પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
અપરાધી
 


રે ! ચાળીસને માથે પસ્તાળીસ વરસની હું થઈ. મારો જલમ પંચોતરા કાળમાં; તે દી કે’ છે કોગળિયાનો રોગચાળો હાલતો. આટલાં વરસ મેં કાઢી નાખ્યાં. કંઈક ચોમાસાં જોયાં. કરોડું વીજળિયું જોઈ નાખી. પણ આ અજવાસ તો કોઈ નોખી જ ભાતનો — જાણે બીજો સૂરજ ઊગ્યો ! આ એમાં મારી નજર ગોઝારે કોઠે મંડાણી ને મેં મારી સગી આંખ્યે ભાળ્યું બરાબર આ અજવાળી પોતે જ — બીજું કોઈ હોય તો મારી આંખ્યુંમાં ધગધગતા સૂયા પરોવી દઉં – ઈ પંડે જ ગોઝારા કોઠાની પોલ્યમાં કાંક મેલતી’તી. સવાર સુધી મારી આંખ્યુંએ મટકું ન માર્યું. મોંસૂઝણું થયા ભળી જ હું ગોઝારે કોઠે ધોડી. જઈને જોંઉ તો તો છોકરું ! બીજું શું હોય ? હોય જ નહીં ને ! લૂગડામાં વીંટાઈને પોટો પડ્યો’તો, માડી ! ધરતીને માથે પાપ કાંઈ થોડાં ખડકાણાં છે ! આભ તૂટી પડતો નથી ઈ તો બાપા, તમ સરખાને ધરમે. હા, હું તો સાચું કહેનારી છું. મર આગલાને કડવું ઝેર લાગે. મારું નામ જ કડવી ને !”

પ્રેક્ષકોની હસાહસ થંભતી નહોતી. શિવરાજે માથું નીચું ઢાળ્યું હતું.

રામભાઈ ઊલટતપાસ માટે ઊઠ્યો.

“જુવો, કડવીબાઈ ! તમારે ને આ અજવાળીના બાપને આગલી રાતે કાંઈક વઢવાડ થઈ’તી એ સાચું ?”

“સાત વાર સાચું. વઢવેડ શું — હું તો એને કાચો ને કાચો ખાઈ જાઉં, ખબર સે ?”

“તમે ભાડે રહો છો તે એનું જ ઘર છે ને ?”

“મફત કાંઈ નથી રે’તાં અમે, દૂધે ધોઈને અમાસે અમાસે રૂપિયા બે દઈએ સયેં.”

“તમને એણે ખોરડું ખાલી કરવા કહ્યું હતું ને ?”

“હા, ને મેંય ઈને રોકડો જવાબ પરખાવ્યો’તો કે ખોરડું ખાલી કરતાં પેલાં તો હું તારાં લૂગડાં નહીં ઉતારી લઉં ?”

પ્રોસિક્યૂટરને ધ્રાસકો પડ્યો. આ શાહેદને પોતે ક્યાંથી હાજર કરી એનો એને પસ્તાવો થયો. એણે એકાએક ઊઠીને વચ્ચે પૂછ્યું : “નામદાર, બચાવના વકીલ શું એમ સૂચવવા માગે છે કે શાહેદે એના અસીલની ઉપર કિન્નો લેવા માટે જ આ તરકટ મચાવ્યું છે ?”

“બરાબર છે. એ જ સૂચવવાનો મારો આશય છે.”

“શું બોલ્યો ?” કડવી કુંભારણે રામભાઈ તરફ પોતાનો હાથ લંબાવ્યો, “તું મને ખોટાડી ઠરાવછ ! તું મારા ગોઠણ જેવડો મને ગલઢી આખીને — તું મારા ઉકરડા ખૂંદનારો, મારા ખેતરની વચ્ચેથી ચીભડાં ચોરનારો તું —”

“બાઈ, શાંતિથી જવાબ આપો. આંહીં કજિયા ન કરાય.” શિવરાજે કડવીને શાંત પાડી.

“હાં જુઓ, બાઈ કડવી !” શિવરાજે પૂછ્યું, “ગોઝારો કોઠો તમારા ઘરથી પા ગાઉ જેટલો તો છેટો હશેને ?”

“ઈ તો બાપા, તમેય ક્યાં નથી જાણતા ? તમેય દા’ડી ત્યાં નીકળતાને !”

એ દિવસોની યાદે શિવરાજના હૃદયને મોસંબી-રસ કાઢવાના સંચાની માફક પીસ્યું.

“વારુ. તમારી નજર શું હજુ એટલી બધી લાંબે પડે છે, કે તમે ત્યાં ઊભેલું માણસ જોઈ શક્યાં ?”