પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધૃષ્ટ છોકરી !
૧૩
 


ઘડીભર શિવરાજ ખંચકાયો – ને શરમિંદો બન્યો. પોતાના ભૂંડા વેશનું એને ભાન થયું. કોણ જાણે કેમ પણ પોતાના જે દેખાવને દશ લાખ પુરુષોની આંખો સામે લઈ જવામાં શિવરાજને કશો આંચકો નહોતો, તે દેખાવ એક નાની છોકરીની નજરનો શિકાર બની જતાં જુવાન ખારો ખારો થઈ ગયો.

કોણે મોકલી છે આંહીં આ છોકરીને ? કોણ છે એ ? શી બડાઈ કરતી એ આંહીં પારકા ઘરની પાછલી પરસાળે આવીને ઊભી છે ? હું ઘરનો માલિક-પુત્ર આવા ઢંગે ચાલ્યો આવું છું ત્યારે પણ એ કેમ ખસીને ચાલી જતી નથી ?

પણ પછી તો ગુસ્સો ચડાવવાનો કંઈ અર્થ નહોતો. પાછા વળવાનીયે વેળા નહોતી. સાડીનો પાલવ કે ઘૂંઘટ સ્ત્રીઓને આવો વેશ-કુવેશ ઢાંકવામાં જે વખતસરની મદદ આપે છે તે મદદથી હિંદનો પુરુષ-વેશ વંચિત છે. એવી મદદને મેળવવા માટે માણસે અરબસ્તાનમાં જન્મવું જોઈએ.

“એ… એ… અહીંથી નહીં, પેલી બાજુએથી અંદર આવવાનું છે, અલ્યા !” પરસાળ પર ઊભીને ‘સ્કિપિંગ’ કરતી તેર વર્ષની છોકરી બોલી ઊઠી.

સાંભળતાં જ શિવરાજની ખોપરીમાં સબાકો નીકળી ગયો. તુચ્છકારની મૂંગી દૃષ્ટિ કરીને વિશેષ બિહામણો બનતો એ સડેડાટ પગથિયાં ચડી જઈ એક બાજુથી પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. છોકરી આ કોઈ અડબૂથ કોળી કે ભંગી દેખાતા જુવાનની હિંમતથી હેબતાઈ જઈને અંદર ચાલી ગઈ.

અંદર બે બુઢ્‌ઢા બેઠા હતા — એક દેવનારાયણસિંહ, ને બીજા એ છોકરીના પિતા બર્વેસાહેબ.

સોરઠની ધરતીનો જ એ ગુણ છે કે કોઈપણ અન્ય ધરતીના જીવને એ પોતાનો કરી લે છે. જેવું દેવનારાયણસિંહ પુરબિયાનું બનેલું તેવું જ દક્ષિણી બર્વેસાહેબનું બન્યું હતું. આ ભૂમિમાં એ બેઉ માનવીઓ ક્યાંક બહારથી આવ્યા હશે એવી બીજાઓને તો શું પણ એમને બેઉને પોતાને પણ બહુ સાન રહી નહોતી. બર્વેસાહેબનાં પત્ની જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધી વરસોવરસ ગણપતિ-ઉત્સવ અને હલદી-કંકુના તહેવાર એકલાં એકલાં પણ ઊજવતાં, ને એ દ્વારા પોતાની જન્મદાત્રી મહારાષ્ટ્રના ડુંગર-ભમતા કછોટાધારી માનવીઓ જોડે આત્મગ્રંથિ ટકાવી રાખતાં. પણ એ ધર્મનિષ્ઠ પત્નીના અવસાન પછી નાસ્તિકતાવાદી બર્વેસાહેબે ગણપતિ-ઉત્સવની સુંદર નિર્મળ દીવીઓને તેમ જ ધૂપદાનીઓને પોતાની બીડીઓની રાખ ખંખેરવાની રકાબીઓ બનાવી દીધી હતી. એકની એક પુત્રી સરસ્વતીને એણે કોઈ આર્યસમાજી છાત્રાલયમાં ભણવા મૂકી હતી. ને પત્નીનો વિરહ સાલતો ત્યારે પોતે એકાદ કટોરી દારૂ છાનામાના પી લેતા. તે સિવાય એમના આખા જીવનને ડેપ્યુટી પોલિટિકલ એજન્ટની કામગીરીએ ઠાંસી ઠાંસીને ભરી દીધું હતું. કાઠિયાવાડમાં મૂછો બોડાવનાર એ સૌ પહેલા હતા. વસ્તીના લોક એમને એમની ગેરહાજરીમાં ‘બોડા બર્વેસાહેબ’ તરીકે ઓળખતા. કાંપમાં પોતે હમણાં બદલી થઈ આવ્યા હતા. આજની સાંજ એમણે પુત્રી સરસ્વતી સહિત સુજાનગઢમાં ગાળવાનું દિલ કર્યું હતું. વગર કહાવ્યે ઓચિંતા આવી ચડનાર ડેપ્યુટી અમુક રીતે પોતાના ઉપરી છતાં દેવનારાયણસિંહે એની સરભરાની કશી જ દોડધામ કરાવી નહીં. માલુજીએ બનાવેલી પૂરી અને ચાનો નાસ્તો કરતા બેઉ બેઠા હતા. વાર્તાલાપના છેલ્લા જે બોલ સરસ્વતીએ સાંભળ્યા છે આટલા જ હતા : “નહીં, નહીં, નહીં.” બર્વેસાહેબે કહ્યું: “ઈશ્વર જેવું કોઈ પ્રાણી છે જ નહીં.”