પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
અપરાધી
 


“કાયદા ! કાયદા ! એ તમારા કાળા કાયદા એક અબળા, દુખિયારી, ફસાઈ, ગયેલી છોકરીને ખાઈ જવા માગે છે, અને, એનું સત્યાનાશ વાળનાર પુરુષને ન્યાયની ખુરસી પર ક્ષેમકુશળ બેસવા દે છે ! એ તમારા કાયદાના કબાટોમાં આગ લાગો ! જ્વાળાઓ ઊઠો — જાઓ !”

જાણી ચૂકી હતી ! શિવરાજના રામ રમી ગયા. એનું મોં ઢળી પડ્યું. પોતાના પ્રેમના અમૃત-પાત્રમાં વિષ-ટીપાં પડી ગયાં !

“સરસ્વતી, મેં શું શું સહ્યું છે, કેટલું ભોગવ્યું છે, તે જો તમે જાણત, તો મને ક્ષમા આપત.”

“ક્ષમા — મારી ક્ષમા માગો છો ? ધિક્કાર છે. જેનું જીવન રોળી નાખ્યું એની ક્ષમા માગવાની તો એક વાર હિંમત કરો ! તમે — તમે શું એમ માનો છો કે હું તમારા કૃત્યની ક્ષમા કરું ? એવી તો હજાર ભૂલોને હું ભૂલી જઈ શકત. મારી પણ થઈ હતી, ને મેં એ ભૂલ તમારે ખોળે નાખી હતી. હું તમારા જીવનમાં ચોર બનીને, દગાબાજ બનીને પેસી જવા નહોતી માંગતી. ચોર-લૂંટારા તો તમે બન્યા. આવડું મોટું પાપ તમે મારાથી સંઘરીને રાખ્યું. તમે સ્ત્રી જાતના રક્ષક જગતની બહેનોના ધર્મભાઈ — અબળાઓની લડાઈઓ લડનાર એવાને હું મારા કરી શકી હતી. લોકો એમાં મારું મહાભાગ્ય સમજતા. હું દુનિયા પર ગર્વિષ્ઠ છાતીએ ચાલતી હતી. મને તમે છેતરી. મારી દેવમૂર્તિને તમે ભાંગી નાખી. એ મૂર્તિના પોલાણમાં તમે મારે માટે સર્પો સંઘર્યા હતા. અને હવે મને બધું જ સમજાઈ ગયું. તમારે એ છોકરીનું કાસળ કાઢવું હતું. એ માટે તમે માંદગીનો ઢોંગ કર્યો હતો. તમે એને તમારા મદદનીશ મેજિસ્ટ્રેટના હાથે જ પતાવી દેવા માગતા હતા. તમે — તમે — તમે —”

“સરસ્વતી ! જરી મારું તો સાંભળો !”

“સાંભળી લીધું વધુ નથી સાંભળવું. હું નાદાન બની. બીજી વાર પણ નાદાન બની. મેં પુરુષ પુરુષ વચ્ચે ભેદ કલ્પવાની ભ્રમણા સેવી. હવે થયું, પતી ગયું. મારી આંખો ઊઘડી ગઈ. હવે તમે પધારો.”

“જતાં પૂર્વે ફરી નથી મળવાનાં એમ સમજીને પણ માફી યાચું છું.”

“એવી માફી માગનાર માણસ નામર્દ હશે. પોતાના પાખંડનો ભોગ બનનારી છોકરી જ્યાં સુધી તમારા ઇન્સાફના અજગર-મુખમાં છે ત્યાં સુધી એવી માફી માગવા કરતાં ખરો પુરુષ મરી જવું જ પસંદ કરે. આટલી છેતરપિંડી ઉપર એવી નામર્દાઈનું શિખર ન ચડાવો. પધારો !”

“જતાં જતાં કહી લઉં ? — મેં તમને એકનિષ્ઠાથી ચાહ્યાં છે. ને મરતાં સુધી ચાહતો રહીશ.”

“તમારું મોં ન ગંધાવો. કેવીક ચાહી છે તેની તમે પરિપૂર્ણ સાબિતી આપી દીધી છે. આજે તો મને ઈર્ષા આવે છે એ કેદમાં પડેલી ગંધારી છોકરીની — એનું સ્થાન મને કાં ન મળ્યું ! તમારો એટલો પ્રેમ પામવા માટે પણ મારું સર્વસ્વ તમને આપી દેત. મારી લાજ-આબરૂ પણ ઓળઘોળ કરી દેત. પણ મને તો તમે સૂતી વેચી.”

“સરસ્વતી !”

“જવા દો મને. હું ક્યાંક ગાંડી થઈ જઈશ. તમને હું ધિક્કારું છું. મારું અંતર તમે ફોડી નાખ્યું છે. તમને મેં વીર માનેલા — તમે તો નામર્દ નીકળ્યા !”