પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
અપરાધી
 


એ જ ક્ષણે બાજુની ખુરસીમાંથી એક જુવાન ઊભો થયો. એને જોતાં જ શિવરાજનાં નેત્રોમાં ચમક આવી. એ ચમકમાં આશા હતી કે ધાસ્તી ? આશા અને ધાસ્તીનાં ભરતી-ઓટ હતાં. શિવરાજે શિરસ્તેદાર સામે જોયું. શિરસ્તેદારે કહ્યું : “બચાવના વકીલ છે, સાહેબ !”

જુવાન વકીલ રામભાઈએ ધીરા, પોચા અવાજે, ક્ષોભ પામતે પામતે, હવાલદારની ઊલટતપાસ આદરી :

“તહોમતદારના ઘરથી ગોઝારો કોઠો કેટલેક દૂર હશે ?”

“અરધો-પોણો માઈલ.”

“એ રસ્તો કેવોક કહેવાય ?”

“ઉજ્જડ, કાંટાળો ને ખાડાખડિયાવાળો.”

“ગોઝારા કોઠાની નજીકમાં કોઈ બીજી વસ્તી છે ?”

“પાછલી કોર ચારસોક કદમ છે. વેડવાં વાઘરાંના પડાવ છે.”

“તો તમે ત્યાં નજીકમાં તપાસ કરવા ન ગયા ને અરધો-પોણો માઈલ આઘે રહેતી આ તહોમતદારણને ઘેર કેમ ગયા ?”

“કેમ કે ગોઝારા કોઠાની ઓલી કોર આપણી હદ નથી, સુજાનગઢની હદ છે.”

અદાલતમાં જાણે જનતાનો એકસામટો શ્વાસ હેઠો બેસતો સંભળાયો. શિવરાજનું આગલું શરીર ટટ્ટાર થયું. રામભાઈ વકીલનું મોં શાંતિથી મલક્યું.

બીજા સાક્ષી આવ્યા દાક્તર, જેના ડગલાના ગજવામાંથી સ્ટેથોસ્કોપની રૂપેરી ભૂંગળીઓ કોઈ બે નાગણીના જીભના લબકારા જેવી ડોકાતી હતી. તે ઊભા થયા. તેમનો શપથવિધિ થઈ ગયો. તેને પ્રોસિક્યૂટર પ્રશ્ન પૂછતા ગયા તેમ તેમ ટંકશાળના સિક્કા સમા જવાબો તેમની જીભમાંથી પડતા ગયા.

“આપે એ બાળકની લાશ તપાસી છે ?”

“હા જી.”

“આપની દાક્તરી તપાસમાં શું માલુમ પડ્યું હતું ?”

“બાળકનું મેં પોસ્ટમોર્ટમ કર્યું હતું, તેમાં તેને ગૂંગળાવીને મારવામાં આવ્યું હોય તેવી તેનાં ફેફસાંની નળીઓની સ્થિતિ માલૂમ પડતી હતી.”

“બાળકને આપે તપાસ્યું ત્યારે તેનું મોત થયે કેટલો વખત થયો હશે ?”

“અડતાળીસેક કલાકથી વધુ નહીં.”

“વારુ, સાહેબ !” પ્રોસિક્યુટર વારંવાર અજવાળીના સામે તીણી નજરે તાકતા હતા ને પછી શિવરાજ સામે જોઈ મોં મલકાવતા હતા.

“બાળકને અવતર્યો કેટલો વખત થયો હોય તેમ આપને લાગેલું ?”

“બસ, ત્રણેક દિવસથી વધુ નહીં.”

“બરાબર. પછી આપે આ સામે ઊભેલી ઓરતને તપાસી હતી ?”

“હા જી.”

“શું માલૂમ પડેલું ?”

“એના ગર્ભાશયની સ્થિતિ એવી હતી કે એણે તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હોવો જોઈએ.”

“પત્યું.” કહીને પ્રોસિક્યૂટર પરમ સંતોષની નજરે ચોમેર પ્રેક્ષકો સામે જોતા જોતા બેસી ગયા.