બદલાઈ ગઈ. ચાહે તે થાય પણ બાળકને ઉછેરવાનો નિશ્ચય કર્યો; પણ એના ઘાતકી
બાપની બીકે, થોડી વાર બાળકને ચૂપ રાખવા જતાં ગૂંગળાવી નાખ્યું.”
“તો બીજું કાંઈ નહીં, કોર્ટની દયા યાચી શકાશે.”
“હું ત્યાં જ હઈશ, ને કોર્ટમાં બોલાવશો ત્યારે હાજર રહીશ.”
“બાપુજી આવવા દેશે ?”
“શા માટે નહીં ?”
“આવા ગુનાઓ પ્રત્યે એમનું વલણ કડક હોય છે.”
“કોર્ટમાં એ ગમે તેવા હો, મારી આડે નહીં આવે.”
“ને શિવરાજભાઈ પસંદ કરશે ?”
રામભાઈથી સહેજ હસી જવાયું. પણ સરસ્વતીના ચહેરા પર ત્રાસની રેખાઓ, પાંચ-દશ કાનખજૂરા જેવી, સળવળી ઊઠી ભાળીને એ તો દંગ જ થઈ ગયો. સરસ્વતીએ જવાબ આપ્યો : “મારા ઉપર કોઈનો અધિકાર પહોંચતો નથી. ને હું તમને બીજી એક વાત પૂછું, રામભાઈ તમને એમ લાગે છે ખરું, કે આવી સ્થિતિમાં સ્ત્રીને ફસાવનાર હરામી પુરુષનું નામ કોર્ટમાં પ્રગટ કરીએ તો કંઈ વધુ દયા મળી શકે ?”
“હું નથી માનતો.”
“પણ કોઈ સારા માણસમાં ખપતો એ દંભી પુરુષ હોય તો ?”
“તો કદાચ એવા માણસનું નામ અદાલત માને નહીં, ઊલટાનું અવળું પડે, સ્ત્રી કોઈને બનાવટી રીતે બદનામ કરવા માગે છે એવું વલણ લેવાઈ જતાં વાર ન લાગે.”
રામભાઈ સરસ્વતીની મુખરેખાઓ વાંચવા મળ્યો. એ મુખની કરચલીઓમાં સાપોલિયાં સળવળતાં હતાં. સરસ્વતીના દિલને કયો પ્રકોપ ઉકળાવી રહ્યો હતો ? કયો પુરુષ છટકતો હતો?
“ત્યારે તો એ નરાધમ નિર્ભય જ રહેશે, એમ ને ? એ શું કાયદો ?” બોલતાં બોલતાં એના હોઠમાં ધ્રુજારી ચાલી હતી.
ફાટક આવ્યું. સરસ્વતીએ રામભાઈને નમન કર્યા, ફરીથી માફી માગી. “હવે તો રાજકોટમાં મળીશ,” એમ કહીને એ ગઈ.
અંદર પિતા પાસે શિવરાજ બેઠો હતો. સરસ્વતીએ પિતાના છેલ્લા બોલ પકડ્યા : “ખેલ બગાડી માર્યો રામભાઈએ. ખેર ! હવે તમે શું કરો ? તમારી ફરજ બજાવી લીધી.”
એ શબ્દોએ સરસ્વતીનાં રૂંવાંમાં છમ છમ ડામ દીધા. એ સીધી પોતાના ઓરડામાં પેસી ખીંટીએ લટકતાં કપડાં સૂટકેસમાં ફગાવવા લાગી. શિવરાજ થોડી વારે અંદર આવ્યો.
“તમારી ફરજ પૂરી થઈ ગઈ !” – સરસ્વતીના એ શબ્દો શિવરાજના મોં પર ઉંબરની બહાર જ તમાચાની માફક પડ્યા. એ સ્તબ્ધ બન્યો.
“આંહીંથી ચાલ્યા જશો ? અત્યારે મારે નથી મળવું.”
સરસ્વતીએ જાણ્યું કે શું ? ક્યાંથી જાણું ? કોની પાસેથી પોતે ને બીજી અજવાળી, ત્રીજું તો કોઈ નથી જાણતું ! અજવાળીને મળી હશે ? ક્યારે ? ને અને હોઠના ટેભા શું તૂટી ગયા ?
ના, ના. કાયદાની અજ્ઞાન સરસ્વતી પણ કદાચ એવો ધોખો કરી બેઠી હશે કે મેં અજવાળીને છોડી દેવાની હિંમત કેમ ન કરી ?
“પણ હું શું કરું ? કાયદાએ મારા હાથ બાંધી લીધા છે, સરસ્વતી !”