પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
અપરાધી
 


“હા. જ્યાં મારી મા હોય ત્યાં.”

“તમને કોની સાથે મોકલું તો તમારી પૂરી રક્ષા થાય ?”

અજવાળીની આંખો કોણ જાણે કેમ પણ આ પ્રશ્નના જવાબ માગતી. રામભાઈ તરફ વળી ગઈ.

“રામભાઈ ? રામભાઈ તમને લઈ જાય ? રામભાઈ ઉપર વિશ્વાસ રાખજો, હો ! બધા જ પુરુષો સરખા પાજી નથી હોતા.” શિવરાજ સમજતો હતો કે પોતે ક્ષમાયાચના કરી રહેલ છે, પણ અજવાળીને ભાગી જવાનું મન થતું હતું.

“અજવાળીબાઈ, તમારો હાથ હું રામભાઈને સોપું છું. તમારે આંહીં તમારા બાપથી બચવા માટે છાના વેશે નીકળી જવું પડશે, ઊભાં રહો.”

શિવરાજ ઊઠીને બીજા ખંડમાં ગયો. એક કબાટ ખોલ્યો. બાવીસ વર્ષ પર મરી ગયેલ માતાનાં અકબંધ કોરાં કપડાં, રાજપૂત ઢબનો ઘેરદાર લેબાસ અને ઘરાણાં બહાર કાઢ્યાં. બહાર લઈ આવીને અજવાળી સામે ધર્યા : “લ્યો, આ વીરપસલીની ભેટ. જાઓ, આ સામેના ખંડમાં જઈને નિરાંતે પહેરી લો. આ ઘરેણાં પણ તમારે પહેરી જ લેવાનાં છે. તમારે પૂરેપૂરો છૂપો વેશ ધારણ કરવાનો છે. ડરશો નહીં; આ વખતે વિશ્વાસઘાતની બીક રાખશો નહીં.”

બોલતે બોલતે શિવરાજ ખોંખારા મારવા પ્રયત્ન કરતો હતો.

શિવરાજના બોલમાં અજવાળીને ઇતબાર હતો : “સરસ્વતીબોને સાચું કહ્યું હતું : સા’બ બહુ ભલા છે, બહુ દયાળુ છે.” એણે જઈને ઝટ ઝટ કપડાં સજ્યાં. શિવરાજે શાંતિથી જઈને ઓરડાના ઉંબર પર જ તેલકચોળું અને કાંસકી પણ મૂકી દીધાં.

સાંજ પડી ગઈ ત્યારે શિવરાજ તૈયાર થઈને બહાર જવા નીચે ઊતર્યો. એણે પહેરેગીરોને જોઈને તાજુબી બતાવી પૂછ્યું : “કાયકો અભી યહાં બેઠે હય યે લોગ ?”

“સા’બ, તહોમતદારન…”

“ક્યોં ઉસકો નહીં લે ગયે હો અબ તક ?”

“સા’બ, આપકે પાસ…”

“નહીં, આધા ઘંટા હો ગયા, હમને ઉસકો રજા દિયા હૈ.”

પહેરેગીરો સજ્જડ બની ગયા : શું કરવું ? ક્યાં જવું ?

“ઉસકા બાપકા ઘર પર દેખો, કૂવા-તલાવ દેખો, જાવ, દૌડો.” શિવરાજે સત્તાવાહી ત્રાડ મારી : “સબ દેખો !”

સાંભળીને પોલીસ દોડ્યા. એકે જઈ જેલ પર જાણ કરી. ભયના ડંકા બજવા લાગ્યા. પટાવાળાઓને પણ શિવરાજે દોડવા કહ્યું.

દોડાદોડ થઈ રહી ત્યારે પોતે આરામથી મોટર બહાર કાઢી. અંધારામાં અજવાળીને પાછળ બેસારી, વચ્ચેના એક નિર્જન સ્થાન પરથી વેશબદલો કરી ચૂકેલા રામભાઈને લઈ લીધો. સાદાં ખાદીનાં ધોતી ને કુડતાને બદલે તેણે સુરવાળ વગેરે ગરાસિયાશાઈ પોશાક પહેરી લીધેલ હતો.

જેલમાં, પોલીસ ગાર્ડમાં, લાઈનમાં, ગામમાં, સર્વત્ર હાકાલાકા થઈ રહ્યા કે અંજુડી ભાગી અને સાબ પોતે એની ગોતમાં મોટર દોડાવી ગયા છે ! સાહેબ જે સડકે ગયા હોવાની ભાળ મળી તેથી જુદી જ દિશાઓ પોલીસ-ફોજદારે સાહી. એવા ચારપાંચ કલાકના ગાળામાં એક આઘે આઘેના અતિ ધમાલભર્યાં જંક્શન પર શિવરાજે બેઉને ઉતારી નાખ્યાં.