લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેવનારાયણસિંહ
 


આપી.

“મારી નોકરીનું આખરી કામ આજે પૂરું થયું છે.” એટલું કહીને ડેપ્યુટીસાહેબ તે રાતે સૂતા. સવારે ઊઠ્યા ત્યારે એના શરીરમાં સાઠ વર્ષની જૈફી ભરાઈ બેઠી હતી. પેન્શન પર ઊતરીને એણે મદ્રાસ તરફ ચાલ્યા જવાની તૈયારી કરી. છેલ્લો સંદેશો પોતે આપવા લાગ્યા :

“દેવનારાયણ, હવે આ સૌરાષ્ટ્ર જ તારી સ્વભૂમિ બની છે. એ ભૂમિને જ તું તારી સંપૂર્ણ સ્વભૂમિ બનાવી લેજે. આ ધરતીનો લોહી-સંબંધ તને એક જવાંમર્દ ઓલાદનું દાન આપશે. મારી મૃત પત્નીને મેં વચન ન આપ્યું હોત તો હું પણ આંહીં નવું લગ્ન કરત.”

ડેપ્યુટીને ખબર નહોતી : જુવાન દેવનારાયણસિંહના પહોળા સીના ઉપર ક્યારનીય એક સોરઠિયાણી પોતાનો માળો બાંધી રહી હતી.

એ એક બ્રાહ્મણી હતી. ન્યાતે એને હડકાયા કૂતરાની માફક હાંકી કાઢી હતી. એણે એના વરને પૂરો જોયા પહેલાં જ ખોયો હતો. રંડાપો પાળવાની બીજી બધી વાતોને વશ થયા છતાં કેશ મૂંડાવવાની એણે ના પાડી હતી. એ કયા ગામથી આવી હતી તેની જાણ કોઈને નહોતી. ડેપ્યુટીસાહેબને ઘેર એ કોળણ બનીને કામ કરવા રહી હતી. બીજી બાજુ દેવનારાયણસિંહને આર્યસમાજના સંસ્કારોના છાંટા ઊડ્યા હતા.

કપૂર કોળણે જ્યારે નર્મદા બ્રાહ્મણી તરીકે પોતાની જાતને દેવનારાયણ પાસે એકાન્તે પ્રકટ કરી, ત્યારે દેવનારાયણે એનાં આંસુ લૂછ્યાં — ને લગ્નની તૈયારી બતાવી.

આજે વિદાય થતા ડેપ્યુટીસાહેબને ચરણે પડી દેવનારાયણસિંહે નર્મદા બ્રાહ્મણીનો હાથ ઝાલ્યો. કોઈ આ લગ્નનું નામ ન લઈ શકે તે માટે ડેપ્યુટીએ દેવનારાયણ-નર્મદાનાં લગ્ન જાહેર ‘ટી-પાર્ટી’થી જડબેસલાખ કર્યા.

લગ્નને આઠ વર્ષ વીત્યાં ત્યારે શિવરાજ જન્મ્યો. ધરતી અને મેઘના મિલનમાંથી જેવું ઝરણું ફૂટે તેવો જ શિવરાજ પ્રસવ્યો; અને તે પછી બારેક મહિને નર્મદાએ સ્વામીનું ખોળામાં સૂતેલું શિર પંપાળને પંપાળતે પૂછ્યું : “મા છે ?”

“હતી તો ખરી; પણ છેલ્લો કાગળ દસ વર્ષો પર જ મળેલો.”

“તપાસ ન કરાવો ?”

“કેમ ?”

“મને બહુ હોંશ થાય છે.”

“શાની ?”

“સાસુજીને ચરણે પડી આ શિવરાજના માથે આશિષ માગવાની.”

દેવનારાયણસિંહે દેશના ગામડા પર કાગળ લખ્યો. ખબર આપ્યા કે, હું લગ્ન કરીને આવું છું, મારી માતાને ખબર દેજો.

ઉત્તર હિંદના એક નાનકડા ગામડામાં જ્યારે બેલગાડીનો એકો ભાડે કરીને પચીસ ગાઉના પંથને અંતે દેવનારાયણસિંહ દાખલ થયા ત્યારે સંધ્યાકાળ હતો.

“કાઠિયાવાડની ભંગડીને દેવનારાયણ પરણી લાવ્યો છે.” એવું જ્ઞાન ગામમાં ફેલાઈ ગયું.

“ખબરદાર, ડોકરી !” પુરબિયા ન્યાતના પટેલોએ એની વૃદ્ધ માતાને ધમકાવી : “દેવનારાયણની છાંય પણ ન લેતી, નીકર તારું મોત બગાડશું.” કોઈની જિંદગીને ન સુધારી શકનારાઓ બીજાનાં મોતને બગાડી શકે છે, એ સાંત્વન આ ઈશ્વરની ધરતી પર ઓછું ન કહેવાય.