લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અપરાધી
 


માને ઘેરથી જાકારો પામેલા દેવનારાયણે પત્ની અને બાળ સહિત એકો ગામબહાર લીધો. શિવરાજ '‘પાણી ! પાણી !’ કરતો રહ્યો, પણ એકેય ઘર દેવનારાયણને આશરો દેનારું ન મળ્યું.

આખરે રાતવાસો એને ગામના એક કોળીને ઘેર મળ્યો. ને પ્રભાતે કોળીના ઘરને ઘસાઈ ઘસાઈ ગામલોક નીકળ્યાં. તેમણે શિવરાજને ગુચ્છાદાર ભૂરાં લટૂરિયાં ફરકાવતો રમતો દીઠો, ને રૂપરૂપના ભડકા પ્રજ્વલાવતું એક નારીમુખ નીરખ્યું.

તે જ દિવસે ગામના ગૌધણમાં શીતળાના દાણાએ ડોકિયાં કાઢ્યા : તે રાતે એક લીલો તારો આકાશનું અંતર વિદારીને ખરતો ખરતો વિલય પામ્યો : તે દિવસે પુરબિયા પટેલની ભેંસે દોવા ન દીધું : ને તે દિવસે એક વાછડીને વાઘ ઉઠાવી ગયો.

વળતા દિવસની સાંજ પડતી હતી ત્યારે પુરબિયાઓ ડાંગો લઈ લઈને ઓચિંતા તૂટી પડ્યા. દેવનારાયણે કોળીના જે એકઢાળિયામાં વસવાટ કર્યો હતો તે તરફ તેમણે ધસારો કર્યો.

દેવનારાયણને ગમ પડે તે પહેલાં તો ગામલોકો ઘેરી વળ્યાં. દેવનારાયણ એકલો ડાંગ ઘુમાવતો રહ્યો. એને કાને હાકલા પડ્યા કે, “જલા દો વો ડાકિનીકો.”

જોતજોતાંમાં એકઢાળિયાને આગ લાગી, ને તેમાંથી નાસવા જતી નર્મદાને પુરબિયાઓએ પીટી નાખી. એનાં નેત્રો ફાટ્યાં રહ્યાં ત્યારે પુરબિયા ભાગ્યા.

દેવનારાયણે પ્રથમ તો એ સળગવા લાગેલ ઝૂંપડાને ડાંગ મારી ઓલવ્યું, તે પછી પટકાઈ પડેલી પત્નીને ખોળામાં લીધી.

એના છેલ્લા શ્વાસ ખેંચાતા હતા.

“નર્મદા ! મારી નર્મદા ! ધર્મચારિણી !” એનો સાદ ચિરાયો.

નર્મદાની પાંપણોના પટપટાટે એને એના પૌરુષની યાદ દીધી. નર્મદાના ઓલવાતા નેત્ર-દીપકોમાં મીઠો ઠપકો હતો.

“હું આખા ગામને જલાવી દઈશ, નર્મદા !” દેવનારાયણ પુકારી ઊઠ્યો.

“છી-છી-છી—” નર્મદાએ મૃત્યુની એ એક પલમાં પોતાનું તમામ કૌવત સંઘરીને એવા મહાપાપની રામદુવાઈ દીધી : “તમે — શિવને — લઈ કાઠિયા –” એટલું કહી એણે દેહ છોડ્યો.

મરેલા દેહને સ્મશાને ઉઠાવી જવા એક મુસલમાને ગાડું આપ્યું, ને છાણાં એણે સામેના ગામડામાંથી મેળવ્યાં.

નર્મદાની ચિતા-ભસ્મનો ચાંદલો કરીને દેવનારાયણસિંહ શિવરાજ સાથે રાતોરાત ચાલી નીકળ્યો.

કાઠિયાવાડમાં પાછા આવીને એણે ચૂપચાપ પોતાની નોકરી સંભાળી લીધી. પત્નીના અવસાનની સાદી જ વાત કરીને સૌને એણે પટાવી નાખ્યાં.

તે પછીથી સદાને માટે એણે એકલ દશા સ્વીકારી. એક તો એ ઓછાબોલો હતો જ, તેમાં આ મૃત્યુએ એના મોં પર મૌનની ટાઢીબોળ આંગળીઓ મૂકી.

એ મૌને, એ એકલતાએ અને એ સાધુવૃત્તિએ એનામાં નવી શક્તિઓ સીંચી, એનામાં વધુ પ્રભાવ મૂક્યો. પોલિટિકલ એજન્ટોએ એને પ્રિય અધિકારી બનાવ્યો. કડકમાં કડક ગણાતા ગોરા સાહેબો દેવનારાયણસિંહની દેવમૂર્તિ સામે પ્રસન્નભાવે ઢળતા રહ્યા. એનો એક પણ તુમાર પાછો ન ફરતો; એની એક પણ માગણી નકાર ન પામતી.