પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
અપરાધી
 

બારીમાંથી વાયરો આવ્યો, ને જૂના વિચારે જોર કર્યું : એ ઓરતની જિંદગીને મુકાબલે મારી ન્યાય-ઈજ્જત શા હિસાબની હતી ?

— કશી જ નહીં ! તલભાર નહીં !

અજવાળી નહીં રહી શકે કેદખાનામાં, ન રહેવી જોઈએ. એને નાસી છૂટવા મારે મદદ કરવી જ જોઈએ — કોઈ ન જાણે તેમ. એ કાયદો જુઠ્ઠો છે. માટે એ હું ખતમ કરીશ. એવા કાયદાને ઉથાપવાનો હક છે — નહીં, પવિત્ર ધર્મ છે.

પણ અજવાળીને રાજકોટ તો નથી લઈ ગયા ? એ છલંગ મારીને તારીખિયા પર દોડ્યો.

આજે કયો વાર ! શનિવાર છે. આવતી કાલે રવિવાર છે ને ? અજવાળીને લઈ ચાલશે સોમવારે. કાલે કાલે જ એને નસાડું. પણ નસાડીશ ક્યાં ? જગતના કયા છેડા ઉપર ? એ જ્યાં જશે ત્યાં ઝલાઈ જશે. એને કોણ સંઘરશે ?

૩૬. રામભાઈને ઘેર

શિવરાજની આંખ અજવાળીના કોઈ રક્ષકવીરની શોધમાં ભમી વળી. ને એની મીટ મંડાઈ ગઈ… પોતાના બંધુ અને અજવાળીના વકીલ રામભાઈને માથે. રામભાઈને પોતે નીરખી નીરખીને અદાલતમાં અવલોક્યો હતો. રામભાઈ અજવાળીનો પૈસાવડિયાનો વકીલ તો નહોતો; એક પરોપકારને ખાતર શું એ અજવાળીના રક્ષણની આટલી આગ બતાવતો હતો ? નહીં, રામભાઈની આંખોના ઊંડાણમાં કોઈ પ્રકટ ઊર્મિ હતી. આ પતિતા અજવાળી પર રામભાઈના હૃદયનું કોઈ દ્વાર પોતાની લાગણીનો પ્રકાશ વરસાવી રહ્યું હતું. ને વાતો પણ ચણભણ ચાલી હતી : “આ છોકરીને છોડાવીને શું તારે એને પરણવી છે ?” — એવા પોતાના બાપના ટોણાંનો રામભાઈએ જવાબ વાળેલો કે, “તો શું થઈ ગયું ? બ્રાહ્મણ જ્ઞાતિનાં હાંડલાં ઊંધાં નહીં વળી જાય !”

રામભાઈ — મારો મિત્ર રામભાઈ જો અજવાળીને ચાહતો હોય તો એ પોતાની કુરબાની કરે તેવો છે : સાહસશૂર છે : એ અજવાળીને લઈ ચાલ્યો જાય — પોંડિચેરી, રંગૂન, દીવ, અને જરૂર પડે તો કોઈપણ ઠેકાણેથી પાસપોર્ટ મેળવીને પરમુલકમાં. હું — હું મારા તમામ પૈસા એને આપી છૂટીશ.

રાત પડી. શિવરાજ કાળો ડગલો ચડાવીને ચંપલભેર રામભાઈને ઘેર ગયો. રામભાઈના દીવાનખાનાનું બારણું બરોબર રસ્તા પર પડતું હતું. બારીમાંથી શિવરાજે રામભાઈને નિહાળ્યો : આરામખુરશી પર એ સૂનમૂન પડ્યો હતો. હજુ એણે ક્યાંક બહારથી આવીને કપડાં પણ ઉતાર્યા નહોતાં, એના વાળ અસ્તવ્યસ્ત પડ્યા હતા. એ ક્યાં જઈને આવ્યો હશે ? સ્ટેશને જઈને તો નહીં ? સ્ટેશને કોઈને વિદાય દેવા ? હા, હા, કદાચ — એને – સરસ્વતીને જ. સરસ્વતીએ એને કહ્યું પણ હશે કદાચ !

બારણું ખખડાવવા સાંકળ હાથમાં ઝાલતાં એ ખચકાયો. સરસ્વતી પાસે એણે સાંભળ્યું હશે તો ?

ત્યાં તો અંદર કશીક કાચની ચીજના કટકા થયા સંભળાયા ને સાથોસાથ શબ્દો સંભળાયા : “લે ! લે પાપી !”