પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મર્દાઇસે કામ લેના !
૧૪૯
 


ગયો : “હાં સા’બ, મર્દાઈસે કામ લેના, હાં બેટા !”

શિવરાજને પોતાના પર જ ઘૃણા આવી. આપઘાતનો માર્ગ નામર્દનો માર્ગ હતો, છટકી જવાની નાઠાબારી હતી. સાચી વાત, પોતાને જીવતી બદનામીની બીક લાગી હતી. પોતે ખતમ થઈ જાય, પાછળથી તો જે થવાનું હોય તે થાય; કોણે ખાતરી આપી કે અજવાળીને એનો લાભ મળશે !

મારે મરીને મારું કાળું મોઢું નથી છુપાવવું. મારે મારા છુટકારાની આશા — અરે ઝાંખામાં ઝાંખી અભિલાષ-રેખા પણ — ભૂંસી નાખવાની છે. મારા જીવનનું અવશેષકાર્ય આ એક જ છે કે મારે આ જીવનમાં પેસી ગયેલી નામર્દાઈ બહાર ખેંચી નાખવી. મારે ઉઘાડા પડી જવું, લોકોના થૂથૂકાર મસ્તક પર ઝીલવા. પછી એક દિવસ સરસ્વતીની જીભ શું નહીં બોલે, કે શિવરાજ, તું હવે નામર્દ નથી, તું હવે નિષ્કપટ બની ગયો ! આટલું જ જો એક વાર એની એકની જીભ પર ચડી જાયને, તો હું નિહાલ થઈ જઈશ. તો મારી તમામ સંસારી કંગાલિયત અને બદનામી વચ્ચે પણ હું ઇન્દ્ર જેવો બનીશ. બીજું કશું બાકી નથી રહ્યું. સરસ્વતીનો હાથ તો આજે વિચારવાની વાત પણ નથી રહ્યો. ફક્ત એની જીભ પરનો પેલો બોલ — ‘નામર્દ છો તું’ — એ બોલ જવો જોઈએ.

એ હું કેવી રીતે કરીશ ? કયે માર્ગે ? ચાલતી અદાલતે જજને જઈ કહું, કે અજવાળીના આ ગુનાનો મૂળ અપરાધી હું છું ? હા, સાચે જ, ભર અદાલતમાં સૌ સ્તબ્ધ બની રહેશે. મારા એકરારની ભવ્ય અસર પડશે. મારી નૈતિક હિંમત પર લોકો મુગ્ધ બનશે.

પણ અજવાળીનો ગુનો એથી શી રીતે મટશે ? એનું કર્મ કેવી રીતે કોર્ટને હળવું લાગશે ? પેલો ‘હેગિંગ જજ’, વિલાયતની જૂની રસમોનો પ્રેમી, એ ગોરો મને હસી કાઢશે, અજવાળીને કટકેય નહીં છોડે. લોકો મારી હાંસી કરશે કે હું કોઈ નવલકથાનો વીર બનવા આવ્યો છું.

અજવાળી તો કદાચ ઓછી સજા પામે, પણ તેથી આ કાયદાને શી આંચ ? એ કાયદાનો નાશ કોણ કરે ? રાજસત્તાનું ધ્યાન એ કાયદાની કાળાશ પર કેમ કરીને ખેંચાય ? પ્રજાના આત્મભાનને આ કાયદાના અધર્મ પર એકાગ્ર કરીને. પણ એ બધું ક્યારે થાય ? જમાનો વીત્યે. નહીં, નહીં, અજવાળીનું બલિદાન લેનાર આ કાયદા પ્રત્યે રાજસત્તા ચોંકી ઊઠે તેવું કોઈ ત્વરિત પગલું લેવું છે.

કેમ કરીને ? — એ કાયદાનો ભંગ આચરીને.

કોણ ભંગ કરે ? — એ કંપી ઊઠ્યો.

કાયદો કોણ ભાંગે ? — એ પ્રશ્નની સામે ધ્રૂજી ઊઠેલું એનું અંતર આખરે હિંમતમાં આવીને વિચારી ચૂક્યું અજવાળીના વિનાશનું કારણ હું બન્યો છું, અજવાળીના છુટકારાનું કારણ પણ મારે જ બનવું રહે છે.

ફરી પાછી વિચારોની એ સાંકડી ગલીને આધારે એની કલ્પના કંપી ઊઠી. “અરર ! હું ન્યાયાધિકારી ઊઠીને કાયદો ઉથાપું ?”

એને એના સોગંદ સાંભર્યા, અને પિતાનો મુદ્રાલેખ યાદ આવ્યો : એ જ મુદ્રાલેખની સામે જોઈ એણે અદાલતમાં ઇન્સાફ તોળ્યો હતો : જગતમાં ઈન્સાફ સમું પવિત્ર બીજું કોઈ નથી.”

હું અપરાધી બનું ? કાયદાનો રક્ષક કાયદાનો ભંજક બનું ? ન્યાયદાતા તરીકેની મારી ઈજ્જતનું શું ?