પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
અપરાધી
 


પોકારો : પળે પળે જાણે અકસ્માતો બને છે. શન્ટિંનાના ડબ્બાઓ વચ્ચે જાણે કોઈક પિલાઈ રહ્યું છે. કોઈકના પગ કપાઈ રહ્યા છે. કોઈક પટકાઈ પડે છે. ગોદામો પરના બુઢ્‌ઢા ચોકિયાતો સામસામા હોકારા સાંધી રહેલ છે. ચોમેરથી ગાડીઓ છૂટતી લાગે છે. એ બધા સ્વરો મને જગબત્રીસીમાંથી બચાવી લેવા વિકરાળ મૃત્યુની ગોદ હેઠળ બોલાવી રહ્યા છે. તાકીદ કરું : ફાટલી પોતડી પહેરી લઉં, માથાના વાળ મૂંડી નાખું, ને ગળામાં —અલખ નિરંજન એકેશ્વરની આરાધના કરનાર પિતા તો કદી માળા ફેરવતા નહોતા, પણ માતાજીનાં વસ્ત્રોની પેટીમાં તુલસી-પારાની તથા રુદ્રાક્ષની માળાઓ છે — ગળામાં પહેરી લઉં. માનું સંભારણું સાથે આવશે. એ માળાઓ આવતા પ્રભાતે કહી દેશે કે કોઈ ભામટો બાવો હશે. એ જ ઠીક છે : એ જ માર્ગ બહેતર છે.

હાથ લંબાવીને એણે બત્તીની વાટ સતેજ કરી. એ ક્ષણે એને ઓરડામાં કશોક સંચાર થતો લાગ્યો. એણે ચોમેર જોયું. ગાઢ ચુપકીદી હતી.

“કોણ છે ?” એણે ઊંચેથી પૂછ્યું.

જવાબ જડ્યો નહીં. થરથરતો એ ઊઠતો હતો તે જ પળે પાછું કોઈક બીજું ઓરડામાં હાજર હોવાનો અને આભાસ થયો.

“કોણ છે ?”

અને વળતી જ પળે એને પિતાના વખતની, પિતાજીની હમેશાંની પ્યારી, જ્યાં બેસીને પિતાજી એને માથે રોજ રાતે છેલ્લી વાર હાથ ફેરવતા, તે જ જૂની આરામખુરસી પર બાપુ પોતે જ સદેહે બેઠેલા લાગ્યા. છેલ્લી વાર જેવો જોયેલો તેવો જ પ્રતાપી ચહેરો : પણ એ મૃતદેહના ચહેરા પર મઢાયેલી આંખો તો શૂન્યમય હતી, આ ચહેરાની આંખો અત્યારે ઉઘાડી છે.

નહીં નહીં, નબળું પડેલું મન જ મને આવા આભાસો કરાવે છે, એમ વિચારીને શિવરાજે આંખો મીંચી. મીંચેલી આંખો પર હાથ ચાંપી દીધા. પણ ફરી પાછી જ્યારે આંખો ઉઘાડી ત્યારે પિતાજીને ત્યાં જ બિરાજેલા દીઠા. બાપુની આંખોમાંથી કરુણા અને માર્દવ નીતરે છે !

માથામાં એક ધણેણાટી ઊઠી. ચક્કર આવ્યાં. સોફાના તકિયા પર શિવરાજ મોંભર ઢળી પડ્યો.

પછી એણે પિતાના શબ્દો સાંભળ્યા : જીવતા હતા ત્યારે બોલતા હતા તે જ કોમળ, ગંભીર, પ્રેમાળ પણ મક્કમ બોલ :

“બેટા ! મારા બેટા ! તારા સંકલ્પો હું સમજું છું. સાવધાન, બેટા ! એ માર્ગે જતાં તને હું ચેતાવું છું. પોતાનાં પાપનાં પરિણામોથી કોઈપણ માનવી છટકી જઈ શકતો નથી. જો એ આ જન્મે છૂટશે તો નક્કી આવતા જન્મમાં એ જ કાર્યોને પોતાની સન્મુખ ઊભેલાં જોશે. ત્યારે એના હિસાબ ચૂકવવામાં હજારગણી વધુ વેદના સહેવી રહેશે, બેટા ! સાવધાન, ભાગીશ ના.”

“બાપુજી ! ઓ બા…” ઉચ્ચ સ્વરે બૂમ પાડવાની ઈચ્છા છતાં સાદ શિવરાજના ગળામાં જાણે ચોટી રહ્યો. પિતાનો અવાજ અટકી પડ્યો. અને પછી એને જ્યારે ભાન આવ્યું ત્યારે એના ખંડના બારણાની બહાર ચાઊસનો ધીરો સ્વર સંભળાતો હતો : “સા’બ ! છોટે સા’બ ! બચ્ચા મેરા !”

‘બચ્ચા મેરા’ એ છેલ્લા બોલ જાણે ચાઊસ મનમાં મનમાં બોલતો હતો.