પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મર્દાઈસે કામ લેના !
૧૪૭
 

“સરસ્વતી !”

“દંભી ! હજુ — હજુયે જીભ પર સરસ્વતી… ઓહ ! મા ! આઈ ! આઈ ! આઈ !”

દક્ષિણીની છોકરીના અંતરમાંથી મૂએલી માતાનું સંબોધન કારમી પીડાએ છેક પાતાળમાંથી બહાર ખેંચી આણ્યું. એણે ભડભડ અવાજે બારણાં ભીડી દીધાં. ને એ નીચે પટકાઈ તેનો અવાજ બહાર ઊભેલા શિવરાજે સાંભળ્યો.

એ પાછો વળી ગયો — જાણે કદાચ સરસ્વતી પસ્તાઈ મને પાછો બોલાવશે. મોટર સુધી એ ધીરે પગલે ચાલ્યો — જાણે હમણાં બારણું ઊઘડશે ને ‘પાછા આવો’નો ટહુકાર પડશે. મોટરનું એન્જિન ગર્જના કરવા લાગ્યું. બારણું કે બારી ઊઘડ્યાં નહીં. ચક્ર ફેરવતાં પહેલાં પોતે કપાળ લૂછ્યું. કોઈએ ન કહ્યું કે, ‘પાછા વળો.’ મોટર આંચકા લેતી લેતી ચાલી. બેચાર બોલ એના માથાનાં ફાડિયાં કરતા હતા. ‘મેં તમને વીર માનેલા — તમે નામર્દ નીકળ્યા.’ ‘એ છોકરી જ્યાં સુધી જેલમાં પુરાઈ છે ત્યાં સુધી માફી ન મળે.’ ‘કાયદો – કાયદો — આગ લાગો એ કાયદાને – જે કાયદો અજ્ઞાન, ફસાઈ ગયેલી, એક છોકરીને ખૂની ઠરાવી જીવતી દાટે છે અને ફસાવનાર નરાધમને ન્યાયની ખુરશી પર ક્ષેમકુશળ બેસવા આપે છે.’

રાત પડી. સરસ્વતીનો મોકલ્યો કોઈ માણસ તેડવા આવશે એ વાટ જોતાં જોતાં કલાક પછી કલાક ગયા. કેમ્પનું ટાવર કોઈ વીતરાગી જોગી જેવું ઊભું ઊભું પોતાના કલેજાના ઘડિયાળ-કાંટા નિર્મમ ભાવે ફેરવ્યે જતું હતું. આખરે અધરાત ઓળંગીને ટાવરે ઝાલર પર એક ટકોરો પાડ્યો. સરસ્વતીને લઈને રાતની મિક્સ્ડ ગાડી રાજકોટ ભણી રવાના થઈ.


૩૫. મર્દાઈસે કામ લેના !

સુજાનગઢનું મકાન ખાલી કરીને શિવરાજનો બધો સામાન કેમ્પના બંગલામાં ગોઠવાઈ ગયો હતો. બંગલામાં ફક્ત બે જ જણા રહેતા : એક પોતે અને બીજા બુઢ્‌ઢા ચાઊસ. ત્રીજું કોઈ કદી પ્રવેશ કરવાનું નહોતું. છતાં છોટે સા’બની શાદી નજીક માનનારો એ આરબ આખો દિવસ શિવરાજની ગેરહાજરીમાં પટાવાળાઓ પાસે મકાનની સાફસૂફી અને સજાવટ કરાવ્યા જ કરતો હતો. પટાવાળાઓને એ કહેતો હતો :

“લડકા બેચારા ઈત્તા થા તબ—” એમ બોલીને પટાવાળાઓને એ લીંબુડીનો તાજો ફૂટેલો રોપ દેખાડતો હતો, “બાબાને હમ દોનોંકો બોલ દિયા થા કિ ચાઊસ, માલુજી, લડકાકી શાદી કરકે અપન તિનું બૂઢે ચલે જાયેંગે હજ કરનેકો. ચાઊસ, તુમ હમકો અપને વતનમેં લે જાના. મૈને કહા થા, હાં સા’બ. ક્યોં નહીં ! પર બાબા ભી ગયા, માલુજી ભી રવાના હો ગયા. અબ લડકાકી શાદી મૈં ન કરું તો કૌન કરેગા ? લડકા બેચારા ! બદન ખાલી બઢ ગયા, લેકિન મું તો અદલ વો હી ! મા જબ મર ગઈ ના, તબ જૈસા થા વૈસા હી ચહેરા ! ઠીક વૈસા હી ! છોટા સા’બ હુવા, બડા સા’બ ભી હોને દો ના ! ચહેરા તો બસ વો હી જ રહેગા. માને દૂધ પિલાયા થા ઉસી વખ્તકા ચહેરા ! ઔર દેખો તો સહી, ક્યા કરામત હે અલ્લામિયાંકી ! મા જબ આઈ તબ જવાન થી, મર ગઈ તબ ભી પૂરી જવાનીમેં લેકિન મૈને તો ઠીક આંખોંસે દેખા હૈ, કિ હમ