પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજવાળીને હૃદય-તળિયે
૧૪૧
 


સમજાવી શકીશ ?”

“મારે કશુંય સમજાવવું નથી, તેમ સમજવું નથી. હું સંધુંય સમજી કરીને બેઠી છું, બાઈ !”

“એમ નહીં. જો બહેન, આંહીના સાહેબને તો તને ઉપલી કોર્ટમાં મોકલ્યા વિના છૂટકો જ નહોતો. એનું જો ચાલત તો એ તને છોડી જ મૂકત, હો બહેન ! એને દોષ દેતી નહીં.”

“એને હું લગરીકે દોષ દેતી નથી. એ બાપડા શું કરે ?”

“ને એણે તને શું કહ્યું, જાણછને, બહેન ? એણે કહ્યું કે તું હવે ઉપલી કોર્ટમાં જઈને સાચેસાચી વાત, આખી જ વાત, એક શબ્દ પણ છુપાવ્યા વિના, કહી દઈશ તો જજને તારી દયા આવશે. તને બેચાર મહિનાની કેદ આપીને જ છોડી મૂકશે.”

આ શબ્દોએ અજવાળીને વધુ શાંત પાડી. અને સરસ્વતીને ભાન નહોતું કે પોતે પોતાના માટે કેવો ઊંડો અતલ કૂપ ગાળી રહી હતી. એણે તો ચલાવ્યું :

“તું સ્ત્રી છે. હુંયે તારા જેવી જ સ્ત્રી છું. આપણે એક જ જાતની છીએ. હું સમજું છું કે તારી-મારી ઉંમરે કોઈક પુરુષ ઉપર આપણું હૈયું એકાએક ઢળી પડે છે. આપણા વિશ્વાસનો પાર રહેતો નથી. પછી છેવટે જ્યારે કાળ-વેળા આવીને ઊભી રહે છે, ત્યારે પુરુષ પરણી લેવાની ના પાડીને ઊભો થઈ રહે છે કાં તો નફટાઈથી ના પાડે છે, અથવા તો એ બાપડાને પરણવાનો માર્ગ જ રહેતો નથી. ને પછી આપણે એ બધું જ છૂપું રાખવાની મહેનત કરીએ છીએ. તારું પણ આમ જ બન્યું હોવું જોઈએ, ખરુંને, બહેન ? તારી જગ્યાએ હું હોઉં તો મારું પણ એવું જ બને, હો બહેન ! કહે, મને તારી સાચી વાત કહે, આમ જ બનેલું ને ?”

“ઈ કાંઈ જ મને પૂછો મા, બાઈ, તમારે પગે પડું છું હું.” અજવાળી પુકારી ઊઠી. તોય સરસ્વતીએ આગળ ચલાવ્યું :

“કોઈ કોઈ વાર તો પોતાના જેટલા જ અપરાધી પુરુષને, પોતાના કરતાંય વધુ એ પાપીને બચાવવા માટે સ્ત્રી પાતક કરી બેસે છે. હજારો સ્ત્રીઓએ આ જગતમાં એમ જ કર્યું છે, બહેન ! અને એ પાપી પુરુષ તો એવી ભલી સ્ત્રીની સિવાઈ ગયેલી જીભની ઓથે મજા કરી રહેલો હોય છે. આવું હોય તો ત્યાં સ્ત્રીએ પોતાની જીભના ટેભા તોડી જ નાખવા જોઈએ – ભલેને પછી એથી ચાહે તેવા ચમરબંધીનો ભવાડો થતો હોય. તારે પણ, બહેન, જો જજની અને લોકોની નજરમાં દયા, કરુણા ઉત્પન્ન કરવી હોય તો એ પુરુષનું પાપ પણ ખુલ્લું કરી નાખવું. તું એ ખુલ્લું કરી નાખીશ ને ?”

“મારાથી એ નહીં બને, નહીં જ બને.” અજવાળી ચીસ પાડીને રડી ઊઠી.

“તું રડીશ ના, બહેન ! આ સાહેબ તો બહુ દયાળુ હૃદયના છે. એની પાસે જ કાલે રાજકોટ જતાં પહેલાં પેટ ખોલી નાખ. એ ઉપલી કોર્ટ પર દયા કરવાનું લખશે, એ કેટલા કોમળ હૃદયના…”

“મને શીદ બાળો છો, બાઈ ? મારાથી કોઈનું નામ કદી જ લઈ નહીં શકાય. ભલે મને કટકા કરી નાખે.”

હજુ હમણાં સુધી જેના મોંમાંથી અપશબ્દોનો તેજાબ ઊછળી રહ્યો હતો, તેના જ અંતઃકરણની અંદર ભરેલું ઉદારતાનું અમૃત સરોવર સરસ્વતીએ દીઠું. એક દુર્જન – પણ પોતાનો પુરુષ – તેને બચાવવા આ કુંભારની છોકરી પાંચ-દશ વર્ષની જીવતી કબર-જેલમાં