લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
અપરાધી
 


કાગળની પેઠે જ ઝડપી અગ્નિસંસ્કાર પામી.

ખાનાને તળિયેથી નીકળી ચામડાના પૂંઠામાં લપેટાયેલી એક નોટબુક, જેના મથાળે લખ્યું હતું : ‘નર્મદાની નોંધપોથી’.

એને પણ ભસ્મીભૂત કરવાનો નિશ્ચય થઈ ચૂક્યો. પિતાજીના આત્માનું એ સમાધિમંદિર હતું. પરાઈ કોઈ આંખો એના ઉપર ન પડજો !

પરંતુ ખુદ પોતે જ પોથીને પિતાજીની મૃત્યરાત્રિથી આજ પર્યત કદી નિહાળી નહોતી. સળગાવી નાખતાં પહેલાં છેલ્લે એક વાર એ જોઈ લેવાની લાલચ ન રોકી શક્યો. એક પાના પર આંખો પડી. એમાં લખ્યું હતું :

“હવે તો બધું જ પાર ઊતરી ગયું છે, નર્મદા ! તારો દીકરો હવે મારા વિના ચલાવી શકશે. હવે એને પિતાના ટેકણની જરૂર રહી નથી. પેલી બહાદુર છોકરી એની પડખે હશે, એટલે એ પ્રારબ્ધની સીડીનાં પગથિયાં કડકડાટ ચડ્યે જવાનો. એ બંને પરણશે અને આપણા ઘરની નવી કુલીનતાને આગળ ધપાવશે. એ જ મારી વધુમાં વધુ ઉત્કટ વાંચ્છના છે.”

વાંચતાં વાંચતાં હૈયું ધણધણ્યું : આહ ! એ બધી આશાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ ! બત્તી સામે ઘૂંટણભર બનીને એક પછી એક પાનું એ ચરડ ચરડ ફાડતો ગયો, ફાડી ફાડીને ચીમનીના જ્વાળામુખીમાં મૂકવા મંડ્યો. એક પછી એક પાનું બળતું હતું – જાણે સાથોસાથ એ બાળનારો હાથ પોતે પણ સળગી જતો હતો. આંસુ પાડવામાં સદાય ભીરુ ભાગ્યે જ કદી પાંપણો પલાળી હશે એણે, છતાં છેલ્લું પાનું ભસ્મસાત્ થયું તે પૂર્વે એ ભગ્નહૃદયા સ્ત્રીની માફક ધ્રુસકતો હતો.

પછી પોતાની પોકેટ-બુકમાંથી એણે સરસ્વતીના પ્રેમપત્રો બાળવા બહાર કાઢ્યા. આ કાગળોમાંથી ધીરી કોઈ ખુશબો ફોરી ઊઠી, કોઈ ઉષ્માનો જાણે સ્પર્શ થયો, જાણે એની લખનારી સદેહે ત્યાં હાજર હતી. મોટો કાગળ કે નાનકડી એક “આજે બાપુજી ફરવા આવવા કહાવે છે’ એવી નજીવી ચિઠ્ઠી — એના હસ્તાક્ષરની ચપતરી પણ — શિવરાજે સાચવી હતી. પણ છેલ્લા એક પત્ર રાજકોટ ગયા પછી આવેલો તે એના હાથમાં આવ્યો ત્યારે તો આંગળીનાં ટેરવાં ત્રમ ત્રમ થયાં. બત્તી પાસે ધરીને એણે એ પત્ર વાંચ્યો :

“શિવરાજ વહાલા ! જ્યારે હું તારા જીવનની ચોક્કસ ચડતીના માર્ગનો વિચાર કરું છું ને ચિંતવું છું કે હું પણ તારા એ જીવનપંથે તારી જ આશાઓ, આકાંક્ષાઓ ને ઇચ્છાઓની ભાગીદાર બનતી, તારી જોડમાં જ જીવનના સુખસૂર્યની હૂંફ પામતી અને જીવનના વંટોળિયા સોંસરી ચાલતી હોઈશ — ત્યારે તો એ સુખસ્વપ્ન મારાથી સહેવાતું નથી, રડી પડાય છે.”

આ કાગળે મચાવેલી વેદનાની સાગર-ભરતી શમાવી નાખવા એણે ઝટ ઝટ કાગળનો ભડકો કર્યો. આંચ લાગ્યા પછી હાથ પાછો ખેંચી એ અરધા બાળેલા કાગળને પાછો ખીસામાં મૂકવા જતો હતો, પણ એને યાદ આવ્યું કે આ ખીસાની તમામ વસ્તુઓ જોડે એ પણ હમણાં જ પરાયા હાથમાં પડશે. પછી મોં ફેરવી જઈને, પોતાનું કાળજું સળગાવતો હોય એવી વેદના સાથે, એણે એ પત્ર સળગી જવા દીધો.

આતશબાજી પૂરી કરીને એ સોફા પર પડ્યો. સરસ્વતી સાથેની પ્રેમપળો એક પછી એક એની યાદદાસ્તનાં પાંદડાં પર આગિયા જેવી ચમકતી ગઈ. આઘેઆઘેના કોઈ