પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક પગલું આગળ
૧૧૩
 


નહીં લગાવાય, લોકોની જોડે મેળામાં નહીં ઘૂમાઘૂમ થાય. ને કાઠિયાવાડ જોવાના કોડ ક્યાંથી પૂરા થશે ?

“ફિકર નહીં. છ મહિનાની લાંબી રજાનો હક થશે, પછી મોટરમાં ચડી, જુદે જ વેશે આપણે કાઠિયાવાડ ઘૂમવા નીકળી પડશું. ને પછી હું તને બતાવીશ કે કઠિયાવાડના પુરાતન શૂરવીરો-પ્રેમીજનોની ખુમારી તું મારી આંખોમાં વારંવાર જોઈ રહે છે તે મેં ક્યાંથી મેળવી છે.

“હું તને બતાવીશ એ પાંચાલના ગઢ ભીમોરા ને ભોંયરગઢ; ગીરની હિરણ્ય નદી અને પ્રેમભગ્ન ભૂતનો માંગડો ડુંગર; તને બતાવીશ ખંભાતી કુમારિકા લોડણનાં લોહીએ નહાયેલી સોળ વર્ષના કિશોર ખીમરાની રાવલ ગામને પાદરે હજુય ઊભેલી ખાંભી; તને દેખાડીશ હોથલનો કનરા ડુંગર, ને રાણકદેવીને ઠપકે ખડેડી ખાંગો થયેલો ગિરનાર. — ને હવે કેટલી વાર છે? આ અસ્થિરતા ક્યારે પૂરી થશે ? તું જલદી નક્કી કરજે. આજ સુધી બાપુજી હતા. ને હું એનો રઝળુ છોકરો હતો. હવે મારું છોકરપણું પૂરું થયું. બાપુના બે બૂઢા નોકરો ઘરમાં નાની વયની વિધવા સ્ત્રીઓ જેવા — અરે, ગાય વગરના વાછરું જેવા — સૂનમૂન પડ્યા છે. મારું રઝળપણું હવે મીઠાશ આપતું નથી.

“પણ હું ઘરમાં જઈને એકલો શી રીતે ઊભો રહું ? પગમાં હિંમત નથી.”

પત્ર પૂરો કરીને, પરબીડિયામાં બીડતાં બીડતાં શિવરાજ હસતો હતો : આખરે પુરુષ જ સ્ત્રી પાસે વધુ લાચાર છે ને !

ત્રીજે દિવસે કાંપમાંથી સરસ્વતીનો જવાબ આવ્યો. અક્ષરો ચીપેલા હતા. લખાણ ઠીક ઠીક લાંબું હતું :

“સ્ત્રીઓનાં દુઃખોની આટલી ઊંડી ઓળખાણ તમારામાં ક્યાંથી આવી ? મને તો મારો ભૂતકાળ યાદ આવે છે. નારી-સ્વાતંત્ર્યનાં પોકળ બણગાં ફૂંકનારાઓ મને મળ્યા હતા. તેમને સ્ત્રીની સ્વતંત્રતા નહોતી જોઈતી; પારકી પરાધીનતામાંથી ખેસવીને તેઓ એકલા સ્ત્રીનો કબજો લેવા ઈચ્છનારા હતા.

“તમારા હાથમાં ન્યાયની ત્રાજૂડી આવી છે. ન્યાય જ્યારે જ્યારે નારીના ઉપર કઠોર દંડનું મણીકું મૂકો, ત્યારે તમે તમારી લાગણીને સામે છાબડે ચડાવજો. હથ ધૃજશે તો સ્ત્રીને પલ્લે ડાંડી નમશે.

“તમે મને ક્યાં ક્યાં લઈ જશો ? મારે તો ક્યાંય ભમવાનું રહ્યું નથી. સોરઠનો રસ તો હું તમારા એકલામાંથી જ પી લઈશ.

“અને સ્ત્રી તો બીજું શું ઈચ્છે ? એ એક જ વાત ઈચ્છે : પોતાના દેહપ્રાણ ઉપર સાચા પુરુષનો પરિપૂર્ણ કબજો.

“એ કબજો લેવા તમારા તમામ ઉમળકાની ફોજ લઈને જ્યારે આવી પહોંચશો ત્યારે હું કબજે થવા તૈયાર રહીશ.

“અત્યારે તો આંહીં અમારા જૂના બંગલાના — અને હવે તો તમારા બની ગયેલા બંગલાના — ચોગાનમાં તમારા સ્વાગતની સજાવટ થઈ રહી છે. આંહીંના લોકો તમને મૂંઝવી નાખવા ઘેલા બન્યા છે. મને તો એમના પર દાઝ ચડે છે.”

આઠ જ દિવસમાં એ સ્વાગતનો સમારંભ આવી પહોંચ્યો. શિવરાજ પોલિટિકલ સેક્રેટરી પાસેથી પૂરી સમજ લઈને પાછો વળ્યો છે : એકાદ વર્ષમાં તૈયાર થઈ જજો. તમારે તમારા પિતાનું સ્થાન સંભાળવા સુજાનગઢમાં નિમાવાનું છે. દરબાર હજુ બાર