પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેલની ઇસ્પિતાલે
૧૦૭
 

“કોઈ નહીં જાણે, કોઈ નહી જાણે, ચૂપ રહે.” — એના અંતરની દીવાલ પાછળથી કોઈક કહી રહ્યું હતું

વળતા દિવસે સવારે ખડકી પર કોલાહલ સાંભળીને અજવાળી ઝબકી ઊઠી. કોઈક ઘોઘરો કંઠ બોલતો હતો. ને તેની સામે મા રોષના શબ્દો ચોડતી હતી

“ઈ મને કશી ખબર નથી. મારી છોકરી ત્રણ દીથી આવી છે; આવી ત્યારથી ખાટલામાં પડી છે, ખડકી બા’ર એણે પગ મૂક્યો જ નથી.”

“બધા ગુનેગારો એમ બોલે.” ઘોઘરો અવાજ ઠંડે કલેજે બોલતો હતો.

એ અવાજ પોલીસ હવાલદાર કાંથડનો હતો. ભીંત બાજુ મોં રાખીને સૂતેલી, અજવાળીએ થોડી વાર બાદ ઓરડીમાં ભારે બૂટવાળા ઘણા પગના ધડબડાટ સાંભળ્યા. એક આદમી એના ખાટલા માથે નમ્યો. એની દમલેલ છાતીની હાંફણ અજવાળી ને સંભળાતી હતી. એ હતો હવાલદાર કાંથડ.

“આ શું છે ?” એમ કહીને હવાલદારે એક કપડાનો ટુકડો ઓરડાના એક ખૂણામાંથી ઉપાડ્યો : “આ અમારે લઈ જવો પડશે.”


૨૯. જેલની ઈસ્પિતાલે

પડાનો ટુકડો લઈને ખાંસી ખાતો, કમરથી બેવડ વળતો, અજવાળીના ઓરડાના એક ખૂણામાં જ મોટા લખોટા જેવડો બલગમ થૂંકતો કાંથડ હવાલદાર ચાલ્યો ગયો. એની પાછળ બીજા બધા પણ ગયા. અજવાળીના બાપની અવળચંડાઈથી તેમ જ માની ભલાઈથી ડરી–શરમાઈને ઘરમાં પ્રવેશ ન કરી શકેલાં આડોશીપાડોશીએ, પોલીસ-તપાસમાં પોતાના હક તરીકે શામિલ રહીને, પારકા ઘરમાં ઘૂસવાનો ભાગ લીધો હતો. ને તેમણે પણ હવાલદારની જોડાજોડ અજવાળીની પથારી, ઊંચી અભરાઈ, ઘાસમાં પડેલા ખાડા વગેરે તપાસ્યા હતા. પ્રત્યેકના હૈયામાં પારકે ઘેર ‘પોલીસ’ બનવાની હોંશ હતી – હોય જ છે.

“ગભરાણી તો નથીને, માડી ?” ખડકી ભીડીને પાછી આવેલી માતાએ પુત્રીની ગરદન ગરદન પરથી પસીનો લૂછ્યો.

“ના, મા !” અજવાળીએ ઉત્તર દીધો. એ ગભરાટ તો નહીં પણ અજાયબી અનુભવી રહી હતી. એને વિચારો ઊપડતા હતા : મેં શું બગાડ્યું છે ? કોનું બગાડ્યું છે ? રોયા એ શીદ મારી પાછળ લાગ્યા છે ? મેં તો ઊલટાની સારા માણસની બેઆબરૂ ઢાંકવા માટે થઈને મારે છોકરુ રોતું બંધ પાડ્યું. હતું તો મારું છોકરું ને ? ક્યાં બીજા કોઈનું હતું ? ક્યાં પારકા પુતરની ગળચી ચીપવા ગઈ છું હું ? તોય શું આ કાયદાનું, કોરટોનું ને પોલીસોનું કટક મારા ઉપર ઊતરી પડશે ? કીડી માથે કટકાઈ કરશે ? જાલિમ રોયા ! કરવા દે ને ! ભલેને કરે ! હું કબૂલ કરું જ નહીં ને ! મરી જાઉં તોય કાંઈ કબૂલ ન કરું. હું કોઈનું નામ જ નહીં દઉંને – પછી કાયદો ને કોરટ બાપડી મને શું કરવાની હતી !

રાત ગઈ. વળતા દિવસે પરષોત્તમ મહિનો બેઠો. પ્રભાતની તડકી ચડી. અને બ્રાહ્મણે ખડકીમાં ડોકું કાઢ્યું : “કાં, ડોસલી !” બામણે અંજુની માના આવકાર સામે અગ્નિના ટાંડા જેવા શબ્દો વેર્યાં : “ત્રણ ત્રણ વરસનાં ગણ્યાં ગણાય નહીં એટલાં પાપ કરીને આજ પરષોત્તમ મહિનાને તો વિસામો દે, પાપનું નિવારણ તો કર્ય.”