પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોઈ નહીં ભાગી શકે
૧૫૯
 

ઠાકરમંદિરની ટોકરીઓના જાણે કે વિલાપસ્વરો એના કાનમાં ગુંજી ઊઠ્યા, કેટલી બધી ઘાતકી એ મજા હતી !

એકાએક અંતરમાં નવું બંડ ઊઠ્યું. આવું મહાન આત્મસર્મપણ કરવામાં પોતે સરસ્વતીને પણ જતી કરે છે એવો આત્મગર્વ અનુભવતી વેળા એને ગમ નહોતી પડી કે સરસ્વતીના વિસર્જનનો શો અર્થ છે ! એ વિસર્જનનો અર્થ એ હતો કે સરસ્વતીની પ્રાપ્તિ તો જીવનભર અશક્ય હોવાથી જીવનમાં ફરી કદાપિ કોઈ સ્ત્રીને તો આ સંસારમાં સ્થાન જડવાનું જ નથી.

એ વિચારે એનાં ગાત્રોમાં ભયની ઠંડીગાર કંપારી છૂકી દીધી. પોતે એક પુરુષ હતો. ‘કેદમાંથી જો જીવતો બહાર નીકળીશ તો બાકીની આવરદા હું મારાં સગાંવહાલાં, સ્નેહીઓ, સંબંધીઓવિહોણી એકલતામાં, કોઈ સ્ત્રીસાથી વગર શી રીતે ખેંચી શકીશ ? દુનિયાનું દ્વારેદ્વાર જ્યારે મને જાકારો દેતું હશે ત્યારે હું સહચારિણી વગરનો, સ્ત્રીના ટેકણવિહોણો એકલો મારા ઘરની કબરમાં કેમ કરી શ્વાસો ઘૂંટીશ ? આવી જિંદગી કરતાં તો મોત જ બહેતર નથી ?’

અને બીજો વધુ ભયાનક વિચાર આવ્યો : ‘કેમ નહીં ? માટે સાહેબને એક કાગળ લખી નાખું રામભાઈ નિર્દોષ છે. અપરાધી હું પોતે જ છું. હું જ અજવાળીને લઈ ભાગી નીકળ્યો છું. બસ, બધું જ ખતમ થઈ જશે. નહીં વૉરંટ, નહીં મુકદ્દમો, કશું જ નહીં. એ જ શું ઠીક નથી?’

બહાર રાત્રિ જાણે કે પોતાનાં ઝંટિયાં વિખેરીને બેઠી હતી. એ કાળી વિરાટ શાહુડીનાં પિછોળિયાં સમમ ! સમમ ! કરતાં ખડાં થતાં હોય તેવા સૂરો નીકળતા હતા. પાંદડુંય નહોતું હલતું. પૃથ્વી અને આકાશ જાણે કોઈ કાવતરું રચતાં હતાં.


૩૯. કોઈ નહીં ભાગી શકે

‘એ જ ઠીક છે, એ જ બહેતર છે.’

શિવરાજે રામભાઈના નામની રક્ષા કરવાનો માર્ગ પોતાના સંપૂર્ણ આત્મવિસર્જનમાં જ જોયો. હું જ અજવાળીને ઉપાડી ગયો છું, એવી ચિઠ્ઠી મૂકી જઈને પરોઢિયાની આગગાડી હેઠળ શરીરને છુંદાવી નાખું. કપડાં બદલાવીને પાટા પર સૂઈ જાઉં, માથાના પેચા નીકળી જશે. એવા ભયાનક બનેલા ચહેરાને કોઈ પારખી શકશે નહીં. થોડા દિવસ લોકાપવાદ ! થોડો જ કાળ ધિક્કાર-ફિટકાર ! થોડી જ ઘડી ગલીચ આક્ષેપોના વરસાદ ! પણ એ મને નહી ભીંજવી શકે. મૃત્યુની ગોદમાં સલામત બની ગયો હોઈશ. કદાચ એક વધુ વેદનાનું શલ્ય સરસ્વતીના કાળજાને વીંધી રહેશે. પણ એ એક જ છેલ્લું તીર : વેદનાની ત્યાં પૂર્ણાહુતિ થશે. મૃત્યુનો પડદો પડી જશે. સૌ પોતપોતાને પંથે પડશે. સરકારી જાસૂસો મને શોધશે. રામભાઈની ગંધ નાબૂદ થશે.

એ જ માર્ગ : એ એક જ રાહ બહેતર છે ! હવે જલદી કરું. પરોઢિયું પાસે આવી રહ્યું છે. દૂર દૂર જંક્શન સ્ટેશનમાંથી નિઃસ્તબ્ધ પાછલી રાતનો પહોર ચોખ્ખેચોખ્ખા સ્વરો લાવે છે. લાઈન ક્લિયર ત્રણ ત્રણ ડંકા : ‘ગાડી છૂટી’ના ચાલુ ટણટણાટો : તૈયાર થતી માલગાડીઓના શન્ટિંગ-ભણકારા : ‘આવવા દે બેક !’ ‘જાવા દે બેક !’ એવા સાંધાવાળાના