પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
અપરાધી
 

ગામડામાં શિક્ષક હતા, ને ત્યાં ફીના પૈસાની ખાયકી બાબતમાં સંડોવાયા હતા. રાતોરાત ત્યાંથી નાસીને એકાદ વર્ષ અલોપ પણ થયા હતા. પછી કાંપમાં આવીને વકીલાતનું પાટિયું લગાવ્યું હતું. ‘પીડિતોનું પૈસાફંડ’ નામે એક ખાતું પોતે ચલાવતા, ને એ ખાતાના પ્રમુખ તરીકે કેમ્પના એક ‘રિટાયર’ થયેલા થાણદારને પોતે સાધી શક્યા હતા. એનામાં આવડત એ હતી કે ‘પીડિત-પૈસાફંડ’નો અહેવાલ, હિસાબ વગેરે રીતસર ‘ઓડિટ’ કરાવીને એ પ્રતિ-વર્ષ છાપાંને નિયમિત પહોંચાડી શકતા. છાપાંએ એ અહેવાલની નોંધ લીધી હતી તે પોતે સગર્વ તમામને દેખાડતા, ને કહેતા કે, “જુઓ કાંગ્રેસના હિસાબના ભવાડા, ને જુઓ આ ‘પીડિત-પૈસાફંડ’ની પ્રામાણિકતા !”

પુત્રને માર મારતા મારતા પણ પાછા દેવકૃષ્ણ બોલવા લાગ્યા કે, “એ હરામજાદો અમલદારનો છોકરો —”

ત્યારે રામભાઈથી ન રહી શકાયું. એણે પિતાના હાથને મૂઠીમાં સજ્જડ ઝાલી લઈ કહ્યું : “શું બક બક કરો છો ? શિવરાજનો વાંક નહોતો; અપરાધી તો હું જ હતો…”

એમ કહીને બાપનું કાંડું મરડતો મરડતો એ રહી ગયો. બાપ તરત સમજી ગયો કે પુત્રને સોળ વર્ષની પ્રાપ્તિ થઈ ચૂકી છે, અર્થાત્ જૂની સંસ્કૃત કહેવત પ્રમાણે પુત્રને મિત્ર દરજ્જે ગણવાનું ટાણું આવી પહોંચ્યું છે !

ટાઢા પડીને બાપે કહ્યું : “તારો અપરાધ થયો છે એમ તારે કબૂલ કરવાની કશી જરૂર હતી ? એટલો સિદ્ધ ને સત્યવક્તા થવાનું તને કહે છે કોણ ? અક્કલનાં તો ઢોકળાં જ બાફી નાખ્યાં, ઢોકળાં !”

એમ કહીને દેવકૃષ્ણ એક સભામાં હાજરી આપવા ચાલ્યા ગયા.

એનો પુત્ર રામભાઈ કાંપની હાઈસ્કૂલમાં ભણવા બેઠો.

૪. ધૃષ્ટ છોકરી !

ક સાંજરે ફૂટબોલ રમીને શિવરાજ ઘર તરફ વળતો હતો. રાજના વરિષ્ઠ અધિકારીના પુત્ર કરતાં ચપળ ખેલાડી તરીકે એ વિદ્યાર્થીઓનો વધુ લાડીલો બન્યો હતો. રમીને પાછા વળતાં બીજા તમામ સાથીઓ એક પછી એક એને છોડી ગયા. બોર-તળાવડીનો કાદવ ખૂંદીને અને સંધ્યાની ગોધૂલિમાં નાહીને એનો દેખાવ સાયંકાળે ભમવા નીકળેલા ભૂત સરીખો બન્યો હતો. ઘરની વાડીને પાછલે છીંડેથી એ પ્રવેશ કરતો હતો. જાળાં ને ઝાંખરાં એને મોંએ-માથે વીંટાતાં હતાં. ગુરુકુલના બોડકા માથા પર હવે તો લાંબા વાળ ઊગ્યા હતા. એ વાળ કોઈ પ્રમાદી જમીનદારના બોરડીભર્યા ખેતરની યાદ આપતા હતા.

તે વખતે એ હેબતાયો. એણે પિતાના મકાનની પાછલી પરસાળ પર એક છોકરીને ઊભેલી જોઈ. એ છોકરી હતી છતાં એણે લેબાસ છોકરાનો ધારણ કર્યો હતો. એણે સફેદ લાંબો પાયજામો અને તે પર કોકટી રંગનું અડધી બાંયનું ખમીસ ચડાવ્યું હતું. ખમીસ પર આછો આસમાની કબજો હતો. માથાના મોટા કેશનો ત્રેસર લાંબો ચોટલો આમતેમ ફરકાવતી એ ત્યાં દોરી પર કૂદતી હતી — જાણે કે કુદરતે એના દેહ-સંચાને કોઈ અણદીઠ ચાવી ચડાવી હતી.