પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૨. અદાલતમાં

“હલ્લો ! હલ્લો ! મિસ્તર રામભાઈ !” જેલની ઓફિસમાં બેઠેલા ખ્રિસ્તી જેલરે ત્યાં આવનાર જુવાનનો આંખને એક મિચકારે સત્કાર કર્યો.

“તહોમતદારણ અજવાળીનો હું વકીલ છું. મને મુલાકાત આપશોને ?” જુવાને વગર સંકોચે પૂછ્યું.

“બેશક, વિના વિલંબે ! તમે સારું કર્યું. બરોબર વખતસર જ આવી પહોંચ્યા ! કેટલું બ્યૂટિફુલ ! ઓહ, ને એ પણ કેટલી બ્યૂટિફુલ !” બોલતા બોલતા જેલરે દસ વાર આંખો ફાંગી કરી.

“નન ઓફ ધેટ સ્ટુપિડ નોન્સન્સ, સર ! (આવી કશી નાદાનીની મોજ માણવા હું નથી આવ્યો.) મને મુલાકાત કરાવો.” યુવાને ગંભીર બનીને ઠંડો દમ ભીડ્યો.

“ધેટ્સ રીઅલી એ સેન્સ !” કહીને જેલરે અજવાળીને અંદરની તુરંગમાંથી તેડાવી. આવેલી અજવાળીએ નાક સુધી પાલવ ઢાંક્યો હતો.

“તું મને ઓળખે છેને, અજવાળી ?” મીઠા અવાજે જુવાને પૂછ્યું.

“મારે કોઈને ઓળખવાની જરૂર નથી.”

“હું રામભાઈ. હું તારો બચાવ લડવા આવ્યો છું.”

“મારે કાંઈ નથી લડવું. મેં કાંઈ નથી કર્યું. મને શીદ સંતાપો છો બધા ?”

“બસ, તેં કશું જ નથી કર્યું એમ હું પણ માનું છું.”

અજવાળીને અજાયબી થઈ. પોતાને નિર્દોષ માનનાર જગતમાં બે જણા : એક મા ને બીજો આ માનવી ! મશ્કરી તો નથી કરતો ? અજવાળીએ માથા પરથી પાલવ ઊંચો કર્યો. રામભાઈનું બાળપણથી પરિચિત મોં નાનો હતો ત્યારથી બાપનાં ખેતર-વાડીઓમાં આવતો હતો. અજવાળી અને પોતે બેઉ ભેગાં બોરડીનાં બોર વીણતાં. મોટપણમાં બાપ મારતો-સતાવતો, ત્યારે રામભાઈ જ અજવાળીની મા પાસે આવી દિલાસો દેતો. એ મોં એનું એ જ હતું. અજવાળી બળતરા કાઢતી અટકી ગઈ, મૌન ધરીને બેઠી.

“જો, અજવાળી ! હું જાણું છું કે તારી આ દશા તારા બાપે કરી છે. તું નિર્દોષ છે. તું ફક્ત આટલું જ કરજે આજે અદાલતમાં તું એક જ જવાબને વળગી રહેજે કે, મેં એ નથી કર્યું. હું કાંઈ નથી જાણતી. કહીશ ને ?”

અજવાળીએ ‘હા’ કહી ત્યારે એની આંખના ગર્તો ઊંડી બખોલો જેવા લાગ્યા. એમાંથી દેવતા ઓલવાઈ ગયો હતો.

રામભાઈએ વિદાય લેતા લેતા કહ્યું :

“હું હમણાં જ કોર્ટમાં આવી પહોંચું હો, અજવાળી !”

એ ઘેર ગયો ત્યાં ચૂપ જ રહ્યો. નાહીધોઈ, જેવુંતેવું જમી, કોઈને કહ્યા વગર એ અદાલતમાં પહોંચ્યો.

અદાલતના ચોગાનના દરવાજા બહાર કોઈ તમાશો જોવા મળી હોય તેટલી ગંજાવર ઠઠ હતી. તે દિવસે મિલમાં અણોજો હોવાથી મજૂરો ઊમટ્યા હતા. ને કેમ્પના ખેડુપરાના લોકો પણ, અગિયારશનો વાર છોટાસાહેબે આ કેસ ચલાવવાનો ઠરાવ્યો છે તેથી રાજી થઈને, દોડ્યા આવ્યા હતા.

૧ર૭