પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૮. વસિયતનામું

ઘેરે ચાઊસ જાગતો હતો. મોટરમાંથી ઊતરતા શિવરાજને શરીરે પ્રેમાળ પંજો મૂકવાની ચાઊસે કેટલે વર્ષે હિંમત કરી ! ‘સાહેબ’ બન્યા પછી શિવરાજ સાથે છૂટ ન લેતા ચાઊસથી આજે ન રહેવાયું. શિવરાજના કાને ચાઊસના કલેજાના ધડધડાટો સંભળયા ને શબ્દો પડ્યા : “માલિક મેરા ! બચ્ચા ! તુમ સલામત થે, માલુમ થા મુઝે. બાબા આયે થે – કહેતે થે – બચ્ચાકી ફિકર મત કરો, ચાઊસ !”

“ચાઊસચચા !” શિવરાજે પૂછ્યું, “તહોમતદારણનું શું થયું ?”

“પુલીસ કૂવેમેં બિલ્લિયાં ડાલતી થી સારી રાત ! ફોજદાર અભી તક યહાં થે. અભી આયેગા.”

મોટરની ગર્જના સાંભળીને ફોજદાર અને પોલીસો બંગલે આવ્યા. તેમના હાથમાં પેટ્રોમેક્સ બત્તીઓ અને ધુમાડી ગયેલાં પંદરવીસ લાલટેન હતાં. લાંબાં દોરડાં તેઓ પોતાના પછવાડે ઢસડ્યે આવતા હતા. લોઢાની મીંદડીઓ એમના હાથમાં ખખડતી હતી.

“કૂવેકૂવા ડખોળી જોયા, સાહેબ, પણ કેદીનો પત્તો નથી.”

“સાંજથી અત્યાર સુધીમાં કોઈ ટ્રેન ગઈ ?” શિવરાજે પૂછ્યું.

“હા સાહેબ, બે મિક્સ્ડ ગાડીઓ ગઈ. બેઉમાં માણસો જોઈ કાઢ્યા. પત્તો નથી મળ્યો.”

“એની મા પાસે તપાસ કરાવી ?”

“હા સા’બ. ત્યાં તો કાલ સવારથી એની માએ ડાકલાં બેસાર્યાં છે. માણસો આખો દિવસ ત્યાં ટોળે વળીને બેઠા રહ્યા છે. ઇવડી ઇ ડોશી તો ખાટલે સૂતેલી છે. કોઈ કરતાં કોઈ ત્યાં ફરક્યું નથી.” કાંથડ હવાલદારે હાંફતાં હાંફતાં કહ્યું.

“ફોજદાર.” શિવરાજે કહ્યું, “સવારે આવો. દરમિયાન રાતમાં વિશેષ કૂવાઓ તપાસો, ધર્મશાળાઓ જોઈ કાઢો.”

“સાહેબ,” ફોજદારે એકાંત માગી, “અંદર આવું ?”

“આવો.”

ફોજદારે કહ્યું : “વકીલ રામભાઈનો પણ પત્તો નથી. મને શક છે કે બાઈને આપના બંગલાને પાછલે બારણેથી એમણે ભગાડી.”

“રેલગાડીઓમાં તો તમે જોયું હતું ને ?”

“રેલરસ્તો નયે લીધો હોય.”

“કોઈ ટેક્સી ગામમાંથી ગેરહાજર છે ?”

“એકેય નહીં.”

“તો પછી ?”

“અહીંથી બે ગાઉ દૂર ભાગી જઈને વિક્રમનગરની ટ્રેન પકડી હોય તો ? ને ત્યાંથી મુંબઈની સ્ટીમર પકડે તો ?”

“સવારે આવો.”

“વોરંટ જોઈશે, સાહેબ !”

“સવારે વિચારીશું.”

૧૫૬