પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
અપરાધી
 


ગઈ. પોગો ઝટ ફુલેસ પાસે. મને પરમની રાતે સો સો વેણ સંભળાવી ગ્યો’તો ! હવે, મારો વારો આવ્યો.”

“સવાર તો પડવા દે.”

"ના. અટાણે જ ઊપડો ગોઝારે કોઠે. સવારમાં જ તપાસ કરો. કોને ખબર છે, શિયાળ-બિયાળ ચૂંથી નાખશે બાળકને.”

આ હતી પાડોશણ ખેડુબાઈ કડવી.

પ્રભાતનાં પંખીડાં સોનાવરણા પ્રકાશમાં પાંખો ઝબકોળતાં હતાં ત્યારે અજવાળી હજુ અર્ધ અભાન અવસ્થામાં પડી પડી લવતી હતી.

થાકેલું માથું ઊંડા કોઈ પાતાળ-તળિયામાંથી ધીરે ધીરે બહાર આવતું હતું. એને કાને અસ્પષ્ટ શબ્દો અફળાતા હતા. એક પુરુષ પાંગતે ઊભો ઊભો બોલતો હતો : “આના પગમાં લોહીના ટશિયા છે. એ ક્યાં ગઈ હતી ? તને ખબર છે, બાઈ ?”

એ પ્રશ્ન ડૉક્ટરનો હતો.

જવાબમાં માનો કંઠ હીબકતો હીબકતો કશીક અસ્પષ્ટ વાણી કાઢતો હતો.

અજવાળીના ભેજા પર થઈને જાણે કોઈક ધુમાડાનો ગોટો પસાર થઈ ગયો, અને પછી તેણે સ્પષ્ટપણે એક બીજો સૂર સાંભળ્યો :

“કાં ફુઈ, તમારી છોડી કારે ઘરે આવી ? મને તો મૂઈને ખબર જ ન’તી.” એ અવાજ પાડોશણનો હતો. એ કંઠમાં ઝેર હતું.

“પછી કેમ કરીને ખબર પડી ?” અજવાળીની માએ પણ મરડમાં પૂછ્યું.

“ઈ તો અબઘડી જ તને કહેનારા અહીં હાજર થશે, ફુઈ મારી ! તું ધીરી રે’ને !”

એમ કહેતી કહેતી, ડોળા કાઢતી પાડોશણ ચાલી ગઈ. ભાનમાં આવેલી અજવાળીએ આ બોલ પકડ્યા. એના બરડામાં જાણે કોઈએ સોટા ખેંચ્યા. કોઈને ખબર પડી ગઈ હશે ? એણે કાન વધુ ઝીણવટથી માંડ્યા. પછવાડે વાડામાંથી એના બાપે એની માને બોલાવી. બાપ માને પૂછતો હતો : “ભાનમાં આવી ?”

“પૂરી નથી આવી.”

“ઠાકર કરે ને ન જ આવે !”

“અરે અરે, પટેલ ! સમતા રાખ્ય.”

“સમતાનાં મીઠાં ફળ મળી ગ્યાં ને ?”

“શું છે ?”

“ગોઝારે કોઠેથી એક મુંબીની સાડીનું પોટલું જડ્યું છે ફુલેસને.”

“શું ?”

“બીજું કાંઈ નહીં. એક ગોટો વાળેલી મુંબીની સાડી ને માંઈથી એક નાનકડો હાથ બહાર લબડતો’તો.”

“તે શું છે ? ગામ કાં ગજવો છો ?”

“બીજું તો કાંઈ નથી; પણ ઈ નાનકું છોકરું દવાખાને ચિરાઈ રિયું છે, ને ફુલેસનો હવાલદાર ઈ છોકરાની માને મળવા ઘેર ઘેર ગોત કરી રિયો છે.”

હોઠ સુધી આવી ગયેલી ચીસને ચગદી નાખવા અજવાળીએ મોં આડે હાથ ચાંપી દીધો.