પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગોઝારે કોઠે
૧૦૫
 


શિલાઓના પોલાણમાં પધરાવવા અજવાળી પોલાણ શોધતી હતી.

એ જ વખતે વીજળીના સળાવા ચાલ્યા. ઉપરાઉપરી સબકારા એકબીજા સાથે સંધાતા ગયા. જ્યોતનો મહાધોધ બંધાઈ ગયો. દિવસ જેવું ઝળાંઝળાં અજવાળું બેથી ત્રણ મિનિટ ટકી રહ્યું. આખા પ્રદેશનું તરણે-તરણું તપાસી લેતી કોઈ વિરાટ આંખ જાણે કે કશુંક ખોવાયેલું શોધતી હતી.

ચોરી કરતા ચોરને માથે ઓચિંતી વીજળીની ‘ટોર્ચ’ ઊઘડી પડી. ચોરી કરતી અજવાળી સ્તબ્ધ બની. વિશ્વના કયા ચોકિયાતે આ ચાંપ દાબી ? કોને પકડવા ?

બાળકને મૂકવાનું પોલાણ હાથ આવી ગયું. મૂકતીકને એ પાછી વળી. કોઈની જોઈ જતી નજરને ખાળવા માટે હાથલા થોરની વાડ્યમાં પેસી જવા એનું મન ધર્યું. ત્યાં તો વીજળીના તળાવા બંધ પડ્યા. અંધકારે એને લપેટી લીધી.

ભરવાડોની ઝોકમાં તાજાં જન્મેલાં મેંઢાંના બેંબેંકાર કાને પડ્યા : જાણે પોતાનું બાળક રડ્યું. કૂણી રાતી કુંપળો જેવા હાથ, પગ ને નાની નાની આંગળીઓ એનાં નેત્રો સામે તરવરી રહી. શા માટે મેં બાળકને ગોઝારે કોઠે સંઘર્યું ? શા માટે એને લઈને હું દુનિયા સામે ખડી ન રહી ? લોક મને કરી કરીને શું કરી નાખત ? હજુ પાછી વળું ને લઈ આવું.

મન ગોઝારે કોઠે સંધર્યું, તેમ તેમ પગ ઘર ભણી ધસ્યા. બાપના ખેતરમાં ડાઘા કૂતરા ડાઉ ડાઉ કરતા હતા. શિયાળવાંની લાળી સંભળાતી હતી.

એકાએક બીજે કેડે થઈને આવતું એક ફાનસનું અજવાળું એના મોં પર પડ્યું. મોં છુપાવીને એણે પગલાં ઉપાડ્યાં. ફાનસવાળો કોઈક આદમી ભૂતડી ગામને કેડેથી ચાલ્યો આવતો હતો. અજવાળી પોતાની ખડકીમાં પેઠી, તે આ ફાનસવાળાએ જોયું.

ફાનસવાળો આદમી બાજુની જ ખડકીમાં દાખલ થયો. એની ને એની સ્ત્રી વચ્ચે વાત થઈ : “તમને કોઈ મળ્યું’તું તરભેટે ?”

“હા કોક બાઈ હતી.”

“ક્યાં ગઈ ?”

“મને લાગ્યું કે પડખેની જ ખડકીમાં.”

“કોણ, ખબર છે ?”

“કોણ ?”

“વાલામૂઈ અંજુડી.”

“તને કેમ ખબર પડી ?”

“આપણે મેડે ચડીને હું ભૂતડીને કેડે તમારી વાટ જોતી’તી. આંઈ તો આપણી ગાયને બરોબર અધરાતે પેટપીડ હેઠી બેસી ગઈ’તી.”

“બરોબર અધરાતે ને ? હા, બસ ત્યારે તે જ ટાણે ત્યાં ભૂતડીમાં આપા કાંથડ ભગત દોરો મંતરતા’તા. મંતરી લીધો એટલે લઈને હું વળી નીકળ્યો.”

“સાંભળો તો ખરા ! હું તમારી વાટ જોતી મેડે ઊભી’તી, ત્યાં તો અંજવાળાં ઝોકાર થઈ ગયાં ને મારી નજરોનજર, મારી સગી આંખે મેં જોયું કે કોઈક બાઈમાણસ ગોઝારા કોઠા પાસે ઊભું ઊભું કાંઈક સંતાડી રિયું છે.”

“શું હશે ? ડેણડાકણ ?”

“હા, હા. જીવતી ડાકણ, જીવતી ! આ ડાકણ્યાં પાડોશીઓની જ પનોતી દીકરી. આવી’તી કમાણી કરીને. કાલ્ય કોઈને મોંય નો’તું દેખાડ્યું. હવે બધી વાતની કડી મળી