પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વસિયતનામું
૧૫૭
 


એ પાછલી રાતના ત્રણ વાગ્યે મેડી પર ચડી શિવરાજે સૂવાના ઓરડાને અંદરથી સાંકળ મારી એકાંતે જાગરણ માંડ્યું : વિચારની કડીઓ ગોઠવી : વિક્રમનગર ! પેલાં બેઉ ગયાં તેમનાથી તદ્દન ઊંધી જ દિશાનો આખરી છેડો વિક્રમનગર ! એ ઊલટા જ માર્ગે આખી ગંધ ચાલી ગઈ છે. એ તો બચી ગયાં.

ફોજદાર વોરંટ માગવા આવશે. હું એ નિર્દોષો પર વોરંટ કાઢવાની ના કહી દઈશ. હોહા થશે. રાજકોટથી ઉપરી અધિકારી આવશે, હું કબૂલ કરીને કેદખાનું સ્વીકારીશ.

ઊંડી સાગર-ખોપમાં ગડગડતા ખારા પાણીના લોઢની માફક એના વિચારો માથાની બખોલમાં પછડાતા હતા. એને ખાતરી હતી કે આવતી કસોટીમાંથી એ જીવતો બહાર નીકળવાનો નથી. માણસો લાંબી કેદની સજાઓ પૂરી કરીને જીવતા પાછા આવતા હતા, તે તો ફરીથી તેમને સુખના દિવસો સાંપડવાના હતા એ આશાના ટેકે ટેકે. એવી કોઈ આશા એને રહી નહોતી. એટલે મેજ પર બેસીને એણે એક લાંબી મુસાફરીએ ઊપડનારા માનવીની અદાથી વરિષ્ઠ સરકારી ધારાશાસ્ત્રી પર એક કાગળ લખ્યો :

મહાશય, આ કાગળ તમને મળશે ત્યારે તમને એના પ્રયોજનની જાણ થઈ ચૂકી હશે. હું જાણું છું કે આ કાગળ મારા વસિયતનામા જેટલો માન્ય ન બની શકે. પણ ધોરણસરના એવા કોઈ વીલનો મને સમય નથી રહ્યો, એટલે વીનવું છું કે મારી અંતિમ ઈચ્છાઓના ઉચ્ચારણ લેખે એની ગણના કરીને એનો અમલ કરવાનો કોઈ માર્ગ કાઢશો.

પહેલું તો, મારો ચાઊસ જીવે ત્યાં સુધી એનું ગુજરાન મારે પૈસે ચાલ્યા કરે. આજે તો એ એક જ મારી માતા છે, ને મારો પિતા છે.

મારી બીજી ઇચ્છા તહોમતદારણ અજવાળીની માતાને એના ધણીના જુલમાટમાંથી બચી શકે એ પ્રકારનું સાધન પણ મારી ઇસ્કામતમાંથી કરી આપવાની છે.

ત્રીજું જે બે પોલીસ કોન્સ્ટબલો તહોમતદારણને મારા ભરોસે સોંપવાને પરિણામે નોકરી ગુમાવશે તેમની સંભાળ લેજો.

ને છેલ્લું, જો હું જીવતો પાછો ન ફરું તો મારી બાકીની સર્વ ઈસ્કામત શ્રીમતી સરસ્વતીબાઈ પંડિતને પ્રેમપૂર્વક અને ભક્તિભાવપૂર્વક મારા તરફથી સુપરત થાય તેમ હું ઇચ્છું છું.

આટલું બસ છે.

સહી કરી, કાગળનું પરબીડિયું વાળી, સીલ કરી, પોતાની છાતી પરના ગજવામાં મૂક્યો. તે પછી મેજનું એક આખું કાગળભર્યું ખાનું લઈને એ ‘સોફા’ પર ગયો.

પહેલો કાગળ રામભાઈનો હતો “અમે ગયા પછી ફોડજો” એવું કહીને રામભાઈએ આપેલો એ કાગળ; એ એણે પોતાના બાપનું વસિયતનામું એક્ઝિક્યૂટ કરનારાઓ પર લખ્યો હતો : “હું પાછો કાઠિયાવાડમાં કદી પગ ન મૂકવાની ઈચ્છાથી જાઉં છું. ને એટલી જ માત્ર વિનવણી કરું છું, કે જો કદી મારા બાપની ઈસ્કામતનો વારસો મને મળવાનો સમય આવે, તો પાંચ હજાર રૂપિયા મારા પરમ મિત્ર શિવરાજસિંહને આપજો. મેં એમની પાસેથી કટકે કટકે ઉછીની લીધેલી એ રકમ છે.”

એ કાગળ થોડી વાર શિવરાજના હાથમાં કાંપતો રહ્યો, ને પછી ટેબલલેમ્પની સાંકડી ચીમનીને મથાળે સળગીને એ કાગળ ખાખનું ગૂંચળું બન્યો.

બીજા પણ સંખ્યાબંધ કાગળો – દેણદારોની ચિઠ્ઠીઓ : કોઈ પચાસની, સોની, પાંચસોની પણ — એના હાથમાં ઊપડી ઊપડીને ચીમનીની ટોચે ચડી, રામભાઈના