પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
અપરાધી
 


“આ દીકરીને ઝટ સુવાણ થઈ જાય તેવું કંઈક કરી દેશો, ગોરબાપા ?” અંજુની મા કરગરી.

“તારી દીકરીના દોષ આ ભવના ને પરભવના, બેય ભવના હશે, પટલાણી !” બ્રાહ્મણે આંગળીના વેઢા પર અંગૂઠો ફેરવવા માંડ્યો. “તમારી જાત અધમ, તમારા ધંધા ને તમારી મે’નતમજૂરી અધમ, મનને વિશે વિકારદોષ, અને પછી બાળહત્યાઓ ઇત્યાદિ ઇત્યાદિ દોષોની તમારા વરણને વિશે કાંઈ નવાઈ નથી. પણ હવે વાત એમ છે, કે અધમનેય ઓધારનારો ધરમ છે…”

એમ કહેતા કહેતા એ બ્રાહ્મણે અજવાળીની મા પાસેથી સવા પાંચ રૂપિયા, ઘીનો વાટકો, ઘઉંની ફાંટ, ગોળનું દડબું વગેરે લઈને ઓરડામાં સૂતેલી અજવાળીને દૂરથી ઊભીને જોઈ લીધી.

“પીળીપચ પડી ગઈ છે. જોયુંને બાપુ ?” માએ કહ્યું.

“હોય, સુમતિકુમતિના સપાટા ચાલ્યા જ કરે છે. મન છે ને, તે અતિશય ચલાયમાન પ્રકૃતિનું છે — તમારા વરણનું વિશેષ કરીને. વ્રતોપવાસાદિ કરાવજે, બાઈ, ચાતુર્માસનું ટાણું છે.” – વગેરે વગેરે આશ્વાસનો આપીને બ્રાહ્મણ ચાલ્યો ગયો. પાડોશમાં જઈને પાછી બ્રાહ્મણે એ જ પારાયણ માંડી હતી. માએ કાનોકાન સાંભળ્યું કે ત્યાં જઈ બ્રાહ્મણ અજવાળીના આચારવિચારની કૂથલી કરી રહ્યો હતો.

ત્રીજો દિવસ. ચળાઈને આવતી સવારની તડકીમાં અજવાળી ઊભી થઈને ઓરડામાં ચાલવા યત્ન કરતી હતી. “જો, માડી !” એણે શિરામણ લઈને આવતી મા પાસે હોંશે હોંશે વધામણી ખાધી. “હવે મારા પગમાં જોર આવી ગયું. હવે મને નખમાંય રોગ ન રિયો. કાલ તો હું મુંબી હાલી જઈશ, મા ! ત્યાં ભણાવે-ગણાવે, હોશિયાર કરે…”

“ના રે, માડી !” માએ જવાબ વાળ્યો : “મારે તને મુંબી નથી મોકલવી. કાલ્ય જ આપણે માશીને ઘેર જાવું છે. મારે હવે તારો વિવા કોઈ વાત પણ કરી નાખવો છે. માશીનો એક ભત્રીજો રાંડ્યો છે; જુવાન છે, નાણાં નથી એટલે બાપડો રઝળે છે. મારે એક દુકાનીય તારી ખપે નહીં, બેટા ! હું તો ત્યાં તને લઈ જઈને મારે હાથે જ ઘરઘાવી દઈશ. એને બાપડાને નાત્ય વગોવે છે : એની મામાં કાંક કે’વાપણું હતું ! જુલમ છેને ! મારા ભગવાન ! પંદર વરસ પહેલાં મૂએલી માનેય નાત્ય છોડે છે ! નાત્યને એ છોકરાનું ઘર મંડાવા દેવું નથી. પટલિયાઓને જૂનાં વેર હશે, તે છોકરા માથે વાળે છે. છોકરો માનતો નથી, પટલિયાઓને પગે માથું મેલતો નથી. એટલે બસ છોકરાનો પાટો ચડવા દે જ નહીં ને ! કાંઈ ફકર નહીં. તારા લાયકનો છે, માડી ! એનું ઘર સાચવીશ ને, તો છોકરો ધરતી ફાડીને ધાન પેદા કરે તેવો છે. તારા સાટુ થઈને હથેળીમાં દીવડો બાળે તેવો છે.”

અજવાળીની આંખો સામે પોતાના વર થનારા માણસનો એક મીઠો ચિતાર માના અણઘડ શબ્દોમાંથી પણ તરવરી રહ્યો. એવો કોઈક વર વેળાસર મળી જાયને… તો… કેવું સુખ ! અજવાળીના અંતરમાં હરણાંની જાણે કૂદાકૂદ ચાલી. બીજું તો શું ? હું એને સુખી કરીશ ને આ મારું કામ કોઈના જાણ્યામાં નહીં આવે. કાલ સવારે તો અમે ચાલ્યાં જશું. ફુલેસ-બુલેસ વાત વીસરી જાશે. નિયાધીશસા’બ પણ સમજશે કે હશે, અંજુડી ગામ મેલીને જાતી રહી ને ? હાંઉ ત્યારે, એલા ફુલેસો ! હવે તમે એની ખણખોદ કરશો મા. છોકરી બાપડી ભલેને ઠેકાણે પડી જતી ! અને એમાંય જો શિવરાજસાબ નિયાધીશ હશે તો તો એ બચાડા જીવ હવાલદારને કહ્યા વિના રે’ કે’દી? — કે કાંથડ હવાલદાર, તમે