પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
અપરાધી
 


“એના બચાવ માટે મારે મહેનત કરવી છે.”

જેલરે અજવાળીને અંદરથી બોલાવવા મોકલી. ગુનેગારો પર કડકાઈ બતાવનારા ખાસ કરીને ઓરત અપરાધીઓની તો વિશેષ કડક ખબર લઈ નાખનારા — મોટા ‘ડિપોટી’ પોલીસમાં તેમ જ જેલખાતામાં વધુ માનીતા હતા. એવા સન્માનિત અધિકારીની આ પુત્રી જેલની પાડોશમાં જ નાનેથી મોટી થઈ હતી, જેલરોની લાડીલી હતી. એને આવી મુલાકાતની ના કોણ પાડી શકે ?

બચાવ ? કઈ જાતનો બચાવ સરરવતી આ ખેડુ-કન્યા અજવાળીને માટે ગોતતી હતી ! એણે જેલર જોડે વાતો કરી. જેલરે એને કહ્યું :

“સુનિયે. બાઈસાહેબ ! લડકીને ખૂન કિયા હૈ. કોઈ શક નહીં. સબ લોગ જાનતે હૈ. દસ મહિનામે લડકી ક્યા માલૂમ કિધર ચલ ગઈ થી. ઔર સબ લોગ જાનતે હૈ કિ ઉસી રાતકો દૂસરા કૌન શખસ ભાગ ગયા થા.”

“હું એ જ વાત આ છોકરીના બચાવમાં લાવીશ. એ બોલતી નથી. એને ફસાવનાર કોઈક સફેદ પુરુષ જ આ હત્યાનો – જો હત્યા થઈ જ હોય તો — પહેલો ગુનેગાર છે.”

“મગર અદાલત ઉસકો નહીં પકડ સકતી.”

“પણ અદાલતને જો ખબર પડે, કે બાઈ ખરેખર ફસાઈ ગઈ હતી, ને એણે પોતાની શરમ છુપાવવા માટે, બલકે એ પુરુષને પણ બચાવવા માટે, બાળકને પતાવી દીધું હોય, તો અદાલત દયા કરે કે નહીં ? નામની જ સજા આપીને જતી કરે કે નહીં ?”

“હાં, વો ઠીક હૈ. ઉસ હરામીકા નામ નિકલાઈયે, મિસ પંડિત ! ગોડ વિલ હેલ્પ યુ.” (ઈશ્વર તમને સહાય કરશે.)

અજવાળી હજુ તો હમણાં જ પોતાની તુરંગમાં ગઈ હતી. એ માથાં પટકતી હતી. શાપો અને ગાળો એના મોંને ગંધવી રહ્યાં હતાં. એ ન આવી. જેલરને વિનંતી કરીને સરસ્વતી જ અંદર ઓરતોની બરાકમાં પહોંચી. અજવાળી એકલી હતી. એને જોતાં જ અજવાળીએ વધુ રોષે ભરાઈ પોતાની લટો ખેંચી. ચીસો પાડી પાડી એણે કહ્યું : “મારી પાછળ વાઘ-દીપડાઓ શા સાટુ પડ્યા છે ? મને ખાઈ જવી હોય તો ઝટ હવે ફાડી ખાવને ! મને રિબાવી રિબાવીને શીદ મારા લોચા તોડો છો ?”

ખેતરોમાં અને પાડોશીઓની જીભ પર જેટલી ગાળો એણે સાંભળી હતી, તે તમામનો ગુપ્ત સંઘરો કરી રાખનાર એ સ્ત્રીહૃદય આજે જાણે સાપ-વીંછીથી ભરેલા હાંડલાની પેઠે ફૂટી પડ્યું. સરસ્વતીએ પણ જીવનમાં પહેલી જ વાર આ અપશબ્દોનો કોશ સાંભળ્યો. એ અબોલ જ રહી. અજવાળીનો અપશબ્દ-કોશ ખૂટી ગયા પછી એનાં આંસુની સરોવર-પાળ ભેદાઈ. એ ચોધાર રડી ઊઠી. એના હૈયાનો હિમ-ડુંગર ઓગળીને વહેતિયાણ ઝરણું બન્યો, ત્યારે એ દુશ્મનોને પણ દયામણી લાગે તેવી બની ગઈ. એની આંખો મીંચાઈ ગઈ હતી. એકાએક એને ગાલે કંઈક સુંવાળો સ્પર્શ થયો. એ સરસ્વતીનો હાથ હતો. લવન્ડરે મહેકતા રૂમાલે સરસ્વતી અજવાળીના ગાલો લૂછતી હતી ને કહેતી હતી : “બહેન, શાંત થા. હું તને સતાવવા નથી આવી.”

“મારી માનું શું થયું ? ઈણે પછડાટી ખાધી’તી ને ?”

“એને લોકો શાંત પાડીને ઘેરે પડોંચાડી આવ્યા છે. બહેન, ચિંતા ન કર.”

“તમારું સારું થાવ, બાઈ ! મારી માને મારા વન્યા બીજું કોઈ નથી.”

“હવે જો, બહેન !” સરસ્વતી એને પંપાળવા લાગી, “તું એ સાડીની વાત કાંઈ