પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક પગલું આગળ
૧૦૯
 

શું જાણો ? હું જાણું છું. અંજુડીનો કશોય અપરાધ નથી. એણે તો કોકની આબરૂ ઢાંકી છે. અંજુડીનો પીછો લેવો છોડી દ્યો, હવાલદાર ! મારો હુકમ છે, જાવ !

કલ્પનાના સુખ-દોર પર ચગેલી કોઈ નટડીના જેવું અજવાળીનું મોં આ વિચારની જળધારે ધોવાઈને જાણે મધુર મધુર, વધુ ને વધુ મધુર બનતું ચાલ્યું. એને ખબર નહોતી રહી કે પોતે ને મા ક્યારે ખાટલા પર બેસી ગયાં હતાં. એણે ધીરે ધીરે માની સામે મીટ માંડી. એણે કોણ જાણે કેવાય સુખની ધૂનમાં, મસ્તીમાં, મુક્તિમાં, માને ગળે હાથ નાખીને, માના ગાલ પર બકી ભરી લીધી — જે બકીઓ પોતાની છેક જ ધાવણી વયમાં માને ભરવાની ટેવ પડેલી.

“કાલ પરોઢિયે જ નીકળી જાયેં, ખરું ને ?” માએ પૂછ્યું.

“મને વેલી ઉઠાડીશ ને, મા ? મારાથી જગાશે નહીં.” અજવાળી આતુર બની.

“તું તારે ફડકો રાખીશ મા. આપણે ગાડી ચૂકવી નથી — પરોઢિયે જ નીકળી જાવું છે. કોઈને જાણ પણ થાય શેની ! તારા બાપને હાલતી વખત કહી દઈશ. લાંબી પંચાત કરવા કોણ બેસે એની હારે ?”

એટલી વાત થાય છે ત્યાં જ ખડકીની બહાર ઘોડાની એક ટપાગાડી આવીને ઊભી રહી. ફાળ ખાતી મા ખડકી સુધી ગઈ. એ પહોંચે તે પૂર્વે જ બહારથી આગળિયો ઉઘાડીને કોઈએ બારણું ખોલી નાખ્યું ને દમલેલ અવાજ નીકળ્યો :

“ચાલ બાઈ, તારી દીકરીને તૈયાર કર.”

ગઈ કાલવાળો જ એ હવાલદાર, ને બે બીજા યુનિફોર્મ પહેરેલ પોલીસ.

“ક્યાં લઈ જવી છે પણ એને તમારે ? એ માંદી મરે છે તે તો જોવો.” માની આંતરડી કકળી ઊઠી.

“માંદી છે તો સરકાર સાજી કરશે.”

“ક્યાં ?”

“જેલની ઇસ્પિતાલે.”

અને તે પછી થોડી વારે, મીઠી કાગાનીંદરમાં પડેલી અજવાળીએ ઝબકીને માતાના શબ્દ સાંભળ્યા : “અંજુ, બેટા, ફુલેસ તને લઈ જવા આવેલ છે.”

ને એ શબ્દોની પાછળ જનેતાના કલેજામાંથી વછૂટતી બંદૂકના ધડાકા જેવા ધૂસકા નીકળ્યા.

૩૦.એક પગલું આગળ

જન્સીની પુનર્ઘટનાના એ દિવસો હતા. ચાર સિવિલ સ્ટેશનો નીકળીને બે બનતાં હતાં. પ્રચંડ કોઈ આગ લાગી હોય તેટલા વેગથી એજન્સી પોતાની વધારાની બે છાવણીઓને સમેટી રહી હતી. એના આલેશાન બંગલા પાણીને મૂલે વેચાણ થઈ નિકાલ પામતા હતા. એની એક છાવણી ઉપરથી તો એ જમીનના મૂળ માલિક રાજવીએ એકેએક પથ્થર પણ ઉઠાવી જઈને જમીન જેવી સપાટ સોંપી હતી તેવી પાછી સુપરત કરવા એજન્સી પાસે માગણી કરી હતી. માંદલી, બેપરવાહ અને જરૂર જણાય તો એ બેહૂદી માગણી કરનાર રાજાસાહેબને બેપાંચ વર્ષના હવાફેર પર યુરોપ મોકલાવી દઈ શકનાર આગ્રહી એજન્સી