પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું નો'તો કે'તો !
૧૬૫
 


“હું અપરાધી છું. ઘોર અપરાધી છું. દુનિયાને કાને આ એકરાર નાખવા માગું છું. મને પાછો નહીં વાળી શકો.”

“સત્યાનાશ જજો તમારું ! નરકમાંય તને વિશ્રામ ન મળજો ! તેં અનેક નિર્દોષોની, બરબાદી કરી છે. તું એ જ લાગનો છે ! સત્યાનાશ જજો, સત્યાનાશ…”

કહેતાં કહેતાં, કમ્પતે સૂરે, લથડિયાં લેતા પંડિતસાહેબ બહાર નીકળ્યા ત્યારે પહેરેગીરો આભા બનીને એમને જોઈ રહ્યા. બેમાંથી કયું દૃશ્ય વધુ દયામણું હતું – લથડતાં પગલાં ભરતો ડોસો ? કે હાથ જોડી વંદના દેતો યુવાન ? – સિપાઈઓ એ ન સમજી શક્યા.

પોલીસ અધિકારી પાછા આવ્યા. એની આંખ ફરી ગઈ હતી. એની જીભને ટેરવે સામ્રાજ્ય-સત્તા સામટી ચડી બેઠી : “બસ ત્યારે, મિસ્ટર, તમે એકરાર કરો છો ને ?”

“જી હા.”

“આરોપીની કબૂલાત લખી લો, ફોજદાર.” એણે સ્થાનિક પોલીસ અમલદારને આજ્ઞા કરી, “અને પછી અંદર લઈ જાઓ.”

પ્રભાતમાં ઊભો થઈને અદબ કરનારો એ અમલદાર સાંજે એની સામે નજર પણ નાખ્યા વગર ચાલ્યો ગયો.

“અને પાકો બંદોબસ્ત રાખજો. એની કોટડીને રાતભર તપાસતા રહેજો.” એ એના વિદાય-શબ્દો હતા.

શિવરાજના હોઠ પર એક સ્મિત આવીને પાછું વળી ગયું.

સંધ્યાકાળે પોલીસે શિવરાજને બે દરવાજાની આરપાર લીધો. એની તુરંગને એક કેદીએ વાળી નાખી.

“સા’બ !” પઠાણ પહેરેગીરે સલામ ભરી, “માલિક આપકા શુકર કરે,” એણે બે હાથ ઊંચા કરીને દુઆ દીધી, “પેટકી રોટી હમારે હાથોસે બડી બૂરાઈ કરા રહી હૈ, છોટે સા’બ !”

એનો જવાબ શિવરાજના મોંમાંથી કશો જ ન નીકળી શક્યો. કામળી બિછાવીને શિવરાજ સૂઈ ગયો.

ને રાત્રિએ થાણદારને ઘેર વકીલો, અમલદારો, કારકુનો, પટાવાળાઓ, સૌનો મેળો મળ્યો.

“હું તો કહેતો’તો !” થાણદારના મોંમાંથી સૌ પહેલાં નીકળનારા શબ્દો આ હતા. એમણે વારંવાર જે વાતો કરી હતી તે એ રાત્રિએ ફરીથી કહી : “પચીસ જણાના હક ડુબાડીને આજકાલના છોકરાને ઉપરી બનાવ્યો. હું તો કહેતો’તો, કે ભાઈ, આ છોકરવેજાને ભેગી કરવામાં એજન્સીનું ભલું નથી. મેં હજાર વાર કહ્યું’તું કે જીભની ચિબાવલાઈથી કારભારાં નથી થવાનાં. ને હું કહી રાખું છું કે એજન્સીને અમારા વગર નથી ચાલવાનું. ને આ સદ્ધનાં પૂછડાંઓ ! જુઓ તો ખરા ! જોઈ લ્યો ભવાડા ! સફાઈ ઠોકે કે અમે લાંચ નથી લેતા ! અમે ગરીબોના બેલી છીએ ! અમે શાહુકારોના બાપથીયે દબાતા નથી ! અમે રંકોનાં રખવાળાં કરનાર ! જોઈ લ્યો હવે આ રંકોના રખેવાળોને ! રંકોને માથે વહાલ વરસાવનારાઓનાં માયેલાં કામાં જોઈ લેજો બધા – લાંચ નથી લેતા ! શું કપાળ લ્યે ! લેતાં આવડે તો લ્યે ને ! હું કહેતો આવ્યો છું ને કહી રાખું છું, કે આ વેજા એજન્સીનો વહીવટ ઊંધો વાળવાની છે. પચીસ નોકરોના હકો ડુબાડનારાઓનું મારો ત્રિલોકીનાથ