પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજવાળીને હૃદય-તળિયે
૧૩૯
 


હુકમ આપીને શિવરાજે પંચોને તપાયા. કાંથડ હવાલદારની ફરી તપારા કરી, અને આખરે શિવરાજે ત્યાં ને ત્યાં બેસીને મુકદ્દમો ઉપલી અદાલતમાં ‘સેશન્સ કમિટ’ કરવાનો ફેંસલો લખ્યો ને સંભળાવી દીધો.

અદાલત વીખરાઈ. ઊંચે કે આજુબાજુ જોયા વગર શિવરાજ ચેમ્બરમાં પેસી ગયો. અજવાળીને જેલમાં લઈ ગયા.

આ નવા ફૂટેલા ફણગાની તારીફ કરતા, ‘દોઢડાહ્યો’ કહીને રામભાઈની મશ્કરી હાંકતા, કાંથડ પગીને ‘બહાદરિયો’ કહેતા અને કેટલાક ચડસૂડા તો રાજકોટ પાછા આ કેસ સાંભળવા જવાની વેતરણ કરતા અદાલતનો ઓરડો ખાલી કરી ગયા.

“બંદા તો રાજકોટ ઊપડવાના.”

"ત્યાં દારૂબારૂ પીશું ને અંજુડીનો કેસ સાંભળશું – ખરી લે’ર તો હવે ત્યાં જામશે.”

“ત્યાં તો ગોરો જડજ બેસશે. આ છોકરડા ડિપોટી જેવી ઢીલાઈ એ નહીં રાખે. ઠબકારી દેશે પંદરેક વરસની ટીપ !”

“ઈને રાંડને તો ફાંસીએ ચડાવવી જોવે.”

“બાયડિયું પણ કેવી ડાકણ્યું બની છે ! કળજગ પણ કેવો હળાબોળ આવ્યો છે !”

“અરે, સગા ધણીને કાચ ખવરાવીને મારી નાખે છે; તો બે વાસાનું છોકરું તે ઈને શું વા’લું લાગે ?”

“આમાં તો ફાંસી થવી જ જોવે, હો ભાઈ ! નીકર આ તો આપડી બાડિયું-બોનું-દીકરિયુંમાં પણ બગાડો પેસી જવાનો.”

“ભૈ, આને તો નાકકાન કાપીને અવળા ગધાડે—”

“અરે, ભોંમાં જ જીવતી ભંડારવી જોવે.”

“ઈ વેળા તો ગઈ, બાપા ! સરકારે આપડી બાયડિયુંનો તો મનખ્યો જ બગાડી દીધો ને ! નીકર મોરુકી વેળામાં તો ધગધગતી કોશ લઈને…”

“એલા હાલો હોટલમાં ચા પીયેં. મજો આવશે.”

એવી વાતો કરતા દસેક મજૂરો-ખેડૂતોનું ટોળું ‘શ્રી હાટકેશ્વર સુખશાંતિગૃહ’ને ઓટે ચડ્યું.

ખાલી થતી અદાલતમાં છેલ્લે છેલ્લે બે જણાં બાકી હતાં : એક હતો વકીલ રામભાઈ. એના હાથે કેસનાં કાગળિયાનું દફતર બાંધતા હતા. કાગળિયાં સરખાં થતાં નહોતાં. દફતર બરાબર બંધાતું નહોતું. ગાંઠ સીધી વળતી નહોતી. ભૂલ — ભયાનક ભૂલ કેવી ગંભીર ભૂલ થઈ ગઈ ! પોતાના અસીલને નિષ્કલંક કરવા જતાં પોતે જ પોતાના હાથ કેવા કાળા કર્યા ! રાજકોટના ગોરા સેશન્સ જજને સૌ કોઈ ઓળખતું હતું. એની આબરૂ ‘હેગિંગ જજ’ તરીકેની હતી. ફાંસીએ ચડાવવાનો એ શોખીન હતો. બાળહત્યાના કિસ્સામાં એનો ન્યાયદંડ યમદંડ જ બની જતો. અને લોકો… લોકો હવે મને પીંખી ખાશે.

બહાર નીકળતાં એણે સરસ્વતીને નિહાળી — તરાપ મારવા પર આવેલી વિકરાળ સિંહણ સરખી. એ નીકળી ગયો. સરસ્વતીને પણ પટાવાળો બંગલા તરફ લઈ ગયો. બંગલાનો માર્ગ મૂકીને સરસ્વતીએ જેલની પગદંડી પકડી. પટાવાળાને એણે સાથે લીધો. જેલરની ઓફિસે જઈ એણે કહ્યું : “બાઈ અજવાળીને મારે મળવું છે.”

“કેમ ?”