વર્ષના છે. દૂબળા અને ચસકેલ ભેજાના છે. કદાચ વિલાયત લઈ જવા પડશે. એટલે પૂરાં આઠેક વર્ષ સુધી તો ત્યાંનો વહીવટ તમને સોંપાશે, તમને પચાસ હજાર પ્રજાજનોનાં
જાનમાલ સોંપાશે : તૈયારી કરવા માંડો.
નમણી સાંજ હતી, એથીય વધુ નમણી સરસ્વતી હતી. હંમેશ ઉઘાડે માથે રહેનારી અને અંબોડે ગુલાબનો ગોટો ચડાવનારી સરસ્વતીએ આજ સાંજરે પૂરે માથે સાડી ઓઢી લીધી છે. મેદની મળી છે. સુજાનગઢનાં ને કાંપનાં નરનાર ટોળે વળ્યાં છે. સભા ચાલે છે, ભાષણો થાય છે. બુઢ્ઢા ને જુવાનો એક જ વાત વારંવાર ઉથલાવીને સંભળાવે છે : અમને ન્યાયમૂર્તિ મળેલા છે, લાલચોમાં ન લપટાય તેવા; અરે, ખુદ પોતે અપરાધી હોય તો પોતાની જાતને પણ જતી ન કરે તેવા; ગરીબોના બેલી.
“અને સ્ત્રીઓના સગા વીર,” એક શિક્ષિત સન્નારી બોલી ઊઠી, “પુરુષો, તમે હવે ચેતજો. ઘરને છાને ખૂણે પણ જો જુલમ કરશોને, જો રાતી આંખ કાઢશોને, તો શિવરાજસાહેબને અમે કાળી રાતે પણ જગાડી શકશું.”
શિવરાજ જવાબ વાળવા ઊઠ્યો. એના ટાંટિયા થરથરતા હતા. એણે શબ્દોની શોધ કરતે કરતે હાથની બંને હથેળીઓ ચોળ્યા કરી. હાથ પાણી પાણી થતા હતા. અદાલતમાં વકીલો-પક્ષકારોને સમજાવતી વખતે જેની જીભ જરીકે થોથરાતી નહોતી તે જ શું આ માણસ ! શબ્દો એને જડતા નહોતા.
“હું — હું — વધુ તો કહેવા માગતો નથી. ઈન્સાફના પંથ મેં હજુ પૂરા જોયા નથી. સ્ત્રીઓની દુનિયાથી તો હું હજુ છેક અજાણ છું—”
આંહીં એની ને સરસ્વતીની મીટેમીટ એક થઈ. એ જાણે કે મહામહેનતે હસ્યો : “મને એક જ વાતની ખબર છે મારા બાપુજીને પગલે પગલે હું ઇન્સાફને માર્ગે ચાલ્યા કરીશ — પછી એ માર્ગે ચાહે તે આવો !”
“બસ, બસ, એટલું જ અમારે સાંભળવું હતું.” એક પ્રજાજને તાળીઓ પાડી. એના હજાર પડઘા એકાકાર બનીને સામેની એક ઊંચી દીવાલમાં અથડાયા.
એ દીવાલ શાની હતી ? એ કાળો કોટ હતો.
આખા પ્રાંતની જબરદસ્ત જેલની એ પાછળી દીવાલ હતી.
દીવાલની અંદરના ભાગમાં, એ જ ઠેકાણે, ઓરત-કેદીઓની તુરંગો હતી. એમાંની એક તુરંગમાં અજવાળી બેઠી હતી. દીવાલને બારી કે બાકોરું કશું જ નહોતું. આંખો વગરના, નાકકાન વગરના, કોઈ અજાજૂડ અજગરનો જાણે એ ઈતિહાસકાળની પૂર્વેનો કોઈ અવતાર હતો.
પણ દીવાલની પાસે પારકા બોલનો પડઘો ઝીલી શકે તેટલું કલેજું હતું. એણે સિપાઈઓની પરેડના, કેદીઓના જંજીર-ખણકાટોના, મુકાદમોના હાકોટાના, તોફાની બંદીવાનનાં ઢીંઢાં ફાડતી સોટીઓના અને ઓરત-કેદીઓની કોઈ કોઈ વારની કાળી ચીસોના પડઘા ઝીલ્યા હતા.
આજે એ દીવાલે જુદા જ પડઘાનો ખૂમચો ભરી લીધો :
“મારા બાપુજીને પગલે પગલે હું ઈન્સાફને માર્ગે ચાલીશ — પછી એ માર્ગે ચાહે તે આવો !”
“ચાહે તે આવો !”
— અજવાળીને ખબર હતી કે આ પડઘા કોના મુખબોલના છે ? અજવાળી જાણતી