પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
અપરાધી
 


ટોળાથી છેટેરી એક ઓરત ઊભી હતી. એના હાથમાં પિત્તળની ટોયલી હતી, એ અજવાળીની મા હતી. લોકો એની સામે આંગળી ચીંધી અનેક કટાક્ષો કરતા હતા, એમાંનો એક આ હતો : ‘મા તેવી દીકરી !’

અગિયાર વાગ્યાને અદલ ટકોરે બે ઘોડાની ગાડી પાણીના રેલા પેટે આવી પહોંચી. બંકી ગરદન ડોલાવતા અશ્વોએ દરવાજામાં પ્રવેશ કર્યો. અંદર એકાકી બેઠેલા ન્યાયાધિકારીની ફૂટતી મૂછો મજૂરો-ખેડૂતોની આંખોને મુગ્ધ કરી રહી. આવડો નૌજવાન ન્યાયાધીશ જનતાએ અગાઉ જોયો ન હતો. નમણું મોં નિસ્તેજ હતું. ‘માંદા માંદા પણ છોટાસાહેબ ન્યાય તોળવા આવ્યા. જોયું, ભાઈ ? રાંડ બાળહત્યારી ડાકણનું આજ આવી બન્યું જાણજો. હો કે !’ — આવી વાતો લોકોમાં થઈ રહી.

પોતાની ખાનગી ચેમ્બરમાં પ્રવેશ કરતાં શિવરાજે બાજુથી જ જેલ સાથે અદાલતને જોડતા રસ્તા પરથી એક ખડખડાટ હાસ્ય સાંભળ્યું, અને નજર કરીને ત્રાસેલો હોય તેમ એકદમ ચેમ્બરનાં બારણાંમાં પેસી ગયો.

એ હાસ્ય અજવાળીનું હતું. પોલીસ-પહેરા વચ્ચે એ ચાલી આવતી હતી. એનાં લૂગડાં અસ્તવ્યસ્ત હતાં. એના વાળની લટો વીખરાયેલી હતી. પોલીસ હવાલદારે ઉધરસનું ઠસકું ખાતે ખાતે પહેરેગીરો સામે મિચકારો કર્યો. પોલીસોએ ધીરે સાદે અંદર અંદર ટીકા કરી : “રંડી કી બડાઈ તો દેખો, બડાઈ !”

પાછલે દરવાજેથી એને આરોપીના પીંજરા આગળ લઈ જવામાં આવી.

“માડી ! અંજુડી !” નજીકથી કોઈ બોલ્યું. બોલનાર અજવાળીની મા હતી. “લે, આટલું દૂધ પી લઈશ ?” એમ કહીને એણે પોતાના ફાટેલા પાલવમાં સંતાડેલી નાની ટોયલી બહાર કાઢી, ત્યારે હવાલદારે કહ્યું : “એ બુઢ્ઢી ! જરાક શરમા તો ખરી. આંહીં શું તું તારી છોકરીને સાસરે વળાવવા આવી છો ? આઘી મર.”

કશું જ બોલ્યા-ચાલ્યા વગર મા દીકરીની સામે નીરખી રહી, ને પછી ધીરે ધીરે એણે ટોયલીમાંથી ધોળું ધોળું દૂધ ધરતી પર ઢોળી નાખ્યું. એની બેઉ આંખો પણ સાથે સાથે આંસુડાં ઢોળી રહી. અજવાળી તો માની સામે પણ જોયા વિના જડતાની મૂર્તિ જેવી ઊભી રહી. એના મોં ઉપર દિગ્મૂઢતાભરેલું સ્મિત હતું.

પાંજરા પાસે આવીને એ નીચે બેસી ગઈ. એનાં કપડાંમાં પણ એને મણીકાભરેલો ભાર લાગ્યો. એના વાળમાં જાણે વનજંગલોનો સામટો બોજો હતો. એનાં હાડકાંમાં જાણે સીસાનો રસ સિંચાયો હતો.

આગલો દરવાજો ઊઘડતાંની વાર જ ટોળાએ અંદર ધસારો કર્યો. આ મુકદ્દમો ઘણા ખાનદાન મનાતા માણસોને પણ ખેંચી લાવ્યો હતો. ધસારાની ભીંસાભીંસમાં એમાંના કેટલાયની પાઘડીઓ પડી ગઈ, કેટલાકની કાછડીઓ છૂટી ગઈ, કેટલાકની કેડ્યના કંદોરા ઢીલા થઈ ગયા. આગલી બેઠકો માટેની પડાપડી ત્યાં મચી રહી. બેઠેલી અજવાળી સામે આંગળી ચીંધી ગુસપુસ અવાજે લોકોનો પ્રલાપ ચાલ્યો, ત્યાં તો પટાવાળાનો લાંબો તીક્ષ્ણ સિસકારો સંભળાયો. ચેમ્બરનું દ્વાર ઊઘડ્યું. ન્યાયાધિકારી દાખલ થયા. લોકો ઊભા થયા, ચુપકીદી છવાઈ ગઈ.

ન્યાયાસનની ગાદી પર એ શરીર ઝટપટ સમાઈ ગયું. એના બિરાજવામાં છટા નહોતી. ઊંચે એણે જોયું નહીં. શિરસ્તેદારે સામે મૂકેલાં કાગળિયોમાં એની આંખો ખૂંતી રહી. ઊંચે અવાજે બોલવાની હામ એણે ગુમાવી હતી. આરોપીનું નામ પોકારવા એણે