પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદાલતમાં
૧૩૧
 


“હેં દાક્તરસાહેબ !” જુવાન વકીલ રામભાઈએ દાક્તરની ઊલટતપાસ માંડી : “આ ઓરતને આપે બરોબર તપાસેલી, ખરું ? વારુ, ને આપને માલૂમ પડ્યું કે એણે તાજેતરમાં જ બાળકને જન્મ દીધો હશે, ખરું ? હવે હું પૂછું છું કે તાજી સુવાવડી ઓરત, સુવાવડ આવ્યા પછી બાર અથવા ચોવીસ કલાકની અંદર માઈલ-અડધો માઈલ ખાડાખડિયા ને કાંટાવાળો ઉજ્જડ રસ્તો રાત્રિએ ચાલીને તેટલું પાછી આવી શકે ખરી ?”

“ના જી.” ડોક્ટરની જબાન જરીકે થોથરાયા વગર ચાલી ગઈ.

“તયેં હાંઉ ! જીવતા રો’, મારા બાપ !” એવો કોઈ અવાજ પ્રેક્ષકોમાંથી સંભળાયો, ને તત્કાળ પટાવાળાનો સિસકારો થયો. ચમકેલા પહેરેગીરોએ પાછળ જઈને કહ્યું : “ચૂપ રે’, એઈ ડોશી ! ઈધર કોરટ હે, દેખતી નહીં ?”

બોલનાર ડોશી અજવાળીની મા હતી. એના તરફ ફરીને પ્રેક્ષકોએ હસાહસ કરી મૂકી. ન હસ્યા માત્ર બે જણા : ન્યાયાધિકારી અને એ નૌજવાન વકીલ. પ્રોસિક્યૂટરના મોં પર ચીડ ચડી બેઠી. શિવરાજ જે નીચું મોં ઘાલીને જ બેઠો હતો તેની ગરદન ઊંચી થઈ, એના સૂકા ગાલમાં સુરખી રેલાઈ. એના ડૂબતા હૃદયને જાણે ભેખડ લાધી.

“બસ, નામદાર !” કહીને રામભાઈ બેસી ગયો.

શિવરાજની છાતીમાં ઓચિંતું જોર ઊછળ્યું. તેણે ટટાર ગરદન કરીને ડોક્ટરને સવાલ પૂછ્યો : “એ તો ખરુંને દાક્તર, કે તમે તો તમારી સામાન્ય પ્રચલિત પદ્ધતિથી આ પરીક્ષા કરી હતી. એ દાક્તરી સાધનો કદી ખોટાં પડે જ નહીં, એમ તો નહીં ને ?”

“નહીં જ નામદાર, દાક્તરી સાધનો ખોટા પણ પડે છે.”

“આ બાળક જન્મ્યા પછી કેટલુંક જીવ્યું હશે ?”

“એક કલાક.”

“એટલે હજુ એની જિંદગી પૂરેપૂરી સ્વતંત્ર ન પણ બની હોય.”

“સંભવ છે, નામદાર.”

“એટલે કે આ બાળકની કમનસીબ માતા, એ ગમે તે હો, એણે એ બાળકનો જન્મ છુપાવ્યા કરતાં વધુ અપરાધ — બાળકને મારી નાખવાનો અપરાધ — સંભવ છે કે, ન પણ કર્યો હોય. ખરું ?”

“ખરું, નામદાર ! બાળક કુદરતી જ મૃત્યુ પામ્યું હોય એમ પણ બનવાજોગ છે.”

દાક્તર બેસી ગયા. આવી જુબાનીની અસર લોકો પર ઊંધી થઈ. ટોળાની સહાનુભૂતિ અજવાળી તરફ ઢળી પડી.

તે પછીની શાહેદ કુંભારણ બાઈ કડવી લીંબા ઊભી થઈ. એણે તો પ્રશ્ને પ્રશ્ને પોતાની જીભ પૂરપાટ વહેતી મૂકી દીધી :

“હં અં ! તયેં નહીં ? મરને મને પરમેશર એક વાર નહીં ને દસ વાર પૂછે ! હું કાંઈ બીતી નથી. મેં તો જેવું ભાળ્યું હશે એવું કહીશ — ધરાર કહીશ. મને તેદુની રાત બરોબર સાંભરે છે. હું તો ત્રણ પેઢીની વાતુંય ભૂલતી નથી. મારી ટીલડી ગા માંદી પડી. એને પેટપીડ ઊપડી’તી. ધનો ભરવાડ પણ રોગ નો વરતી શક્યો. પછે તો બાપા, ભૂતડીના કાંથડ ભગતનો દોરો મંતરાવવા મારા ધણીને મેલવો જ પડે ના ! દાગતરું ને દવાઉં કરતાં ભગતનો દોરો શું ખોટો ? પણ ઈને મેલ્યા પછે મને કાંઈ નીંદર આવે ? ઈ છે બેક અપલખણા — જાય ત્યાં ગુંદરની ઘોડે ચોંટ્યા રે. હું એનાં લખણ બરોબર જાણું ને ! હું તો બેઠી જ રહી, વાટ જોતી જ રહી. એમાં વિજળીનો ઝોકાર અજવાસ થયો. માડી