લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજવાળીને હદય-તળિયે
૧૪૩
 


“ત્યારે તો એ નહીં, એમ ?”

“ના રે ના, કોણે કહ્યું ?”

“બધા કહે છે. આખું ગામ એમ જ માને છે. લોક બોલે છે કે તું ગઇ તે રાતે એ પણ અદૃશ્ય બન્યા હતા.”

“ઈની મને ખબર નથી. પણ મારા માથે એને નાનેથી જ બૌ હેત હતું, મારો બાપ અમારા હેતને લીધે અને માથે ભડકે બળતો; ને હું મેળે હાલી ગઈ. એથી વહેમાઇને મારા બાપે એના બાપની હારે કજિયો કરેલો, એટલી મને ખબર પડી; ને ઇ કજિયાને કારણે રામભાઈ વયા ગયા હોય તો પરભુ જાણે. બાકી ઇ તો તો નૈ, નૈ લાખ વાતેય નૈ.”

“ત્યારે કોઈ અમલદાર ?”

“મને પૂછવું રે’વા દો, બોન ! એનો બચાડાનો શો ગુનો ? મારે નામ નથી લેવું.”

કોઈ જંગલઝાડી વીંધતી વીંધતી સરસ્વતી જાણે એક ભમરિયા કૂવાની ભેખડ પર આવી પહોંચી હતી. પોતે જાણે કે એ કૂવાનાં પાતાળ-પાણીને ભાળી તમ્મર અનુભવતી હતી. પાછી વળે તે પહેલાં જ એના પગ હેઠળની માટી સરકી. એનાથી પુછાઈ ગયું : “મારા… એ… કાંઈ… થાય… ?”

અજવાળીએ પોતાનું મોં સરસ્વતીના ખોળામાં દાટી દીધું. સરસ્વતીએ અજવાળીનું મોં ઊંચું કર્યું. એની આંખોના અતલ તલ નિહાળ્યા. એને સમજ પડી ગઈ.

સત્યનું જ્ઞાન લાધ્યું, અનુકંપા ઊખડી ગઈ. નારીપણું પ્રજ્વલિત બન્યું. દયાની દેવીને સ્થાને સ્ત્રી ચડી બેઠી — સરલ, નિર્દોષ, ઠગાયેલી, દગલબાજી અને વિશ્વાસઘાતનો ભોગ થઈ પડેલી, કારમા કો અત્યાચારનો કોળિયો બની ગયેલી સ્ત્રી.

ઓહોહો ! ત્યારે તો આ એક ગંદી, ગંધાતી, રઝળતી, સડેલી ખેડુ-છોકરી એના હૈયા પર મારી પહેલાં ચડી બેઠી હતી ! આ છોકરી શિવરાજના આલિંગનમાં ! આ ગાલો પર શિવરાજના હોઠની સોડમ ! આ ચહેરો શિવરાજનો ચાહેલો ! આ છોકરીએ મારા શિવરાજને વશ કરેલો — આ ધૃણિત, ખેતરોની ભૂંડણે ! એણે એ પ્રેમ જીતવા સરખી કઈ સેવા, કઈ ભક્તિ એવી શિવરાજની ઉઠાવી હતી ? બાપના ત્રાસે ભાગેડું બનેલીને મધ સાંપડી ગયું ? બસ, રસ્તામાં જ શું શિવરાજ એની હડફેટે આવી ગયો ? કશી લાંબી ઉપાસના-આરાધના ન કરવી પડી !

સરસ્વતીની જીભ એના સુકાતા, સળગી જતા હોઠને ભીંજવવા ફરતી હતી. એની આંખો જાણે કારાગૃહની કાળી દીવાલમાં ખૂટી જવા કોઈ ખાડો ખોતરતી હતી. એના મનમાં ‘મારું કે મરું’ ‘મારું કે મરું’ થઈ રહ્યું હતું.

પોતે કેવો અનર્થ કરી બેઠી હતી તેની ગમ અજવાળીને અતિ મોડી પડી. એ સરસ્વતીનો હાથ પકડવા ગઈ. — “મને અડકીશ નહીં !” કહીને સરસ્વતીએ હાથ સંકોડી લીધો. ‘જહાનમમાં જાય અજવાળી ! એનાં કર્યાં છો એ ભોગવે. મારે ને એને શું ?” — એવી લાગણી એના અંતર પર દોડાદોડ કરવા લાગી.

બીજી થોડીક ક્ષણો — અને નારીત્વના ઉન્નત નાદ સંભળાયા. આનો બાપડીનો શો અપરાધ ! એણે જે કર્યું છે તેનાં તો એ બાપડી અત્યારે ફળો ભોગવી રહી છે. એકાદ ઘડીના સુખનો તો એ અત્યારે ભયાનક દંડ ચૂકવી રહી છે. એની વાત તો પતી. પણ મારું શું ? મારી તો તમામ આશા છુંદાઈ ગઈ. મારા પ્રેમનો આંબો સળગી ગયો. હું તો લૂંટાઈ ગઈ !