હસ્તમેળાપ પણ આ પરદેશી પુરબિયા રાજપૂતને કરાવી આપવા બીજું કોઈ તૈયાર નહોતું.
થિયોસોફિસ્ટ ધર્મપ્રચારક શ્રી દીક્ષિતે આવા ટંટાફિસાદી લગ્નમાં હાથ નાખવાની સિફતથી
ના પાડી હતી; કેમ કે એ લગ્નની એક બાજુ બ્રાહ્મણોની લાકડીઓ હતી ને બીજી બાજુ
ગુંડાઓની છૂપી છૂરીઓ હતી. એની વચ્ચે બાંયો ચડાવીને ઊભનાર પુરોહિત એક
ન્યાતબહાર મુકાયેલ આર્યસમાજી બ્રાહ્મણ જ હતો. પોતાના સુખી સમયમાં આર્યસમાજના
ગુરુકુળને માટે દૂરના દરબારી ગામમાં એક નદીને કિનારે દેવનારાયણસિંહે જમીન કાઢી
આપી તેનું કારણ આ હતું. જે માતાનો ઉદ્ધાર ને ઉગાર આર્યસમાજે કર્યો હતો, તેના
પુત્રનું એ ઉદ્ધાર-ધર્મમાં સમર્પણ કરવું દેવનારાયણસિંહને ઉચિત ભાસ્યું હતું. દીકરો બીજી
અનેક માતાઓનો ઉદ્ધારક બને તે જોવાનો પિતાનો છૂપો મૂગો અભિલાષ હતો.
તેને બદલે તો શિવરાજ વકીલાતના પંથે પળવા ચાલ્યો. ભલે ચાલ્યો. દેવનારાયણસિંહે સ્પૃહા ખોઈ હતી.
ત્રણ જ ગાઉ પર ‘કાંપ’ હતું. ‘કાંપ’ એટલે કેમ્પ : પોલિટિકલ એજન્ટની છાવણી. અઠવાડિયે એકાદ વાર પિતાજી ગાડી હાંકીને કાંપમાં આંટો મારી આવતા. હમણાં હમણાં ત્યાં નવા ડેપ્યુટી આવ્યા પછી દેવનારાયણસિંહનું કાંપમાં જવું વધ્યું હતું. અમસ્તા પણ દેવનારાયણસિંહ રોજ સવારે ગામડાં જોવા નીકળી પડતા, ને સાંજે પણ કચેરીમાંથી મોડા આવતા. શિવરાજ નિશાળના સમય બહાર ઘણુંખરું ઘરમાં એકલો જ રહેતો, અથવા કોઈ કોઈ વાર કાંપમાંથી પોતાનો ગુરુકુલવાળો દોસ્ત રામભાઈ છાનોમાનો મળવા આવતો.
રામભાઈને પણ ગુરુકુલમાંથી રજા મળી હતી. એના પિતાએ એને જુદી જ તરેહનો સત્કાર આપ્યો હતો :
“એ અમલદારના છોકરાની ભાઈબંધી ! એ ટારડાના છોકરાની દોસ્તી ! એ ટેંટાંની વાદે તું ખાનદાન કુટુંબનો નબીરો ઊઠીને ભેખડાઈ ગયો ! એ પોતાની વસ્તીને માથે સિતમ ગુજારનાર અમલદારના પુત્રની સાથે આપણને પ્રજાવાદીઓને શો મેળ મળી શકે ? મારું તે નામ બદનામ કર્યું ! તારો બાપ જાહેર જીવનમાં પૂજનીય ગણાય, ગરીબડી પ્રજાનો ‘સેવક મહારાજ’ મનાય; તેના અંગત જીવન પર તેં બટ્ટો બેસાર્યો, તેં ઓલ્યા દેશી રાજના અમલદારના માંડી વાળેલ દીકરાની સંગતે—”
એમ કહેતાં કહેતાં શબ્દ-કોલસે તપતા જતા બોઈલર જેવા એ વકીલ દેવકૃષ્ણે પોતાના દીકરાના ગાલ પર બે તમાચા ખેંચી કાઢ્યા.
દેવકૃષ્ણ વકીલ ‘સેવક મહારાજ’ કહેવાતા, એ એમની વાત સાચી હતી. નદીની રેતમાં એક પણ જાહેર સભાએ એમની ગેરહાજરી વેઠી નહોતી. શહેરની ‘ભૂખી અને શોષિત જનતા’ના પ્રતિનિધિ તરીકે જ એ પોતાની જાતને ઓળખાવીને પછી કોઈપણ પ્રમુખની દરખાસ્તને ટેકો આપવા ઊભા થઈ જતા, ને ભાગ્યજોગે જો પોતે મોડા પડ્યા હોય તો સભા ચાલે તે દરમિયાન સભાના સંચાલક પર દશ જેટલી ચિઠ્ઠીઓ મોકલી મોકલી છેવટે પ્રમુખના આભારની દરખાસ્તને ટેકો આપવાનો હક તો મેળવ્યે જ રહેતા. ને ‘દેશની ભૂખી તેમ જ શોષિત જનતાના પ્રતિનિધિ’ તરીકે જ પોતે બોલી રહેલ છે, એવો દાવો ટેબલ પર હાથ પછાડીને આગળ ધરતા.
એમનું પાટિયું વકીલ તરીકેનું હતું, પણ એમનું કામ નનામી અરજીઓ લખવાનું હતું. એ જમણા ને ડાબા — બેઉ હાથે લખી જાણતા, તેથી અક્ષરો ન ઓળખાય તેવા કરી શકતા. વળી એ જમણી ને ડાબી બેઉ આંખો ફાંગી કરી જાણતા. અસલ એ એક