પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
અપરાધી
 


“એટલે કે તમારી જુવાન અજવાળીને મેઘલી અધરાતે તમારા ધણીએ આ અજાણી, અંધારી, કાંઠાકિનારા વગરની દુનિયામાં ધકેલી દીધી હતી, ખરું ને ?”

“ખરું જ તો, બાપા !” બુઢ્ઢીએ ફરી ચોમેર જોયું.

“નરાતાર ખોટું, નરાતાર ખોટું !” એક બરાડો સંભળાયો ને એક આદમી ધસી આવ્યો, “મને પાંજરામાં ઊભો કરો, પછેં હું બતાવી દઉં કે કોણ છે આ કાળા કામનો કરનારો —”

એ બોલનાર હતો અજવાળીનો સાવકો બાપ. એ ધસતો હતો શાહેદના પીંજરા પ્રત્યે. એણે પોતાની સ્ત્રીને પકડીને પછાડવા હાથ વીંઝ્યા. પોલીસે એને પકડી લીધો.

“એને તુરંગમાં લઈ જાવ, ને બીજો હુકમ થતાં સુધી અટકાયતમાં રાખો.” શિવરાજે શાંતિથી ફરમાન કર્યું.

એને ખેંચીને ઉપાડી જતો જોતાં જ અજવાળીની માએ શિવરાજ સામે લાચાર સ્વરે કહ્યું : “બાપા, ઈને કોઈ મારશો-ઝૂડશો મા હો, હું ખોળો પાથરું છું. ઈ બચાડો…” બુઢ્‌ઢી બાઈની આંખોમાં ધણીને માટે ટપકતાં આંસુ દેખી અદાલતના પ્રેક્ષકો સ્તબ્ધ બન્યા હતા. તેમનું હસવું મોંમાં પાછું સમાયું હતું.

પ્રોસિક્યૂટર ઊઠ્યા. પ્રેક્ષકો અજાયબ બન્યા. એણે કોઈ દિવસ નહીં ને આજે જ અતિ દયાળુ ને વિનયવંત અવાજે આદર્યું : “જુઓ માડી, મારે તમને જરીકે સતાવવાં નથી. મારાથી ડરશો મા. તમારો સગો દીકરો પૂછતો હોય એમ માનજો !”

“હા, માડી !”

“તમારા રુદામાં તો, માડી, ઠાકર વસેલો છે. તમારા ઘટઘટમાં ઠાકર છે.”

“હા, માડી, ઠાકર સૌનાં લેખાં લેશે.”

“તમારે મરીને એના ચરણમાં જ વાસ લેવો છે ને ?”

“અરે બેટા, મારા જેવી પાપણીને —”

“તો પછી, હું મા, ઠાકર જે દી લોઢાનો લાલચોળ થાંભલો લગાવીને આ અજવાળીને બથ ભરવાનો હુકમ કરશે, ને તમને પૂછશે કે ડોશી, સાચું બોલ તો તારી છોકરીને છોડી દઉં, તે દી શો જવાબ દેશો તમે ઠાકરને, હેં ડોશીમા ? બોલો, જે રાતે તમે એને જોઈ તે રાતે એના શરીરનો દેખાવ કેવો લાગેલો તમને ? બોલો, ઠાકરને ઘેરે ધગાવેલા થંભની સન્મુખ બોલો !”

ડોશીને શરીરે કમકમાં આવ્યાં. એની જીભના લોચા વળ્યા. એની આંખો મીંચાઈ ગઈ. એનો દેહ લથડ્યો. આંખે અંધારાં આવ્યાં. પાંજરાની પડઘી ઝાલીને પડતી બચી.

“કોન્સ્ટેબલ, બાઈની સારવાર કરો.” શિવરાજે આજ્ઞા કરી. પોલીસોના હાથના આધારે બહાર જતી બુઢ્‌ઢી જ્યારે સમજી કે પોતે આ ગભરાટ બતાવીને પોતાની પુત્રીનો દાટ વાળ્યો છે, ત્યારે એણે છાતી ફાટ રુદનના સૂર કાઢ્યા.

“આનું નામ જ રાક્ષસપણું”. રામભાઈએ દાંત ભીંસીને દર્દભર્યો અવાજ કાઢ્યો.

“નામદાર કોર્ટનું હું રક્ષણ માગું છું”. પ્રોસિક્યૂટરે ઊઠીને કહ્યું.

“કોર્ટ પણ પ્રોસિક્યૂટરની એ વર્તણૂકને રાક્ષસી માને છે.” શિવરાજે ગંભીર સ્વરે કહ્યું.

“પત્યું.” કહી પ્રોસિક્યૂટર ખુરશીમાં પછડાયા.

પછી અજવાળીની જુબાની થઈ. ઊલટતપાસ ચાલી. એણે તો હુંકાર કરીને કહ્યું :