પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૪. છેતરપિંડી ! નામર્દાઈ !

રસ્વતીની આંખમાંથી આંસુ વછૂટ્યાં. બંનેની સ્થાન-બદલી થઈ ચૂકી. આશ્વાસન આપવાનો વારો હવે અજવાળીનો આવ્યો.

“મારી ભૂલ થઈ હો, બોન !” એણે સરસ્વતીને ખભે હાથ મૂક્યો, “મને ભાન જ ન રહ્યું કે હું શું કરી બેઠી. રુવો મા, બોન ! મને મરતી દેખો જો રુવો તો. મેં અભાગણીએ તમને મારા સ્વારથને કારણે સંતાપ્યાં.”

બંને જણીઓ એકબીજીને બાઝી પડી : જાણે બે છોકરાં જંગલમાં ભૂલા પડ્યાં હતાં. પુરુષપ્રેમના નિઃસીમ દરિયાવમાં બે ડૂબતી સ્ત્રીઓ હાલકલોલ થઈ એકબીજીને બાઝી પડી હતી.

અજવાળીને વેળાસર શાતા વળી આવી. હવે તો મેં બધી વાત કબૂલ કરી નાખી છે એટલે છોટા સા’બ મને છોડી જ મૂકશે, એવો દિલાસો એણે સરસ્વતીની પ્રસ્તાવનાને આધારે મેળવી લીધો.

“હવે તો મને ઈ માફી આપશે, નહીં બોન ?” એણે બાળક જેવી આસ્થા અને અજ્ઞાનતા બતાવી. એના ઉપર વેર વાળવાનો ઘાતકી આનંદ ઘડીભર સરસ્વતીને પ્રિય બની ગયો. એણે ઠંડોગાર કટાક્ષભર્યો જવાબ દીધો : “હા રે હા. હવે શું બાકી છે ?”

“આંહીંથી છૂટીને તો બોન, હું જેમ મારી મા કહેશે ને એમ જ વર્તવાની છું. હવે મારો બાપ મને કાપી નાખેને તોયે હું ક્યાંય ભાગીશ નહીં. અને હવે તો મારી માએ એક ઠેકાણું જોઈ રાખેલ છે ને, એની જોડે હું પરણી લઈશ. ખરુંને, બોન ?”

“હા રે હા !”

વધુ કશું જ બોલ્યા વગર સરસ્વતી ઊઠી. બહાર નીકળતી હતી ત્યારે એની પછવાડે જાણે કોઈ ગીતના સૂર આવતા હતા. અજવાળી તુરંગમાં ઝીણું ઝીણું ગાતી હતી.

બહાર નીકળતાં એણે જેલરની ઓફિસમાં રામભાઈને ઊભેલ જોયો. અજવાળીને મળવા આવેલ રામભાઈ સરસ્વતી અંદર હોવાના ખબર સાંભળી જેલર પાસે જ બેઠેલો.

સરસ્વતીના મોં પર રામભાઈએ બપોરવેળાના અદાલતના ભાવોને સ્થાને મીઠી લાગણી નિહાળી. સાંજ પડી ગઈ હતી. “કાલે સવારે આવીશ.” કહીને રામભાઈ ઊઠ્યા.

સરસ્વતીએ જ રામભાઈને સામે ચાલીને કહ્યું : “કેમ, આ તરફ ચાલવું છે ને ?”

“ભલે !” કહીને રામભાઈ બંગલા તરફ સાથે ચાલ્યો.

રસ્તામાં સરસ્વતીએ કહ્યું : “રામભાઈ, અજવાળીના જીવનનો દાટ વાળવાનો વહેમ મેં તમારા પર આણ્યો હતો. હું દોરવાઈ ગઈ હતી. મને સત્ય જડ્યું છે.”

“કોની પાસેથી ?”

“અજવાળી પાસેથી જ.”

“એણે તમને દિલ આપ્યું !”

“અથ-ઇતિ બધી જ વાત કહી, બાળક જન્મ્યાની, બાળકની હત્યાની, ગોઝારે કોઠે મૂકી આવ્યાની, બધી જ વાત સાચી.”

“ઇરાદાપૂર્વક માર્યું ?”

“પહેલો ઇરાદો તો પતાવી જ દેવાનો હતો. પછી બાળક જન્મ્યું ત્યારે લાગણી

૧૪૪