પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક પગલું આગળ
૧૧૫
 


હતી કે તાળીઓના નાદ કોના નામ પર લહેરાય છે ? અજવાળીને કશી જ ગમ નહોતી. પાણીનું એક ગટકૂડું. પેશાબ-ઝાડે જવાનું એક કુંડૂ. પહેરેગીરના એકસૂરીલા કદમો, કોઈ કોઈ તુરંગના તાળામાં ચેપાઈને ચીંકાર કરતી ચાવીઓ, અને વાતાવરણ ના ખાઉખાઉકાર — અજવાળીની સૃષ્ટિનાં એ સર્વ સંગાથી હતાં.

સભા વિસર્જન થઈ. શિવરાજ સરસ્વતીના પિતા મિ. પંડિતને ઉતારે ગ્યો, સરસ્વતીએ પૂછ્યું: “બોલતી વખતે તમારા ગળામાં સોસ કેમ પડતો હતો ? ચહેરો શા માટે સાવ સુક્કો ને નિસ્તેજ પડી ગયો હતો ?”

“કોણ જાણે કેમ, પણ હું જાણે કે મને પોતાને જ ફાંસીની સજા ફરમાવી રહ્યો હોઉંને, એવા મારા શબ્દો લાગતા હતા.”

“વાહ ! ગંડુ નહીં તો ! એવું તે બોલાય ? આવે મંગળ પ્રસંગે એવા વિચારો કેમ આવ્યા ?”

“ખબર નથી પડતી.”

જેલના બુરજ પર એ જ મિનિટે ડંકા પડ્યા. એક કૂતરું રડ્યું અને ચોથનો ચંદ્ર ઓલવાયો.

“આંહીં અમારી જોડે જ રાત ગાળશોને ?” સરસ્વતીના પિતા પંડિતસાહેબે શિવરાજને પૂછી જોયું. સરસ્વતીના દિલમાં શરમની પાંદડીઓ પડી ગઈ. પોતે અંદર ચાલી ગઈ. એને બીક હતી કે બાપુજી કદાચ મારો પણ મત પૂછશે. બાપુજીને દુનિયાદારીનું કશું ભાન નથી !

“આંહીં એ ન રોકાય તો જ સારું.” સરસ્વતીનાં ગાત્રો ડરની અસરમાં રેબઝેબ થતાં હતાં.

શિવરાજે પંડિતસાહેબની ક્ષમા માગી “સુજાનગઢ જ જઈશ. ત્યાં બે બુઢ્‌ઢા નોકરો એકલા પડ્યા છે. એની સંભાળ લઈને કાલે પાછો આવીને અહીં જ જમીશ.”

“હા આવજો — જો કબજિયાતનો રોગ હોય તો !”

“કેમ ?”

“સરસ્વતીની રસોઈમાં મીઠું હજુ જુલાબ લેવા જેટલા જથ્થામાં નખાય છે. કેમ સરસ્વતી, ખરું ને ?”

શિવરાજ કદાચ રોકાઈ પડશે એ બીકે ધ્રૂજતી સરસ્વતીએ પાછળની બારીએથી જોયું કે શિવરાજ ગાડીમાં બેઠો, ને એના શિરસ્તેદારે એક નેતરની સુંદર પીળી છાબડીમાં બાંધેલાં અર્ધફૂલસ્કેપ કાગળિયાંનો થોકડો સાહેબની સામેની બેઠક પર મુકાવી દીધો.

“આ શું ?” શિવરાજે પૂછ્યું.

“આવતી કાલે લેવાના મુકદમાના પેપર્સ છે, સાહેબ ! આપને વાંચીને પછી સુનાવણીમાં બેસવાનો રસ આવશે.”

“વારુ.”

ગાડી ચાલી. સુજાનગઢ જવાની સડકની ડાબી બાજુએ અજવાળીની માનું ઘર આવ્યું. જમણી બાજુ અરધોક ગાઉ પરથી એણે ગોઝારા કોઠાની છાયાકૃતિ સૂર્યાસ્તની દિશામાં દીઠી. બોક્સ પર બેઠેલા કોચમેને પોતાની જોડમાં બેઠેલા સાથીને ગોઝારા કોઠા પ્રત્યે મૂંગી આંગળી ચીંધી. શિવરાજનું ધ્યાન, કોણ જાણે કેમ પણ, એ કાગળિયાંની થપ્પી ફરતી બાંધેલી લોહી વરણી ચામડાની પટી પર જ ચોંટી રહ્યું. અજવાળીનું ખોરડું ગયું તેની