણી સાંભળ્યા પછી, એની આંખોના તારલા જોયા પછી મારું હૈયું ભાંગી પડશે. માટે આ ઠીક લાગ મળ્યો છે. ટિકિટ માસ્તરનો ઉપકાર થયો છે. ચાલવા જ માંડું… ઊપડતે પગલે, જોશીલે પગલે, ઊંચીનીચી ટેકરીઓ ઉપર, નદી, નાળાં ને વોંકળા વટાવતી, ખેતરોનાં કાદવઢેફાં ખૂંદતી, સાથળ સુધીના પાણીને પાર કરતી, શ્રાવણના સરવડિયામાં શરીર છંટકાવતી, લદબદ કપડે, માથાબોળ શરીરે શરદીમાં ધ્રુજતી એ ચાલી ગઈ. સાત મહિનાનો પૂરો ગર્ભ ઉપાડીને અજવાળીનું આવી રીતનું ચાલવું જોખમભર્યું હતું. પોતાને જાણ નહોતી, પણ શરીર એની જાણે જ પુકાર કરવા લાગ્યું. ગતિ ધીરી ને વધુ ધીરી પડતી ગઈ. રૂંવાડા ખડાં થઈ ગયાં. સાંજ પડ્યે ગામડું આવ્યું. પાદરમાં હોટલ હતી. હોટલને ચૂલે તાપણું દીઠું. દેવદારના ખોખા પર ફળફળતા ચાના પ્યાલા જોયા.
તાપણે જરીક બેસીને તાપી લેવા, ને ગરમ ચાનો એકાદ પ્યાલો પેટમાં નાખવા દિલ તલસી ઊઠ્યું. ઠંડીમાં દાંત ડાકલી બજાવતા હતા, પણ પાસે પૈસા નહોતા. ભાગેડુ ઓરતને ટપારનારા પોલીસનો ભય હતો. ભીખ માગીને થોડી વાર ચૂલા પાસે બેસી લેવાની ઈચ્છા થઈ, પણ આગગાડીની અંદર ટિકિટ-ચેકરે કરેલું અપમાન એને યાદ આવ્યું. એ આગળ ને આગળ ચાલી. સાંજ ઝપાટાભેર નમતી હતી. ગામડાનાં ખેડુ-ઘરોમાંથી રાંધણાના ધુમાડા નીકળતા હતા. એકાદ ઘરમાંથી કોઈક મને બોલાવીને આશરો આપે તો ઝટ અંદર જઈને એક ખૂણામાં ઊંઘી જાઉં : અરે, કોઈક તો મને ઊંઘવાની જગ્યા આપો ! આ મારાં પોપચાં ઢળી પડે છે.
૨૫. મા પાસે
થોડી વેળા પછી દિવસનાં પોપચાં પણ ઢળી પડ્યાં. અને હિંમત તેમ જ કૌવત હારી છેક ઢગલો થઈ પડવાની તૈયારીની ક્ષણે જ અજવાળીએ અંધારે એક બાળમેંઢાના બેંકારા સાંભળ્યા. કાળા અંધકાર વચ્ચે આમતેમ લથડિયાં ખાતું મેંઢું ખેતરની કાળી માટીમાં ઊગેલા ડોલરના ફૂલ જેવું લાગ્યું. ફૂલને ઉપાડે તેમ અજવાળીએ મેંઢાને ઉપાડ્યું. બાલસ્પર્શ એને મીઠો લાગ્યો. એ મીઠાશ એકલી ઊનની હૂંફની નહોતી. એ મીઠાશમાં અનિવાર્ચ્ય એક તત્વ હતું — એ મીઠાશ માતૃત્વની હતી. થોડેક છેટે ગઈ ત્યાં એણે સામેથી બેંકારા સાંભળ્યા. એ અવાજ બાળ-ઘેટાની માતાનો હતો. સામસામા સાદ મા ને બાળક પાડવા