પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
અપરાધી
 


માથા પર જ એની તોતિંગ કાતર ઝીંકી દેત, તો અત્યારે હું પથારીવશ હોત, ને તમે મારી પરિચર્યા કરતાં હોત. આજની અધરાતના બેહાલ કરતાં એ પથારીવશ સ્થિતિ કેટલી વધુ સારી હોત !

“મને લાગ્યું કે તમે કૂતરો રાખવાને બદલે જ ઠીક આવો અડબંગ માળી રાખ્યો, જે બેઉ ફરજો બજાવી શકે.

“આંહીં જ્યાં લખી રહ્યો છું તેની નજીક જ અનાથઆશ્રમનું મકાન છે. ઊંઘવાની તૈયારી કરતાં બાળકો પાસે પ્રાર્થના ગવરાવાય છે. એ પ્રાર્થનામાં સ્વરો નથી, સંગીત નથી, પ્રાણ નથી. કેટલાંક થાકેલાં બાળકો, પોતે જેને જીવનમાં કદી પિછાન્યો નથી તેવા પ્રભુની ખુશામદ કરતાં કરતાં કંટાળતાં હશે, ને જેનો ખોળો હંમેશાં મળી શકે છે તેવી નીંદરનું પ્રત્યક્ષ દર્શન ન મળવા છતાંય એને ઈશ્વરથી પણ કોઈ વધુ મહિમાવંતી શક્તિ માનતાં હશે.

“ને મારી બીજી જ બાજુ, થોડે દૂર, મહિલાઆશ્રમ છે. ત્યાંથી પણ સૂવા પૂર્વેની પ્રાર્થના સંભળાય છે. ગમે તેમ, પણ એ તો તમારા સ્ત્રીઓના કંઠ: એમાં મીઠાશ વહે છે, એથીય કંઈક વધુ એમાંનો કોઈ કોઈ સ્વર તો જાણે જુદો પડી, નાસી છૂટી, આ અનાથાલયની આસપાસ ભ્રમણ કરી રહેલો લાગે છે. અનાથ વનિતાઓ, ને અનાથ બાળકો : જગતમાં એથી કોઈ વધુ કરુણ દૃશ્ય નથી. કોને ખબર છે, એમાંની કઈ અનાથિનીએ કોરું ઝબલું પહેરાવીને રસ્તે રઝળતું મૂકેલું કોઈ બાળ આ આશ્રમમાં નહીં હોય ? કોઈ તો છ-છ બાર-બાર મહિનાની સજા ભોગવી આવી હશે. કોઈ ફરી ફરી ભાગી જઈ પાછી પુરુષને ફંદે ફસાતી હશે, વળી ફરીથી જણેલા જીવને કાં રડતું છોડી દેતી હશે, અથવા ગળે ચીપ દઈ દેતી હશે !

“એવી માતાઓના સૂનકાર હૈયામાંથી ઊઠતા આ મીઠા શોર મને આપણા કાયદાની વિચિત્રતા પર વિચાર કરતો કરે છે. ને મને થાય છે, કે એ જ કાયદાની ત્રાજૂડીમાં મારે પણ અનેક નિરપરાધી ઓરતોને કોઈક વાર તોળવાનું આવશે. ઘડીભર થાય છે કે કાયદાનો માર્ગ છોડી દઉં. બીક લાગે છે કે કાં હું કેવળ આ કાયદારૂપી જરી-પુરાણા ધૂની સત્તાધીશોના કારોબારી હુકમોનો ઉઠાવનારો એક યંત્રમય માનવી બની જઈશ, અથવા એ ત્રાજવું મારા દુર્બળ હાથમાં હંમેશાં પૂજતું-કંપતું રહેશે.

“એક જ આશા અને એક જ આધાર છે કે મારી બાજુમાં તું ખડી થઈ જઈશ — મને તું યંત્ર બની જવા ન દેજે. મને તું કાયદા ઉપર રાજ કરતી માનવતા તો શીખવજે. સ્ત્રીજાતિ પ્રત્યે મારું મન આટલું કૂણું થયું તે તો જાણે કે આપણી બીજી વારની પિછાન પછી જ; તે પૂર્વે મને સ્પષ્ટ ખ્યાલો નહોતા. હતા કેવળ ભણકાર — પચીસ વર્ષોની ભૂતકાળ-ગુફામાંથી ચાલ્યા આવતા વાયુના રુદન જેવા — જેનું મોં પણ યાદ નથી તે જનેતાના પ્રેમના.

“હર ઘડી હું પોલિટિકલ સેક્રેટરીના સંદેશાની રાહ જોઉં છું. તારો… શું કહું… ?… મોટોમસ ન્યાયાધિકારી બની જવાની તૈયારીમાં છે. આ નાનકડા માથા પર મોટું બોથાલું બંધ કેમ બેસશે ? બીજું તો ઠીક, પણ છતી જુવાનીએ ય ન્યાયાધિકારનું પ્રૌઢત્વ ધારણ કરવાનો ત્રાસ કેટલો મોટો ! પછી આપણે તો ચોવીસે કલાક સાહેબ-સાહેબડી જ બની રહેવાનું ને ? છૂટથી, સ્વચ્છંદે, મોકળાં, મન ફાવે ત્યાં ભમવું, પાંચીકા વીણવા, પતંગિયાં રમાડવાં, પક્ષીઓના ચાળા પાડવા, ને તને ઊંચે ઉપાડી ફેરફુદરડી ફેરવી ધરતી પર પડતી મૂકવી, એ હક તો જતો રહેશે ને ? લોકોના જોતાં દાંત પણ નહીં કઢાય, તને ઘુસ્તો પણ