લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજવાળીને હૃદય-તળિયે
૧૩૭
 

“ના, ના, મને કશી જ ખબર નથી. કરવું હોય તે કરોને ! આ ઊભી છું.”

“બાઈ, હજુ વિચાર કર.” પ્રોસિક્યૂટરે કહ્યું.

“વિચાર કરી લીધો છે.”

“પછી મોડું થઈ જશે. તારે બાળક હતું, ને તેં મારી નાખ્યું. તે વાતનો તું શું હજી ઈન્કાર કરે છે ?”

“હા, હા, તમે શું બોલો છો તે જ હું સમજતી નથી.”

“વારુ ! કાંથડ હવાલદાર, આમ આગળ આવો ને લાવો, ખોલો એ તમારું પોટલું !” પ્રોસિક્યૂટરે અજવાળીને પકડનાર કાંથડને બોલાવ્યો. લોકો ઊંચા થયા. કાંથડ એક નાનું પોટકું છોડતો હતો.


૩૩. અજવાળીને હૃદય-તળિયે

કાંથડ હવાલદાર પ્રોસિક્યૂટરના ટેબલ પર જ્યારે પોટકું ખોલતો હતો ત્યારે પ્રેક્ષકો ઊંચા થઈ ટાંપી રહ્યા — જાણે કોઈ વાદી કરંડિયેથી કાળા નાગને કાઢતો હતો. એની દમલેલ છાતીના જાળીદાર પોલાણમાંથી શ્વાસ ગાજતા હતા. એ પોટકાએ સર્વની નજરબંદી કરી લીધી. શિવરાજ પણ ત્યાં તાકી રહ્યો. એની નજર બીજું કશું જોતી નહોતી. એના કાન બીજું કશું સાંભળતા નહોતા. એની જમણી બાજુ ચેમ્બરનાં દ્વાર ઊઘડ્યાં. એક સ્ત્રીએ અંદર પ્રવેશ કર્યો. પટાવાળાએ લાવીને એક ખુરશી મૂકી. તેના ઉપર શાંતિથી એ સ્ત્રી આવીને બેસી ગઈ. એની સાડીના સળનો મર્મ-સ્વર પ્રેક્ષકોમાંથી થોડાએકે સાંભળ્યો. એની ને અજવાળીની આંખો એક થઈ. કોઈ ભવભવનું વૈરી આવ્યું હોય એવી કડવાશની અજવાળીના મોં પર ફૂગી વળી ગઈ. અજવાળીની આંખોમાં બિલાડીની આંખો તગતગી.

આવનાર નવીન સ્ત્રી સરસ્વતી હતી. બાજુના બંગલામાં બેઠી બેઠી આજના મુકદ્દમાના રંગોથી એ વાકેફ બની હતી. પ્રોસિક્યૂશનના પાયા તૂટી પડ્યા હતા તે જાણ્યા પછી એણે પ્રેક્ષક બનવા હિંમત કરી હતી. ભવિષ્યના ભરથાર, આવતી કાલના જીવનસખા, પોતાના જીવનમાં પ્રવેશ કરવા ટાણે એક ફસાયેલી અબળાનું કેવું મંગલ પરિત્રાણ કરે છે, તે નીરખવાના કોડ હૈયે સંઘરીને સરસ્વતીએ અદાલતને એક માનવંત ખૂણે બેઠક લીધી.

અજવાળીને ખબર હતી. જેલના પહેરેગીરોએ અને મુકાદમોએ વાતો ચલાવી હતી : “છોટા સાહેબ મોટા સાહેબની દીકરી વેરે પરણવાના છે : બહુ ભલા છે : ઘણા કેદીઓને છોડી મૂકશે : ઘણાઓની સજામાંથી માફીના દિનો કાટશે. અને અજવાળી, તને તો એ ખુશાલીમાં જ છોડી મૂકશે, હો કે ?”

“મારે નથી છૂટવું એમના વિવાની વધાઈમાં. મર મને ફાંસી આપે.” અજવાળી આવું બોલતી ત્યારે એના અંતરની બખોલમાં બેસીને કયું હિંસક જાનવર આ હુંકાટા કરે છે તે કોઈથી સમજાતું નહીં.

આજ શિવરાજની અર્ધાગના બનનારી સરસ્વતીને નજર સન્મુખ નીરખતી અજવાળીએ, વધુ તો કાંઈ નહીં પણ, સ્વાભાવિક ઘૃણાની લાગણી અનુભવી લીધી.

“બોલ, બહેન અજવાળી,” પ્રોસિક્યૂટરે છૂટેલ પોટકામાંથી એક ભાતીગળ મોટો ટુકડો ઉઠાવીને, પોતાના યુદ્ધ-ધ્વજ જેવો ફરફરાવી પૂછ્યું : “આ ટુકડાને તું ઓળખે છે ?”