શિવરાજના કલેજા પર કાળ-ડંકા પડ્યા. હમણાં જ આ ભાવિ સસરાજી જાણે મારા
મોં પર તિરસ્કારનો તમાચો લગાવીને ઊઠી જશે. એના ડોળા નિશ્ચલ બન્યા.
“પેલો તમારો રામભાઈ છાપાના બાતમીદાર વકીલ ‘મહારાજ’નો દીકરો !”
“હોય નહીં !” શિવરાજને નવું આશ્ચર્ય ચમકાવી રહ્યું.
“લોકો વાતો કરે છે કે જે રાત્રિએ અજવાળી અદૃશ્ય થઈ તે જ રાત્રિથી એ રામભાઈનો પત્તો નહોતો. છેક આજે જતો એ પાછો આવ્યો છે. ને, ઓછામાં પૂરું, લોકોના આ પોકારમાં એનો બાપ શામિલ થયો નથી એટલે લોકસંશય દૃઢ થયો છે.”
“પણ રામભાઈ ! રામભાઈને તો હું ઓળખું. એ કદી એવું કરે જ નહીં.”
આ શબ્દો બોલનાર શિવરાજના અંતરનો એક ગુપ્ત ખૂણો ગલીપચી અનુભવી રહ્યો હતો. પોતે વધુ સલામત બન્યો છે. લોકસંશય બીજી જ દિશામાં વહી રહેલ છે. ફિકર નહીં. વાહ પ્રભુ ! કેટલી તારી કરુણા !
પણ રામભાઈ આવ્યો છે ? એ મને મળવા આવશે તો ? અને આ વાત નીકળશે તો ? વાત નીકળે કે ન નીકળે, પણ રામભાઈને આ બધી લોકવાયકા તો બે જ દિવસમાં બદનામ કરી મૂકશે. અપરાધ મારો, અને એ નિર્દોષ જ માર્યો જશે ! રામભાઈ સાદરામાં જઈને પ્રેક્ટિસ કરતો હતો, એ સૌ જાણે છે. પણ એ તો ગયો હતો બાપથી રિસાઈને; એ ભયાનક રાત્રિના અપરાધ સાથે એને કશો જ સંબંધ નથી.
ને મૂળ પુરુષ — અપરાધીનો પત્તો લગાવવા ઊતરેલી સરસ્વતી ક્યાંક મને પકડી પાડશે તો ? ખુદ અજવાળી જ એને મોંએ કબૂલ કરી નાખશે તો ? મારા સંસારનાં ઘડિયાળાં વાગી જશે. હું ક્યાં જાઉં ? કયા એકાંતમાં લપાઉં ? મારે પાછળથી દગલબાજ ગણાવું પડે તે કરતાં અત્યારથી જ જવું જોઈએ.
શિવરાજ એ વિચારે ઘૂમતો હતો ત્યારે પંડિતસાહેબ આરામખુરશી પર લાંબા પગ કરીને સિગાર પીતા પીતા આંખો મીંચી ગયા હતા.
“મારે આપને કંઈક કહેવું છે.” શિવરાજના એ શબ્દોએ પંડિતસાહેબને જાગ્રત કર્યા.
“હેં — હું પણ તમને કહી નાખવાના વિચાર ગોઠવતો હતો, કે હવે તો મારો છુટકારો કરો બેઉ જણાં, એટલે હું ઓચિંતો મરું તોપણ આ માલુજીના જેવું મૂંઝાતું હૃદય લઈને મરવું ન પડે.”
આ શું ? પંડિતસાહેબ માલુજીના હૃદયની મૂંઝવણ જાણતા હશે ! શિવરાજ ચીથરાંને પણ સાપ સમજી ભડકવા લાગ્યો. હવે તો પ્રકટ કરી જ નાખવું જોઈએ. એણે શરૂ કર્યું :
“મારે પણ આપને એને જ લગતી બાકી રહેલી બાબત કહી દેવી છે. થોડા વખત પર મેં આપને મારા એક વખતના જુવાન અસીલની મુશ્કેલીની વાત પૂછેલી — યાદ છે ?”
“હા.”
“એ વાત કોઈ અસીલ-મિત્રની નહોતી, મારી પોતાની જ હતી.”
લાંબા થઈને પડેલા પંડિતસાહેબે ધીરેથી આંખો ખોલીને શિવરાજને દષ્ટિમાં લપેટી લીધો. પાછી એણે આંખો બંધ કરી.
“હાં, પછી ?”
“આ અજવાળીવાળો જ એ કિસ્સો — એનો અપરાધી હું છું !”
પાંચ મિનિટની ચુપકીદી પડી. પંડિતના કપાળ પર કરચલીઓનાં ગૂંચળાં વળ્યાં.