ત્યારે વકીલો તરફ પ્રસન્નતાથી ઝૂકતો હતો. એણે અજવાળીના લલાટ પર પણ બેધડક
આંખો માંડી. હવે કશી જ વાર નહોતી. એટલું જ જાહેર કરવાનું હતું કે આ મુકદ્દમાને
સેશન્સ કમિટ કરવા જેવો સબળ પુરાવો પ્રોસિક્યૂશન તરફથી રજૂ થઈ શક્યો નથી,
એટલે આરોપીને છોડી મૂકવામાં આવે છે. બસ, એટલી જ જાહેરાત કરીને પોતે અજવાળીને અભયદાન દઈ દેશે. પછી અજવાળી જાણે ને એનો ઈશ્વર જાણે. હું ને મારી સરરવતી
તો ઝટ લગ્ન-હિંડોળે બેસી જઈશું.
કાગળ ઉપર ચુકાદાના અક્ષરો ટપકાવવા એની કલમ ખડિયામાં બોળાય છે, ને બોળતાં બોળતાં એ પ્રોસિક્યૂટરને છેલ્લી વાર પૂછે છે : “તમારા પુરાવા બધા પતી ગયા છે ને ?”
“હવે તો જરીતરી બાકી રહે છે.”
“ત્યારે હવે —” કહેતાં એણે રામભાઈ તરફ જોયું. ને તરત જ રામભાઈ ખડો થયો, “મારે કહેવાનું છે, નામદાર !”
એ શબ્દો એના મોંમાંથી સરતાંની સાથે જ શિવરાજના હાથમાં કલમ થંભી ગઈ.
“નામદાર કોર્ટને તો હવે બસ, ફક્ત સંતોષકારક પુરાવાને અભાવે આ મુકદ્દમો કાઢી નાખવાનું જ રહે છે. પરંતુ નામદાર કોર્ટ, મારી અસીલને માત્ર પૂરતા પુરાવાને અભાવે જતી કરવામાં આવે એટલી જ વાત મારે માટે પૂરતી નથી. મારી અસીલ હજુ નાની વયની છે. એને હજુ જિંદગી કાઢવાની છે. અહીંથી એ બચી જશે, પણ લોકોની જીભ તો એનો પીછો જ લેશે; આંગળી ચીંધણું એના માથેથી મટશે નહીં. લોકો કહેશે કે પોલીસની અનાવડતને વાંકે બચી ગઈ ! માટે મારી માગણી આ છે કે હું એની સંપૂર્ણ નિર્દોષતા સાબિત કરનારા શાહેદો બોલાવવા માગું છું. ને એટલું જોવા માગું છું કે મારી અસીલ બાઈ અજવાળી પોતાની ચાલચલગત ઉપર નાની એવી શંકાનો પણ ડાઘ લીધા વગર આ અદાલતનો દરવાજો છોડે.”
આ બોલો બોલાતા રહ્યા ત્યાં સુધી અજવાળી રામભાઈ સામે તાકી રહી હતી. બોલવું પૂરું થયું ત્યારે એનો ચહેરો ફિક્કો પડ્યો. એણે ફરીથી માથું નીચું ઢાળ્યું. શિવરાજને પણ આ એક અણગમતો સંજોગ ઊભો થતો ભાસ્યો. અંધારગલીમાંથી દોટ કાઢીને બહાર નીકળવા માગનાર છોકરાની કોઈક ચીજ અધરાતે ભોંય પર પડી જાય ને તે લેવા રોકાવું પડે, એવી દશા શિવરાજની બની. એણે મંદ સ્વરે કહ્યું :
“તો બોલાવો શાહેદોને.”
રામભાઈએ પહેલી શાહેદ અજવાળીની માને બોલાવી. પોલીસોએ એ બુઢ્ઢીને હાથનો ટેકો આપી સાક્ષીના પાંજરામાં ચડાવી. એ મોં તાજાં ખરેલાં આંસુડે ભીનું હતું. એને સોગંદ લેવરાવતાં પણ શિવરાજ એની સામે જોવાની હિંમત કરી ન શક્યો. આ બાઈને પોતે કેટલીક વાર, અને કેટકેટલી જુક્તિઓ કરીને છેતરી હતી ! આને પોતે અજવાળીના નામના બનાવટી કાગળો લખ્યા હતા. એ લખનાર ડાબા હાથ પર ઈશ્વરની આંખો અત્યારે જોતી હશે.
શિવરાજને ખબર હતી. ગઈ પરમના રોજ જ સુજાનગઢ આવેલી આ વૃદ્ધાએ દીકરીનો અપરાધ પૂરતા ઇશારા વડે કબૂલ કર્યો હતો. અત્યારે એ જ બાઈ, દીકરીને બચાવવા માટે જૂઠ વદવા આવી છે.
પ્રોસિક્યૂટર બરાડા પાડતો હતો. એના સવાલોના જવાબો બુઢ્ઢી ક્ષીણ સ્વરે આપતી