પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
અપરાધી
 


“મને કંઈ ખબર નથી.” અજવાળીએ ઊંચે જોયા વગર જ કહ્યું. ન્યાયમૂર્તિએ એને ઊંચે જોવા કહ્યું. ફરી પ્રશ્ન કર્યો. જવાબ જડ્યો : “હા, એ ટુકડો તો મને જડેલો.”

“નામદાર કોર્ટ, આ ટુકડો કાંથડ કોસ્ટેબલે તહોમતદારણના ઓરડામાં એની પથારી પાસેથી જ કબજે કર્યો હતો. હવે બાઈ, અજવાળી ! બાપા ! જોજે હો કે !” એમ બોલતાં બોલતાં પ્રોસિક્યૂટરે ભાત્યવાળું એક મોટું કપડું પોટકામાંથી ઉઠાવ્યું, ટેબલ પર પાથર્યું. તેને ખંડિત ખૂણે એણે પેલો ટુકડો મૂક્યો. સાડી અને ટુકડો બરાબર બંધબેસતાં બન્યાં. પછી એણે કહ્યું : “નામદાર કોર્ટ જોઈ શકશે કે આ બેઉ ટુકડા જોડતાં આખી સાડી બને છે. મોટો ટુકડો કોન્સ્ટેબલ કાંથડને ગોઝારે કોઠેથી જડ્યો છે, એની અંદર તહોમતદારણનું બાળક લપેટેલું હતું.”

“ના, એ ટુકડો તો મને રસ્તામાંથી જડ્યો’તો.” અજવાળીએ એક નાના છોકરા જેવી નાદાની દેખાડતાં કહ્યું.

“નહીં, નામદાર કોર્ટ,” પ્રોસિક્યૂટરે નાનો ટુકડો ફરી ફરફરાવીને શિવરાજનું લક્ષ એ ટુકડાના ખૂણા પર ચોડેલા લાલ અક્ષર તરફ દોરીને કહ્યું : “જુઓ નામદાર, ‘अ’ નામનો આ અક્ષર બતાવે છે કે આ ટુકડો તહોમતદારણના નામનો છે.”

રામભાઈ ડઘાઈ ગયો હતો. એક નવો જ ચમત્કાર એ નીરખી રહ્યો હતો. વારંવાર એ ખુરશી પરથી ઊછળી ઊછળીને ‘પણ નામદાર’, ‘મારે પૂછવું છે, નામદાર’ એવા ઊકળતા બોલ બોલતો હતો.

“આપ જરા ધીરા રહેશો તો સૌ સારાં વાનાં થશે, વકીલસાહેબ !” એમ કહીને પ્રોસિક્યૂટર રામભાઈને પાછો ખુરશીમાં બેસી જવા ફરજ પાડતો હતો.

“એ તહોમતદારણનો જ નામાક્ષર છે એમ તમે કઈ રીતે કહો છો ?” શિવરાજે પૂછ્યું. પૂછતી વેળા એને સાંભર્યો એ દિવસ, જ્યારે પોતે મુંબઈના મહિલાશ્રમમાં ગયો હતો ને અજવાળીને આ નહીં તો આવી કોઈક ભાતીગળ સાડી પહેરેલી ભાળી હતી. સંસ્થાઓમાં આવા નામાક્ષરો લગાડવાની સાવ સામાન્ય પ્રથા એની સમજમાં હતી.

“એ તો નામદાર કોર્ટ, હું ઉપલી અદાલતમાં બતાવી આપીશ કે બાઈ અજવાળીને આવી સાડીની ભેટ આપનાર કોણ હોઈ શકે. હાલ તરત તો આપ કોન્સ્ટેબલ કાંથડની તેમ જ પંચની આ ટુકડાઓ વિશેની શાહેદી જો સ્વીકારી શકતા હો, તો આ અદાલત પૂરતું મારું કાર્ય ખતમ થાય છે.”

રામભાઈના રામ રમી ગયા હતા. જેને પોતે દુશ્મન પાડોશીઓનો ભોગ થઈ પડેલી નિરપરાધી બાલ-સખી માનીને મુકદ્દમો હાથમાં લીધો હતો, તે અજવાળી બનાવટી નીવડી : તોપણ કોને ખબર, આ સાડીના ટુકડાઓનું પણ કશુંક તરકટ હશે, અથવા સાચોસાચ એ અજવાળીને જડ્યો હશે, એવી બાકી રહેલી આસ્થા એકઠી કરીને એણે કહ્યું : “બાઈ અજવાળી, ઉતાવળ ન કર ! ફરી વિચાર કરી જો, યાદ કર, તને આ ટુકડો ક્યાંથી જડેલો ? બહુ વિચાર કરીને વેણ ઉચ્ચારજે હો બાઈ, બધો આધાર તારા જવાબ ઉપર રહે છે.”

“તમે શા સાટુ મારી વાંસે પડ્યા છો ?” અજવાળીના લમણા પરના વાળ જીવ પર આવી ગયેલી શાહુડીનાં પિછોળિયાં જેવા ખડા થઈ ગયા. એણે કપાળ કૂટ્યું : “તમે બધા મારી માને ખાઈ ગયા, તોય ધરાણા નથી ? મને કાંઈ પૂછો મા, મને ખબર નથી.”

એટલું કહીને અજવાળી ભાંગી પડી. એ બેસી ગઈ. એને શાંતિથી બેસવા દેવાનો