એ શું પટક્યું એણે ? છબી હશે કોઈકની ? મારી તો નહીં ? હિંમત કરીને એણે
ટકોરો માર્યો.
“કોણ ? અત્યારે નહીં, સવારે આવજો !” રામભાઈ કોઈને મળવાના મિજાજમાં નહોતો.
ફરીથી ટકોરા પડ્યા. જવાબ મળ્યો : “કોણ છે ભાઈ ? કહ્યું નહીં, જે હોય તે સવારે આવજો.”
“ખોલો, રામભાઈ !” શિવરાજે કોઈ શરણાગતનો સાદ સંભળાવ્યો.
અવાજ તો એકદમ ન પરખાયો – ડેપ્યુટીસાહેબ શિવરાજ અંધારી રાતે પોતાનું ઘર ભભડાવવા નીકળે એવી એને કલ્પના પણ ન આવી. પણ એ સાદ એવો તો નહોતો જ કે જેની સામે પેલો નિષ્પ્રાણ પ્રત્યુત્તર ફરીથી ફેંકી શકાય.
બારણું ઊઘડ્યું. બેઉ સામસામા થંભી રહ્યા. બાલ્યકાળના બે બંધવા, પણ આજના નહીં; બે કોઈ પરદેશીઓ : નહીં, ફક્ત અજાણ્યા પરદેશીઓ જ નહીં; પણ એકને મન પોતાનું આશ્રયસ્થાન અને બીજાને મન એક સાક્ષાત્ શયતાન. સ્ટેશનથી હમણાં જ સરસ્વતીનું રુદન સાંભળીને જ રામભાઈ આવ્યો હતો. અને શિવરાજે જોયું — એક તસવીરના ટુકડા વેરણછેરણ પડયા હતા.
“એ ટુકડા આપની જ છબીના છે.” રામભાઈએ આંગળીથી ચીંધાડીને કહ્યું.
શિવરાજ કાંઈ બોલ્યો નહીં.
“કેમ આવવું થયું છે ?” રામભાઈએ અક્કડ પ્રશ્ન પૂછ્યો.
“મારે વાત કરવી છે.”
“મારે નથી સાંભળવી.”
બોલ્યા વગર શિવરાજ અંદર ચાલ્યો.
“ન આવો, કહું છું.” રામભાઈની આંખ બદલાઈ.
તોયે શિવરાજ અંદર ઘૂસ્યો ને એક ખુરશી પર બેઠો. રામભાઈએ બારણું બંધ કર્યું ને શિવરાજની સન્મુખ એની ટટ્ટાર આકૃતિ ખડી થઈ. શિવરાજે ઊંચે જોયું, એટલે રામભાઈએ એના ગાલ પર એક જોરાવર તમાચો ચોડી દીધો. ખુરશી પરથી નીચે પટકાઈ પડેલો શિવરાજ સામનો કરવાનો સમય મેળવે તે પૂર્વે રામભાઈ ટટ્ટાર થઈ જઈ ઊભો રહ્યો. પણ શિવરાજે ઊઠતાં ઊઠતાં ફક્ત દીન સ્વરે એટલું જ ઉચ્ચાર્યું કે, “બરાબર છે. હું એને જ લાયક છું, રામભાઈ ! હું હિચકારો એ જ લાગનો છું.”
ઉપરાછાપરી અડબોતો અને ગડદાપાટુ મારી મારીને પોતાની દાઝ ઉતારવાના મનસૂબામાં ચકચૂર બનેલો રામભાઈ ભોંઠો પડી ગયો. ધારે તો પોતાનો બચાવ કરી શકે તેવા પડછંદકાય શિવરાજના ચહેરા પર દીનતા હતી, ને મોંમાં પોતાના જ હિચકારાપણાનો એકરાર હતો !
બારેક વર્ષો પૂર્વેનો એક દિવસ રામભાઈને યાદ આવ્યો. બાર વર્ષો પર શિવરાજના દેહ પર આવો માર કોણે મારેલો ? ને એનું આવું જ મોં ક્યાં જોયેલું ? ગુરુકુળમાં. આચાર્યદેવે મારેલો, તમામ વિદ્યાર્થીઓની વચ્ચે. સ્મૃતિનું બીજું દ્વાર વળતી જ પળે ઊઘડી ગયું : આ માર શિવરાજે કોને માટે, કોને માટે ખાધેલો ? મારા માટે. ગુનો મારો હતો.
બધું યાદ આવી ગયું. રામભાઈના હૃદયમાં રુદન ભરાયું. એણે શિવરાજ સામે તાકી રહી આંસુ મોકળાં મેલ્યાં. એનો રુદન-સ્વર રૂંધ્યો રહ્યો નહીં.