બે ખેતરવા દૂર એક ધાર હતી. ધારના પેટાળમાં એક કોઠો હતો. કોઠામાં પાંચેક વરસ પર એક વાઘરણે આપઘાત કર્યો હતો. કોઠાનું નામ ‘ગોઝારો’ પડ્યું હતું. દિવસે પણ કોઈ તે તરફ જતું નહીં. રાતવેળાએ તો ‘ગોઝારે કોઠે’ જઈને એક ખીલી ખોડી આવવાની શરતો મારતા ભલભલા જુવાનોનાં પણ કલેજાં થડકારા કરી ઊઠતા.
અજવાળી ચાલી ‘ગોઝારા કોઠા’ ભણી. પગ તળે ભીની ધરતી હતી. પવનની ટાઢી-બોળ ફૂંકો એના હાડકાંના આખા માળખાને ડખડખાવતી હતી.
૨૮. ગોઝારે કોઠે
રાતનું અંધારું જાણે બાથમાં આવતું હોય એટલું બધું ઘાટું હતું.
ઢેડગરોળીઓ જીવડાંને ચાટી લેતી હોય તેવી રીતે વાદળીઓ ચાંદરણાંને ચાટીને પેટમાં ઉતારતી હતી. છતાં વીજળીના સબકારે સબકારે અજવાળીએ ગોઝારા કોઠાની દિશા સાંધી. એના ઉઘાડા પગમાં કાંટા ભાંગતા હતા. એણે પાંચેક વાર ગડથોલિયા ખાધાં. છતાં એની છાતીએ મૂએલ બાળ ચંપાઈ રહ્યું. શબની પણ એવી સાચવણ તો માતાની છાતી પર જ સંભવે.
આઘે આઘેના રસ્તાઓ ઉપર એ વખતે બેત્રણ ગાડાંના કિચૂડાટ બોલ્યે આવતા હતા અને ગીતના લલકાર ઊઠતા હતા :
મળજે તરણેતરને મેળે
હો માવલા,
મળજે તરણેતરનો મેળે.
તારાં ખેતરને ઢોર ભલે ભેળે
હો માવલા,
મળજે તરણેતરનો મેળે.
તારા આડી ભલે ભેરવ્યું કળેળે
હો માવલા,
મળજે તરણેતરને મેળે.
સ્વરો સમજાયા : તરણેતરનો મેળે : ઘેરાં અને પાતળાં ગળાંનો સામટો નાદ અંધારાં કાપતો, ગોધલાના પગમાં શૂરાતન પૂરતો, ગાડાંના પછડાટે કરીને સ્ત્રીપુરુષોને એકબીજાના ઉપર ફંગોળતો દૂર દૂર ચાલ્યો જાય છે.
તરણેતરને મેળે : શ્રાવણ માસ ચાલે છે : ગોકળ આઠમનાં આ ગાઢાં અંધારાં ઘૂંટાય છે. નવ મહિના પૂર્વેનો મેળો યાદ આવ્યો : આ મેળો તરણેતરનો ન હોય. એક વરસ હજી વીત્યું નથી. કોઈ બીજા જ મેળે ઊપડ્યાં જણાય છે આ જુવાનિયાં.
તરણેતરને મેળે ! અજવાળીના અંતરમાં કટારો ચાલી. નવ મહિનાનો ઇતિહાસ !
કાંઈ ફિકર નહીં આ પતાવી લેવા દે. હું પણ તરણેતરને મેળે જવા જેવી ‘હહણીને ઘોડો’ થઈ જઈશ. આ વખતે તો હું એકલી પાછી ફરું જ નહીં ને !
નવો ઉલ્લાસ પગમાં પુરાયો. પગ જોરથી ઊપડ્યા. ગોઝારે કોઠે પહોંચી ગઈ. તરણેતરને મેળે પહોંચવાની મસ્તી ચડી હતી. બીક હટી ગઈ હતી. બાળકને કોઠાની